તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસુંબીનો રંગ:ભુજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ઉજવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના લડતમાં મેઘાણીની કલમનું આગવું પ્રદાન: આઇ.કે.જાડેજા

ભુજ ખાતે આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે કસુંબીના રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજયમાં 33 જિલ્લાઓમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ પ્રસંગે કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત ભુજમાં ગુજરાત અદાણી ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે સ્વર્ણિમ ગુજરાત 50 મુદા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને કસુંબીના રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાડેજાએ જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીએ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાઈને સૌરાષ્ટ્ર-ગુજરાતના ડુંગરો ખુંદીને બાળકોથી લઇને વૃધ્ધો સુધીના લોકો માટેના સાહિત્યનું સર્જન અને સંકલન કર્યુ છે.

આઝાદીની લડતમાં મેઘાણીએ પોતાની ધારદાર કલમથી આગવું પ્રદાન આપ્યું હતું અને સાહિત્યની તાકાત તેમણે વિશ્વને બતાવી આપી. માતૃભાષાનું મહત્વ સમજી અનેક દેશોએ, સમાજ અને સંસ્કૃતિઓએ તેને બળ અને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેને પોતાના જીવનમાં ઉતાર્યુ હતું.

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાહિત્યકારો અને સાહિત્યલક્ષી કામોને વિશેષ મહત્વ અપાવામાં ભગીરથ કાર્ય કર્યુ છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી મેઘાણીની કલમની તાકાતને સમજીને તેને વિશેષ મહત્વ અપાવવાના અનેક પ્રયાસો થઇ રહયા છે તે થકીનું આ એક છે. ઉપરાંત કચ્છના લોક સાહિત્ય પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે કચ્છી લોક સાહિત્યને પણ સાંકળીને રચનાઓ સંકલિત કરી છે.

કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ મેઘાણીના જીવનની ઝાંખી વર્ણવતા જણાવ્યું હતું કે, તેમનું લેખન શૌર્યવાન હતું. સિધુંડો, છેલ્લો કટારો ઝેરનો પી જજો બાપુ વગેરે રચનાઓ નવી ચેતના જન્માવે તેવી છે.

જિલ્લા તેમજ તાલુકાના વિવિધ ગ્રંથાલયોને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની જીવનયાત્રા વર્ણવતી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો રાજેશ ગઢવી અને રાજ ગઢવી જેવા લોક સાહિત્યકારોની જુગલ જોડીએ સૌને ગીતો સંભળાવી મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.જયરાજસિંહ જાડેજાએ કર્યુ હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભુજ એપીએમસીના ચેરમેન કેશુભાઇ પટેલ, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠકકર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએ ડાયરેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજ સીટી મામલતદાર સી.આર.પ્રજાપતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસિનખાન પઠાણ, રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ અને સ્ટાફ તેમજ અદાણી મેડિકલ કોલેજના કર્મચારીઓ, સ્ટાફ તેમજ સાહિત્યપ્રેમી, નગરજનો કોરોનાની માર્ગદર્શિકા મુજબ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...