તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:અબડાસામાં વધુ અડધોથી દોઢ ઇંચ, લખપત અને નખત્રાણા તાલુકામાં અડધો ઇંચ વરસ્યો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં અષાઢ અને મોટા ભાગનો શ્રાવણ માસ કોરો ગયા બાદ રવિવારથી શરૂ થયેલી મેઘ મહેર જારી રહી હતી. આરંભે પૂર્વ બાદ શુક્રવારે પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ પડાવ નાખ્યો હતો અને અબડાસા, લખપત તેમજ નખત્રાણા પંથકમાં અડધોથી દોઢ ઇંચ જેટલી મહેર કરતાં કિસાન અને માલધારી આલમે રાહતનો દમ લીધો હતો. માંડવી અને રાપરમાં ઝાપટા રૂપે હાજરી રહી હતી.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સવારે 6થી 10 વાગ્યા સુધી 4 કલાકના ગાળામાં એક ઇંચ કરતાં વધુ પાણી વરસ્યું હતું. નગરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જગડિયા, ગોયલા, મોખરા, વાયોર, ઉકીર, વાગોઠ, ફુલાય, વાઘાપધ્ધર, ભોઆ, સાળંગવાળા, વલસડા, ઐડા, લૈયારી, કેરવાંઢ, છસરા, સુખપર, નાની-મોટી ચરોપડી, અકરી, બેર, થુમડી, રોહાડો, હોથીયાય, સાંધી, આરિખાણા, ખુઅડા, ડુમરા, વરાડિયા, વિઝાણ, સાંધાણ, લઠેડી, વરંડી, નારાણપર, મંજલ, નરેડી,રાયધણજર, ચીયાસર સહિતના વિસ્તારોમાં લાંબી વાટ જોવડાવાયા બાદ મેઘરાજાનું આગમન થતા મુંઝાયેલા મોલને જીવતદાન મળતા ખેડુતો અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

નખત્રાણા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર જારી રહી હતી. તાલુકા મથક નખત્રાણામાં સવારે અને બપોરે ઝાપટું વરસ્યું હતું વિથોણ, દેવપર, ધાવડા, નાના મોટા અંગીય, સાંગનારા, નાગલપર સહિતના વિસ્તારોમાં બપોરે દોઢ વાગ્યાના અરસામાં પડેલા ઝાપટાના કારણે પાણી વહી નીકળ્યાં હતાં. રવાપર દિવસભર ઉકળાટ બાદ સાંજે 4 વાગ્યાના ગાળામાં 25 મિનિટમાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ખેતરોમાં ઉભેલા મગફળી અને એરંડા સહિતના પાકોને ફાયદો થશે તેમ શાંતિલાલ રંગાણીએ જણાવ્યું હતું. ગામના તળાવમાં નવા નીરની આવક થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આસપાસના નાગવીરી અને ઘડાણીમાં ઝરમર વરસ્યો હતો જ્યારે વિગોડી ગામ કોરૂં રહ્યું હતું.

લખપત તાલુકામાં મેઘાડંબર સાથે અસહ્ય ગરમી અનુભવાઇ હતી. બપોરે રામાણિયા, જુણાગિયા, મીંઢિયારી વિસ્તારમાં ઝાપટું પડયું હતું. જુણાગિયા-રામાણિયા માર્ગે પાપડીમાં પાણી વહી નીકળ્યા હતા. તાલુકા મથક દયાપર, ઘડુલી, વિરાણી, માતાના મઢ, દોલતપરમાં ઝરમર હાજરી રહી હતી.

માંડવીમાં વહેલી સવારે તેમજ બપોરે 4 વાગ્યા બાદ ઝાપટા રૂપે વધુ 8 મીલિ મીટર પાણી વરસ્યું હતું. આસપાસના ગામોમાં પણ ઝરમરથી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાપરમાં સવારથી વાદળો છવાઇ જતાં ગરમીનું જોર રહ્યું હતું. બપોરે બે વાગ્યા બાદ ભારે ઝાપટા સાથે 5 મીલિ મીટર વરસતાં નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડતાં ખેડૂતો ખુશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...