તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણયોત્સવ:વાગડ અને આહિર પટ્ટીથી માંડી પાવર પટ્ટી સુધી અંધારી તેરસે 1300થી વધુ દંપતી લગ્નના પવિત્ર બંધને બંધાયાં

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, અંજાર ભચાઉ, રાપર તેમજ નખત્રાણા તાલુકામા પ્રાંથળિયા આહિર સમાજે કોરોનાને પગલે સાદગી સાથે ઉજવ્યો પરિણયોત્સવ
  • જ્ઞાતિએ કરેલા ઠરાવ મુજબ દરેક સ્થળે કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાયું, ગત સાલે ઇતિહાસમાં પ્રથમવાર લગ્નો યોજાયા જ ન હતા

વર્ષમાં એક વખત વૈશાખ મહિનાની અંધારી તેરસના પ્રાંથળિયા આહીર જ્ઞાતિમાં લગ્નો યોજાતા હોય છે, સામાન્ય વર્ષોમાં આ દિવસને ખૂબ જ મોટા પાયે લગ્નો થતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ ચાલતો હોવાથી તેની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે તો લગ્નો યોજાયા જ ન હતા તો ચાલુ સાલે સાદગી પૂર્વક પરિણયોત્સવ યોજવા સમાજે નિર્ણય લીધો હતો.

કચ્છભરમાં મંગળવારે આહિર સમાજની મોટી વસતી ધરાવતા ભુજ, અંજાર ભચાઉ, રાપર તેમજ નખત્રાણા તાલુકાના મળીને 1300થી વધારે યુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારે લગ્ન માટે 50 વ્યક્તિઓની મર્યાદા નિયત કરી, ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ પણ કર્યો છે. અંધારી તેરસે આહીર સમાજમાં યોજાતા લગ્નોને લઇને જ્ઞાતિના મોવડીઓ દ્વારા કરાયેલા ઠરાવ મુજબ જિલ્લામાં દરેક સ્થળે લગ્ન દરમિયાન ફરજિયાત માસ્ક, સામાજિક અંતર રાખવાની સાથે કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય તે અંગે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

ભચાઉના આહિર કાંઠા ચોવીસીના 12 ગામોમાં 199 યુગલ જોડાયા
ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટીના આહીર કાંઠા ચોવીસી ના 12 ગામો માં 199 લગ્ન સરકારી ગાઈડ લાઈન મુજબ યોજાયા હતા. વીજપાસરમા 6, છાડવાળા 17, વોધડા 14, આમલીયારા 14, જંગી 26, લાલિયાણા 14, વાઢિયા 6, ઘરાણા 38, સામખિયાળી 39, ચાંદ્રોડીમા 2, કરમરિયા 12, કુંભારીયામા 11 યુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા. આહિર કાંઠા ચોવીસીના પ્રમુખ રણછોડભાઈ કાનાભાઇ ડાંગરે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે બાર ગામની ચોવીસીમાં 199 જેવા લગ્ન થયાં છે. આ વર્ષે જમણવાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે તેમજ જાનમાં ફક્ત 20 માણસો જઈ શકે તેવું સમાજે નક્કી કર્યું હતું.

રતનાલ-ડગાળા અને લોડાઇ વઇમાં 550 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
અંજાર તાલુકાના રતનાલ-ડગાળા વઇમાં 320 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં રતનાલ, ધાણેટી, ડગાળા , મોખાણા, ઉખડમોરા વગેરે ગામોનો સમાવેશ થાય છે. લોડાઈ વઇના જવાહરનગર, ધરમપર, લોડાઈ, ઢોરી, સુમરાસર વગેરે ગામોમા 230 યુગલો લગ્નના બંધને બંધાયા હતા.

