ભુજ તાલુકાના વાંઢાય ખાતે ઉમિયા માતાજી સંસ્થાન તેમજ સમૂહલગ્ન આયોજન સમિતિના સંયુક્ત ઉપક્રમે નડિયાદના સંતરામ મંદિરના સહયોગથી બે દિવસીય વિનામૂલ્યે સર્વરોગ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે રવિવારે કેમ્પના પ્રથમ દિવસે જ 700થી વધુ દર્દીઓની તપાસ કરાઇ હતી. જરૂરિયાત મુજબના દર્દીઓના મોતિયાના ઑપરેશન પણ હાથ ધરાયા હતા.
ઉમાપતિ મહાદેવ મંદિરના દશાબ્દી વર્ષના ઉપક્રમે મંદિર પરિસરના પટાંગણમાં બે દિવસીય મેડિકલ સારવાર કેમ્પમાં સંતરામ મંદિરના તબીબો દ્વારા આંખના રોગો જેવા કે ઝામર, ત્રાંસી આંખ, પડદા અને પાકેલા મોતિયાની શસ્ત્રક્રિયા વિનામૂલ્યે કરવા માટે કેમ્પનું આયોજન કરાયું છે. ઉપરાંત ચામડીને લગતા રોગોનું દવા અને સારવારથી નિવારણ ઉપરાંત તાવ, શરદી, ઉધરસ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં વધુ પડતા આંખના દર્દીઓ જોડાયા છે. કેમ્પના પ્રારંભમાં ઉમિયા માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. કે.વી પાટીદારે સૌનું સ્વાગત કર્યું હતું. જ્યારે પ્રસંગ પરિચય મંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ આપ્યો હતો.
સંતરામ મંદિર નડીયાદના ભૂપેન્દ્રભાઈએ હોસ્પિટલ દ્વારા ચાલતી તબીબી સેવાની યોજનાઓની માહિતી આપી હતી. સાથે સાથે સંતરામ મંદિરની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થા જ્યારે પણ મેડીકલ કેમ્પ કરવા ઇચ્છતી હશે તો સંતરામ મંદિર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે. આ પ્રસંગે સંસ્થાની નવી લોન્ચ કરાયેલી વેબસાઇટની માહિતી સમૂહલગ્ન આયોજન સમિતિના મહામંત્રી રમેશભાઈ પોકારે આપી હતી. વેબસાઇટનું લોન્ચીંગ સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ તેમજ કેમ્પના ઉદ્ગાટક નિમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે વાલરામ કુટિરથી દેશલપર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રીમતી નિમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. તે અંગેની માહિતી સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ આપી હતી. સંતરામ ચિકિત્સાલયના એડમિનિસ્ટ્રેટિવ અને નિમાબેન આચાર્ય તેમજ કેમ્પના મુખ્ય દાતા રતનશીભાઈ સોમજી ભીમાણીનું વિશેષ સન્માન સંસ્થાના પ્રમુખ અને અતિથિ વિશેષ અબજીભાઈ કાનાણી અને ગંગારામભાઈ રામાણી દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારા, શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન ભંડેરી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી રામજીભાઈ નાકરાણી, અખિલ ભારતીય લક્ષ્મીને સનાતન સમાજના મંત્રી કિરીટભાઇ ભગત, સંસ્થાના ટ્રસ્ટી શિવજીભાઈ કાનાણી, મંત્રીઓ પ્રવિણભાઈ ધોળુ અને પ્રવીણભાઈ ધનાણી, ખજાનચી ગંગારામભાઈ ચૌહાણ, મુરબ્બી સલાકાર મેઘજીભાઈ રામજીયાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓ માટે રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સમૂહલગ્ન આયોજન સમિતિના કાર્યકરોની સાથે સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.