રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ:મુન્દ્રા પાલિકાએ રસ્તે રખડતા ઢોરને ઝડપી પાંજરાપોળમાં ખસેડવાની કામગીરી હાથ ધરી, 15 દિવસમાં 300 ઢોર પકડ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેક દિવસમાં મુન્દ્રાના રસ્તા પરથી તમામ રખડતા ઢોરને દૂર કરી દેવાશે

કચ્છમાં ઔધોગિક ક્રાંતિ ધરાવતા મુન્દ્રા શહેરમાં ચાલુ વર્ષે પંચાયતમાંથી નગરપાલિકા તરીકે અમલમાં આવેલી મુન્દ્રા-બારોઇ સુધારાઈ દ્વારા પ્રથમ વર્ષેજ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. જેમાં નગરમાં રખડતા ઢોરના કારણે ઉદ્ભભવેલી પરિસ્થિતિના કારણે સર્જાતી મુશ્કેલીના નિવારણ માટે સુધારાઈ દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સમગ્ર જિલ્લાના મુખ્ય મથકો માટે પ્રેરણાદાઈ કાર્ય ગણી શકાય.

આ વિશે મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે વિગતો આપતા જણાવ્યું કે ઘણા લાંબા સમયથી નગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો હતો જેના નિવારણ અર્થે જાહેર રજા સિવાયના છેલ્લા પંદર દિવસથી સલામતીના ભાગરૂપે રાત્રીના સમયે બિનવારસુ જાહેર માર્ગો પર રખડતા ચોપગા આંખલા સહિતના ઢોરને સુધારાઈ તથા સ્થાનિક સેવાભાવી લોકોના સહયોગ વડે પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300 જેટલા આંખલાઓને પકડીને મુન્દ્રા પાંજરાપોળની ગુંદલા ખાતે આવેલી પેટા પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ થોડા ઢોર પકડવાના બાકી છે જે બેથી ત્રણ દિવસમાં પકડાઈ ગયા બાદ મુન્દ્રા નગર રખડતા ઢોરથી મુક્ત બનશે.

આ વિશે સુધારાઈ દ્વારા એક નંદીના નિભાવ માટે માસિક રૂ. 2 હજાર પ્રમાણે ગુંદાલા પાંજરાપોળને હાલ રૂ. 1 લાખ એડવાન્સ જમા કરાવી આપ્યા છે. જ્યારે એક ઢોર પકડવા માટેની મજૂરી રૂ. 500 ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુધારાઈના પદાધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી હાલ ચાલી રહી છે. જેના કારણે મુન્દ્રાના નગરજનોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરના માંડવી ચોક, બકાલા માર્કેટ, બારોઇ માતા ચોક અને લોકોની સતત અવરજવર ધરાવતા બારોઇ રોડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વ્યાપકપણે ફેલાયેલો હતો. જેનો ભોગ રાહદારીઓને બનવું પડતું હતું ત્યારે સુધરાઈની પ્રેરણાદાઈ પહેલથી જિલ્લાના અન્ય શહેરો અને તાલુકા મથકોએ શીખ લેવી જોઈએ એવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...