સામાજિક આર્થિક પરિવર્તન:1 દાયકામાં 20થી વધુ ‘વિકેન્ડ વિલા' પ્રોજેક્ટ વિકસ્યા

ભુજએક મહિનો પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
  • ધરતીકંપ બાદ શહેરનો વિકાસ થયો, સાથે જીવન ધોરણ ઊંચું આવતા પ્રોપર્ટીમાં રોકાણ વધ્યું
  • રૂા. 25 લાખથી દોઢ કરોડની કિંમતના બંગલામાં ન માત્ર શ્રીમંત, પરંતુ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પણ રોકાણ કરતા થયા
  • પ્રદૂષણમુક્ત વાતાવરણ, સચોટ સુરક્ષા, સુયોગ્ય માળખાકીય સુવિધા અને સ્વીમિંગપુલ- જીમ જેવા આકર્ષણનું મુખ્ય કારણ

ધરતીકંપ બાદ ભુજને બેઠા થવામાં એકાદ દાયકો થયો, તો ત્યારબાદના એક દાયકામાં વિકાસ અનેક ગતિએ થયો. ઉદ્યોગો, સંસ્થાઓ, નવા પ્રોજેક્ટ, નોકરીની તકો આવતા જીવન ધોરણ ઊંચકાયું. આવકના સ્ત્રોત વધતા માત્ર બચતને બદલે લોકો જીવી લેવાના મૂડમાં આવી જતા રહેવા માટે મકાન ઉપરાંત પણ કોઈ મિલકત હોવી જોઈએ એ વિચારને કારણે ‘વિકેન્ડ વિલા’ પ્રોજેક્ટ વિકસ્યા. સૌપ્રથમ મિરજાપર અને હરીપર રોડ પર દાયકા અગાઉ બન્યા.

જો કે, તે સમયે લોકો પાસે રોકાણ માટેની ઓછી શક્યતા અને શહેરથી દૂર મકાનમાં રોકાણ કરવાની માનસિકતા ન હોવાથી ખાસ વેંચાણ ન થયા. બાદમાં ધીરે ધીરે પંદર વીસ કિલોમીટર સુધી એકાદ વધારાનું મકાન હોવું જોઈએ તેવું વિચારતા થયા. માધાપર સીમ, સેડાતા, ભારાપર, ભૂજોડી વગેરે ગામની સીમમાં વિલાના પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવતા થયા. અને તેમાં રોકાણ કરનાર ન માત્ર શ્રીમંત, પરંતુ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગીય લોકો પણ ખરીદી કરતા થયા.

વર્તમાનમાં એક વર્ગ એવો પણ છે કે, જેઓ ‘વિકેન્ડ વિલા’ ધરાવતા હોય તો તેને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે. એટલું જ નહિ ઘણા પરિવાર પણ એવા છે કે, જેઓ સોમવારથી શુક્રવાર સુધી નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત રહ્યા પછી શનિ-રવિ હોલી ડે મનાવે છે.

સંયુક્ત પરિવાર માટે ઉત્તમ વિકલ્પ
ઘણા એવા પરિવાર છે કે, જેઓ ત્રણથી ચાર ભાઈઓના પરિવાર એકસાથે રહેતા હોય, તેવા કુટુંબ આવા પ્રોજેક્ટમાં માત્ર રોકાણ માટે નહિ, પણ અઠવાડિક રોકાણ ઉદ્દેશથી એકાદ મકાન ચોક્કસ ખરીદે છે. અંગત સમય મળી રહે તે માટે આ સુરક્ષિત રહેઠાણ વધુ પસંદ કરવામાં આવે છે.

સેડાતા પાસેનું શાંત અને શુદ્ધ વાતાવરણ સફળ પ્રોજેક્ટનું મુખ્ય કારણ
ભુજની આસપાસ બધી દિશામાં નાના મોટા વિલાના પ્રોજેક્ટ બન્યા. પણ સૌથી વધુ સફળ રહ્યા, સેડાતા સીમમાં ભારાપર નજીક. ટી.બી.સેનેટોરિયમ જ્યાં બન્યું છે, તે કચ્છમાં સૌથી વધુ શુદ્ધ અને ઑક્સિજન આપતી જગ્યા હોય, તો જ અહી દાયકાઓ અગાઉ આ ક્ષયના રોગીઓ માટે હોસ્પિટલ બની હોય. ઊંચાઈમાં પણ જિલ્લાની સૌથી ઊંચી રહેણાંક જગ્યા કહેવાય છે. માટે જ લોકો આ શુધ્ધ વાતાવરણમાં રજાનો સમય માણવા પસંદગી કરે છે. આ વિસ્તારમાં ફાર્મ હાઉસ પણ મોટા પ્રમાણમાં છે. જેમાં અદ્યતન ખેત પદ્ધતિ દ્વારા વર્ષે લાખો રૂપિયાની આવક રળે છે.

લોન સુવિધા ઉપલબ્ધ હોવાથી વેચાણમાં વધારો
દસ લાખની લોન પર સરેરાશ મહિને છ થી સાત હજાર હપ્તો આવે, તો આજના ઘણા યુવા યુગલ વાર્ષિક લાખોના પેકેજ સાથે નોકરી કરતા હોય કે જેને પચ્ચીસ લાખની લોન પર માસિક વીસ હજાર હપ્તો પરવડે. તો એવા પણ મોટા વેપારીઓ છે કે, જેઓ ટેક્ષમાંથી બાદ મળે તે માટે લોન લઈ ‘વિકેન્ડ વિલા’ ખરીદી લે છે.

સંબંધો સાચવવા પણ ઉપયોગી આ વિલા
ઘણા વેપાર એવા છે કે, જેમાં સ્થાનિક વેપારીના કચ્છ બહાર ગુજરાત કે અન્ય રાજ્યોમાં વસતા ધંધાર્થીઓ, કોર્પોરેટ કંપનીઓ કે રાજકીય સંબંધો હોય છે. કચ્છમાં પ્રવાસનનો વિકાસ થતાં શિયાળામાં પ્રવાસીઓનો પ્રવાહ વધુ હોય છે. ત્યારે સ્થાનિક વેપારી સંબંધો સાચવવા બહારથી આવતા મહેમાનોને આવા વિલામાં રોકાણની વ્યવસ્થા કરે છે.

અન્ય સમાચારો પણ છે...