શીતનગર:નલિયા સતત 19મા દિવસે રાજ્યમાં સૌથી ઠંડું મથક : 5.8 ડિગ્રી સાથે ઠાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-અંજાર વિસ્તારમાં 8.4 ડિગ્રી સાથે ઠંડીનો સકંજો

અબડાસાના મુખ્ય મથક નલિયામાં પારો ફરી નીચે સરકીને 5.8 ડિગ્રીએ સ્થિર થતાં ઠારની ધાર તેજ બની હતી. સતત 19મા દિવસે આ શીતનગર રાજ્યમાં સૌથી ઠંડુ બન્યું હતું. કંડલા એરપોર્ટ મથકે 8.4 ડિગ્રી જેટલા ન્યૂનતમ તાપમાન સાથે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં ઠંડીનો સકંજો મજબૂત બન્યો હતો.

ચાલુ માસની 8 તારીખે લઘુતમ 12.8 ડિગ્રી બાદ સતત એક આંકડાની ઠંડી સાથે ઠરી રહેલાં નલિયામાં સોમવારે પારો 3 ડિગ્રી ઉંચકાઇને મંગળવારે 1.3 આંક નીચે સરક્યો હતો. બે સપ્તાહ કરતાં વધુ સમયથી ઠારના સામ્રાજ્યમાં જકડાયેલા શીત નગરના જન જીવન પર શિયાળો અસર કરતો જોવા મળી રહ્યો છે જેને કારણે સૂર્યાસ્ત થતાં જ બજારો સૂમસામ બની જાય છે તો સૂર્યોદયના બેથી ત્રણ કલાક બાદ ઠંડીમાં રાહત રહેતી હોવાથી નગરજનોની સવાર મોડી પડે છે. ત્રીજી ડિસેમ્બરથી નલિયા રાજ્યમાં મોખરાના સ્થાને ઠરી રહ્યું છે.

કંડલા એરપોર્ટ મથકે અડધી ડિગ્રી ઘટીને ન્યૂનતમ 8.4 પર પહોંચ્યું હતું પરિણામે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ઠંડીનો સકંજો મજબૂત બનતો જણાયો હતો. કંડલા બંદરે પણ નીચું ઉષ્ણતામાન બે ડિગ્રી જેટલું ઘટીને 11.1 રહ્યું હતું. એકમાત્ર જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ 10.4થી ઉંચકાઇને 11.6 રહેતાં આંશિક રાહત અનુભવાઇ હતી. કચ્છમાં મહત્તમ સરેરાશ 29 ડિગ્રી સાથે બપોરે ઠંડી ગાયબ જણાઇ હતી. દરમિયાન આજથી ઠંડીમાં રાહત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે ફરી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...