છેલ્લા ચાર દિવસથી ઠંડીના મોજામાં જકડાયેલાં કચ્છમાં મંગળવારે પણ શિયાળાનો અસલી મિજાજ અનુભવાયો હતો. 5.8 ડિગ્રી સાથે ધ્રૂજેલું નલિયા રાજ્યમાં અવ્વલ ક્રમે જારી રહ્યું હતું. જિલ્લાભરમાં મહત્તમ સરેરાશ 24 ડિગ્રી રહેતાં દિવસ પણ ઠંડો બન્યો હતો. ગુરૂવારથી ઠંડીમાં રાહત રહેવાનો વર્તારો વ્યક્ત કરાયો છે.શીત નગર નલિયામાં પારો વધુ અડધો આંક નીચે સરકીને 5.8 પર પહોંચતાં રાત્રે કાતિલ ઠાર અનુભવાયો હતો. ઉંચું ઉષ્ણતામાન 23.2 ડિગ્રી રહેતાં લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો. રાત્રિ ટાઢીબોળ બનતાં અબોલ જીવોની હાલત કફોડી બની રહી છે. કચ્છમાં બીજા સ્થાને કંડલા એરપોર્ટ ન્યૂનતમ 9.7ના આંકે ટાઢુંબોળ બન્યું હતું.
પરિણામે અંજાર અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં સૂર્યાસ્ત થતાં જ ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. 23.6 ડિગ્રી જેટલા મહત્તમ તાપમાને બપોરે પણ શિયાળાની હાજરી જણાઇ હતી. જિલ્લા મથક ભુજમાં પારો 10 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. દિવસભર પ્રતિ કલાક સરેરાશ 10 કિલો મીટરની ગતિએ ફૂંકાયેલા પવન અને મહત્તમ 23.4 ડિગ્રી જેટલા તાપમાનને કારણે શહેરીજનો દિવસે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે ચડયા હતા. કંડલા બંદરે લધુતમ 13.6 જ્યારે ઉંચું ઉષ્ણતામાન 24.6 ડિગ્રી રહ્યું હતું. ગુરૂવારથી લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.