ધાર્મિક:સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષમાં 31,000થી વધુ લોકોએ ધજા ચડાવવાનો લાભ લીધો

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધા, આસ્થા અને સંકલ્પ સિદ્ધિનું કેન્દ્ર બિંદુ
  • દેશ-વિદેશના હરિભકતો મનોરથો અને સંકલ્પો પૂર્તિની આશાએ ભાગ લઇ સેવા પણ નોંધાવે છે

દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ધજા ચડાવવાનો ખૂબ મહિમા છે. દ્વારકા, સોમનાથ, અંબાજી જેવા તીર્થધામોમાં શ્રદ્ધાળુઓ ધ્વજા ચડાવે છે. ભુજના પણ તીર્થધામ નૂતન સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષમાં 31,000થી વધુ લોકોએ ધજા ચડાવવાનો લાભ લીધો છે. નૂતન સ્વામિનારાયણ મંદિરમાં મહા સુદ એકાદશીનો મહિમા છે. આ દિવસે મંદિરમાં બિરાજમાન બધા દેવોને હરિભકતોના મનોરથો અને સંકલ્પો પૂર્ણ થાય તેવી આશાએ સાથે નરનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ આદી દેવોને ધજા રોહણ થાય છે. નૂતન મંદિરમાં ભૂકંપ બાદ 2010ના મે મહિનામાં વિધિવત દેવોની પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ધજા ચડાવવાનો પ્રારંભ કરાયો હતો.

આ અંગે મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં હજારોની સંખ્યામાં દેશ અને વિદેશોમાં વસતા હરિભકતો અને સત્સંગીઓની આસ્થા અને સંકલ્પોના મનોરથ આ તિર્થધામ મધ્યે પૂર્ણ થાય છે. તેવી શ્રદ્ધા સાથે અનેક લોકો સંતાન પ્રાપ્તિ, ધંધા રોજગાર, કૌટુંબિક કલેશ, માંદગી જેવી અનેક જાતની સમસ્યાઓ દૂર થાય તે માટે લોકો નરનારાયણ દેવની તથા અન્ય દેવોની ધજા માને છે.

સુદ એકાદશીના વહેલી સવારે હરિભકતો સાથે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, સદગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સંતો તેમજ ધજા રોહણની માનતા અને સંકલ્પ રાખતાં હરિભકતોની ઉપસ્થિતિમાં ધજાનું વિધિવત બ્રાહ્મણો દ્વારા પૂજન અને આરતી કરી આ ધજાઓને મંદિરોના શિખરો પર ચડાવવામાં સ્વામી દિવ્યસ્વરૂપદાસજી સાથે નંદ સંતો, હરીભકતો અને યજમાનો ગગનચુંબી શિખરો સુધી ધજાઓને ચડાવે છે.

છેલ્લા 12 વર્ષમાં 31,000થી પણ વધુ દેશ-વિદેશના સત્સંગીઓ તથા હરિભકતોએ આ તીર્થધામમાં દેવોને ધજા ચડાવવાનો લાભ લીધો છે અને લઈ રહ્યા છે. પોતાના સંકલ્પો પૂર્ણ થયા બાદ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં લોકો ઠાકોરજી અને સંતોને રસોઈથાળ, વાઘા, સૂર્વણ અંલકારો, અન્નદાન અને ગૌદાન વગેરે પોતાની યથાશક્તિ પ્રમાણેની સેવાઓ નોંધાવતા હોય છે.

છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી ચાલી આવતી નરનારાયણદેવની ધજા ચડાવવા માટે યુ.કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનિયા, નૈરોબી, ટાંઝાનિયા, કંપાલા, મોંમબાસા વગેરે દેશોમાંથી ફોન પર નોંધણી કરાવી પોતાના સ્થાનિક પ્રતિનિધિઓ મારફતે દર મહીના સુદ એકાદશીના દિવસે ધજા મહોત્સવ ભાગ લે છે.

અન્ય સમાચારો પણ છે...