આયોજન:નાબાર્ડ દ્વારા 2022-23માં કચ્છને 608894.86 લાખનું ધીરાણ અપાશે

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી સંપદા, વિકાસની સંભાવનાઓના આધારે અંદાજો તૈયાર કરીને તે અંગે કરાયું આયોજન

નાબાર્ડ દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં 608894.86 લાખનું ધીરાણ અાપવાનું અંદાજ નક્કી કરાયું છે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) કચ્છ દ્વારા આગામી વર્ષે કચ્છમાં 608894.86 લાખથી વધુની રકમના સંભવિત ધિરાણ આપવાના અંદાજો રજુ કરવામાં આવ્યા છે. જિલ્લાના સરકારી વિભાગો બેંકો, વિકાસ કાર્યોથી જોડાયેલા લોકો સાથે ચર્ચા વિચારણા કરી પ્રાથમિક જરૂરિયાત ધરાવતા કૃષિ ધિરાણ, પાક નિકાસ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો શિક્ષણ અને ઘરો માટેના વાર્ષિક અંદાજો જિલ્લામાં ઉપલબ્ધ કુદરતી સંપદાઓ અને વિકાસની સંભાવનાઓના આધારે વર્ષ 2022-23ના આયોજનો રજુ કરાયા છે. નિવાસી અધિક કલેક્ટર અેચ.અેમ.જાડેજાની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી બેઠકમાં નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક નીરજ કુમારસિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ધ્યાને લઈ આ (PLP) પોટેન્સીયલ લીંક ક્રેડીટ પ્લાન તૈયાર કરાયો છે.

જિલ્લાની લીડ બેંક દ્વારા દર વર્ષે વાર્ષિક ધિરાણના અંદાજપત્ર તૈયાર કરાય છે, જેમાં 608894.86 લાખની રકમની જોગવાઈ અનુમાનિત કરાઇ છે, જે ગત વર્ષની તુલનામાં બાવીસ ટકા જેટલો વધારો દર્શાવે છે. 57.24% એટલે કે, રૂ.348508.80 લાખ જેટલું ધિરાણ કૃષિ અને તેને આનુસાંગિક કાર્યો માટે જ્યારે બાકી રૂ.260386.06 લાખ (42.76%)લઘુ અને મધ્યમ ઉદ્યોગો, શિક્ષણ આવાસ આયાત નિકાસના ક્ષેત્રોમાં ધિરાણ માટે અંદાજવામાં અાવ્યા છે. વાર્ષિક અંદાજપત્રનું (પી.એલ.પી.2022-23)નું નિવાસી અધિક કલેકટરે વિમોચન કરી કચ્છના વિકાસ કાર્યોમાં નાબાર્ડની ભૂમિકા અને સહયોગની સરાહના કરી હતી. બેઠકમાં ઘનશ્યામ પ્રજાપતિ (ડાયરેક્ટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) ડો. મનીષ કામત (કેવીકે-ભુજ) ડો. હરેશ ઠક્કર (નાયબ પશુપાલન નિયામક) બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય ઉપપ્રબંધક રાકેશ કુમાર, જિલ્લા વિકાસ પ્રબંધક નીરજકુમારસિંહ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...