તાપમાન:નલિયા 7.1 ડિગ્રી સાથે ઠર્યું : કચ્છમાં આજથી ઠંડીમાં રાહતની સંભાવના

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શીતનગરમાં પારો 3 આંક ઉંચકાયો તો પણ ઠાર

નલિયામાં ન્યૂનતમ પારો 3 આંક જેટલો ઉંચકાઇને 7.1 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે, રાજ્યમાં મોખરાના સ્થાને ઠરી રહેલા શીતનગરમાં ઠાર જારી રહ્યો હતો. આજે મંગળવારથી કચ્છમાં નીચું તાપમાન ઉંચકાવાની સાથે ઠંડીમાં આંશિક રાહત રહેવાની સંભાવના દર્શાવાઇ છે. શનિવારે આ મહિના અને મોસમની વિક્રમ જનક 2.5 ડિગ્રી સાથે ઠરેલા નલિયામાં બે દિવસમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઉંચકાયું હોવા છતાં ઠાર અનુભવાઇ રહ્યો છે. બીજી બાજુ સોમવારે મહત્તમ બે આંક ઉંચકાઇને 29.8 જેટલું રહેતાં દિવસે ટાઢોડામાં રાહત રહી હતી.

કચ્છમાં બીજા અને રાજ્યમાં ત્રીજા સ્થાને ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે અડધો ડિગ્રી ઘટીને 8.9 સેલ્શિયસ રહ્યું હતું જેને પગલે ઠારની ધાર વધી હતી. દિવસનું ઉષ્ણતામાન 27.4 ડિગ્રીએ જળવાઇ રહ્યું હતું. ભુજમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યૂનતમ 10 ડિગ્રીની આસપાસ સ્થિર થયું છે. સપ્તાહના ઉઘડતા દિવસે પણ 10.4 ડિગ્રી રહેતાં શહેરીજનોએ ઠંડીમાં આંશિક રાહત મહેસૂસ કરી હતી

જ્યારે મહત્તમ ઉષ્ણતામાન 29.6 પર પહોંચતાં અને પવનની ઝડપ નોંધપાત્ર રીતે ઓછી થતાં અગાઉ દિવસે છવાતા ઠંડીના સામ્રાજ્યની અસર ઓસરી હતી. કંડલા બંદરે લઘુતમ 13.3 જ્યારે મહત્તમ 27.6 ડિગ્રી નોંધાયું હતું.દરમિયાન આવે મંગળવારથી કચ્છમાં પારો ક્રમશ: બેથી ચાર ડિગ્રી જેટલો ઉંચકાવાની સાથે ઠંડીમાં થોડી રાહત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...