હવામાન:નલિયામાં ન્યૂનતમ 10.6 ડિગ્રી, મોસમમાં સૌથી ઠંડું, કંડલા (એ) 12.8 સાથે રાજ્યમાં બીજા ક્રમે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં મહત્તમ પારો અડધોથી બે આંક નીચે ઉતરતાં જિલ્લાવાસીઓએ ગરમીમાં અનુભવી રાહત

શિયાળામાં શીત નગરમાં ફેરવાતાં નલિયામાં મોસમમાં પ્રથમવાર પારો વધુ નીચો ઉતરીને 10.6 ડિગ્રી થતાં રાજ્યમાં સૌથી ઠંડુ મથક બન્યું હતું તો કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ એક ઝાટકે 6 આંક જેટલું ઘટી જતાં 12.8 ડિગ્રી સાથે બીજા ક્રમે ઠર્યું હતું. બીજી બાજુ નખત્રાણા અને નલિયામાં સવારે ગાઢ ધુમ્મસ છવાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સોમવારથી નીચું તાપમાન નીચે સરકી રહ્યું છે જે ગત રાત્રે 10.6 જેટલું રહેતાં શિયાળો અસલી મિજાજ દર્શાવતો જણાયો હતો. વહેલી સવારે નીકળતા અખબાર અને દૂધના ફેરિયાઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. સૂર્યોદય બાદ ધુમ્મસનું આવરણ રહેતાં વાહન ચાલકોને હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ધુમ્મસના કારણે રાયડો અને જીરૂના પાકને નુક્સાન થવાની ભીતિ કિસાનોએ દર્શાવી હતી. મહત્તમ 32.2 ડિગ્રી સાથે હવામાનમાં વિષમતા જારી રહી હતી. નખત્રાણામાં પણ સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું.

રાજ્યમાં બીજા ક્રમે ઠંડા રહેલાં કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ પારો 6 આંક જેટલો ગગડીને 12.8 થઇ જતાં એકાએક ઠંડીનું જોર વધ્યું હતું. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં રાત્રિની તુલનાએ વહેલી સવારે વધુ ઠાર અનુભવાયો હતો. ઉંચું ઉષ્ણતામાન 33.4 ડિગ્રી રહેતાં બપોરે ગરમીની હાજરી રહી હતી. જિલ્લા મથક ભુજ ખાતે ન્યૂનતમ દોઢ આંક નીચે ઉતરીને 17.6 ડિગ્રી થતાં વહેલી સવારે શિયાળો દસ્તક દેતો જણાયો હતો. ઉંચું તાપમાન 34.2 ડિગ્રી રહ્યું હતું. કંડલા પોર્ટ પર વધુમાં વધુ 31.6 જ્યારે લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છમાં ન્યૂનતમ પારો હજુ પણ બેથી ત્રણ આંક નીચે ઉતરવાની સાથે ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...