અંજાર તાલુકાના ઢેબર વઇ વિસ્તારમાં 100 જેટલા દંપતી લગ્નના બંધને બંધાયા
અંજાર તાલુકાના ઢેબર વઈ તરીકે ઓળખાતા વિસ્તારમાં 100 જેટલા લગ્નો મંગળવારે અંધારી તેરસ નિમિતે યોજાયા હતા. અંજાર શહેર ઉપરાંત 13 ગામોને પ્રાથળિયા આહીર જ્ઞાતિમાં ઢેબર વઈ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં નજર કરીએ તો શહેર ઉપરાંત સતાપર ગામમાં 22, મીઠા પસવારીયામાં 16, લાખાપરમાં 5, કોટડામાં 13, લુણવામાં 9 તેમજ અન્ય ગામોમાં એકલ-દોકલ મળી ઢેબર વઈમાં કુલ 100 જેટલા લગ્નપ્રસંગો યોજાયા હતા. આ અંગે સતાપર ગામના ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી સમાજમાં ખૂબ ઓછા લગ્નો યોજાયા હતા. ઉપરાંત મર્યાદિત સંખ્યા તેમજ કોરોનાના નિયમો પાડી લગ્નોનું આયોજન કરા્યું હતું.

નખત્રાણાના ગામોમાં પણ સાદગીથી પરિણયોત્સવ ઉજવાયો
નખત્રાણા તાલુકામાં પ્રાંથળિયા આહિર સમાજના અંધારી તેરસના વણ જોયા મુહૂર્તમાં 72 જેટલા યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. તાલુકામાં પ્રાંથળિયા આહિર સમાજના 12 ગામો છે. તેમાં ખાસ કરીને નિરોણા અને વંગમાં સમાજની વસ્તી વિશેષ છે. આ વર્ષે નિરોણામાં 24, હીરાપરમાં 3, અરલ 4, થરાવડા 13, વંગમાં 16, ધામાય 2, જિંદાય 6, નથ્થરકૂઇ 4 મળીને 72 જેટલા લગ્ન યોજાયા હતા. આ સાલે કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે લગ્ન લેવામાં આવ્યા હતા.તેવું જિંદાયના ભીમજી દાનાભાઈ આહિરની યાદીમાં જણાવાયું હતું.

રતનપરમાં જિલ્લા પંચાયતના સભ્યે તમામને માસ્ક પહેરાવ્યા
ખડીર પંથકમાં આહિર સમાજમાં 102 જેટલા લગ્ન લેવાયા હતા જે દરમિયાન રતનપરમાં જિલ્લા પંચાયતના સભ્યે વરરાજા એવા પુત્ર તેમના પત્ની ગોર મહારાજ તેમજ ભાગ લેવા આવનારા તમામને માસ્ક પહેરાવી કોરોના પ્રત્યે જાગૃતિનો પ્રેરક દાખલો બેસાડ્યો હતો. રૂપેશભાઈ પટેલે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે મહામારી સામે સાવચેતી દાખવી તેમજ મોટુ મિત્રવર્તુળ હોવા છતાં મર્યાદિતોને આમંત્રિત કર્યા હતા. તમામને મોઢા પર માસ્ક પહેરી રાખવા તેમણે આગ્રહ કર્યો હતો. ખડીર પંથકના અમરાપરમાં 38, રતનપરમાં 22 ગણેશ પર માં 29 કલ્યાણપુર 6 ધોળાવીરા 7 મળીને 102 જેટલાં લગ્નો યોજાયા હતા. અત્રે એ પણ નોંધનીય છે કે ખડીર આહીર સમાજે કોરોના ને ધ્યાનમાં રાખીને પંદર દિવસ મોડા લગ્ન યોજ્યા હતા.

રાપર પંથકના અનેક ઘરોમાં શરણાઇના સૂર રેલાયા
રાપર તાલુકામા ગત વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અંધારી તેરસે મર્યાદિત લગ્નો યોજાયા હતા. પણ આ વખતે મોટી સંખ્યામાં લગ્ન લેવાયા હતાં. તાલુકાના રામવાવમા 63, ખેંગારપરમા 49 અને ગવરીપરમા 18 જેટલાં લગ્નો યોજાયા હતાં તેવું રામવાવ ના માજી સરપંચ કરશન ભાઈ મણવરે જણાવ્યું હતું. આડેસર અને ખડીર પંથકમા પણ મોટી સંખ્યામાં લગ્નોનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...