રોગને ડામવા ત્રીજી મેગા ઝુંબેશ:શહેરમાં 253 ઘરોમાં મચ્છરના લારવા મળી આવ્યા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મચ્છરજન્યબીમારીના કેસો વધતા હોવાથી તંત્ર દ્વારા બુધવારે ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનીયા રોગ અટકાયત માટે સતત ત્રીજી મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી.જેમાં ભુજ તાલુકા ઉપરાંત અન્ય તાલુકાની એમ કુલ્લ 85 સર્વે ટીમો તથા ફોગીગની 10 ટીમો બનાવી ત્રીજી વાર ખાસ ઝુંબેશનું આયોજન કરાયું હતુ.

તંત્રના આ સર્વેક્ષણ દરમિયાન 7997 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં 253 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા પોરાનાશક કામગીરી કરાઈ હતી.30 હજારથી વધુ વસ્તી અને 8 હજાર જેટલા ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.જે હેતુ 29647 પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને 313 થી વધુ મચ્છર ઉત્પતી સ્થળો મચ્છરના લારવા માટે પોઝીટીવ જણાઇ આવતા 8532 પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ અસરગ્રસ્ત વિસ્તારના 653 ઘરોમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.ઘર તપાસ દરમ્યાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે 21 લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યુ હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ જણાવ્યું હતું.

શિયાળો શરૂ પણ મિશ્રઋતુના કારણે બીમારીનો કેડો યથાવત
જિલ્લામાં વહેલી પરોઢે અને સાંજ બાદના સમયે શીતળ પવનો ફૂંકાતા હોવાથી મોટાભાગના લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ બહાર નીકળી રહ્યા છે તેમજ આખી બાયના કપડાં પહેરતા હોવાથી મચ્છર કરડવાનો ભય રહેતો નથી. જોકે હાલમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુ હોવાથી વાયરલ બીમારીનો કહેર હજી શાંત થયો નથી. વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાયેલા હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો. તેમાં પણ તાજેતરમાં કમોસમી માવઠાએ ફરી મચ્છરને આમંત્રણ આપ્યું હતું.સામાન્ય રીતે શિયાળામાં મચ્છરજન્ય બીમારીના કેસો ઓછા થઈ જાય છે પણ મિશ્રઋતુના કારણે હાલમાં છુટા છવાયા કેસો જોવા મળી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આ બીમારીના કેસો સાવ ડાઉન થઈ જશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

સપ્તાહમાં 1 દિવસ ડ્રાય ડે તરીકે ઉજવવા તાકીદ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને મચ્છરોની ઉત્ત્પત્તિ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલા લેવા તથા અઠવડિયામાં એક દિવસ સુકો દિવસ તરીકે પાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં પાણીના પાત્રોની સાફ સફાઈ કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...