તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓનું સ્વર્ગમાં સ્વાગત:નખત્રાણાથી 30 કિલોમીટર દૂર આવેલું છારીઢંઢ યાયાવર પક્ષી ફ્લેમિંગોના કલરવથી ગાજી ઉઠ્યું

નાના અંગિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નખત્રાણાથી 30 કિલોમીટર દૂરનો વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન
 • સ્થાનિકે “હંજ’ કહેવાતા આ પક્ષીઓ ફ્લેમિંગો તરીકે પણ ઓળખાય છે
 • ઠેર ઠેર ભરાયેલા પાણીને રૂપકડા પક્ષીઓએ બનાવ્યું પોતાનું નિવાસસ્થાન
 • નવેમ્બર-ડિસેમ્બરમાં પક્ષીઓનું આગમન અને માર્ચ-એપ્રિલમાં ચાલ્યા જાય છે

નખત્રાણાથી 30 કિલોમીટર તેમજ ફુલાય ગામથી પાંચેક કિલોમીટર દૂર રણ અને બન્નીના શુષ્ક ઘાસિયા મેદાનના છેડે આવેલા છારીઢંઢમાં આ વર્ષે શ્રીકાર વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. તેમાં હજારો રૂપકડા પક્ષીઓએ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભેગા રહેતા આ પક્ષીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જૂથમાં જોવા મળે છે. હજારોની સંખ્યામાં આવેલા યાયાવરના કલરવથી આ વિસ્તાર ગાજી ઉઠ્યો છે. સ્થાનિકે “હંજ” તરીકે ઓળખાતા આ પક્ષીઓને ફ્લેમિંગો એટલે કે સુરખાબ નામ કોણે આપ્યું તે જાણી શકાયું નથી પરંતુ મળતી વિશેષ વિગતો મુજબ કચ્છમાં 1893થી સુરખાબ વિષેની માહિતી મળે છે.

80 ચોરસ કિલો મીટરમાં પથરાયેલી આ જળ પ્લાવિત ભૂમિને રાજ્યના વન વિભાગ દ્વારા આરક્ષિત વન તરીકેની માન્યતા આપવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ અભયારણ્યના મહેમાન બને છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થાન, ચોમાસામાં વરસાદી પાણીના જળસંગ્રહ, સ્થાનિક ભૂપૃષ્ઠ તેમજ તેમના ખોરાક માટેની અનુકુળતા અને વાતાવરણના કારણે નવેમ્બર મહિનામાં પક્ષીઓનું આગમન થતું હોય છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં પરત ચાલ્યા જતા હોય છે.

143 જાતના વિદેશી પક્ષી છારીઢંઢના મહેમાન બને છે
આ વિસ્તારમાં 143 જેટલી જાતના દેશ વિદેશના પક્ષીઓ આ સમયગાળા દરમિયાન જોવા મળે છે. હજારો કિલો મીટરનો પ્રવાસ ખેડીને આવતા વિવિધ પક્ષીઓમાં લેસર ફ્લેમિંગો, ગ્રેટ વ્હાઈટ પેલિકન, કોમનકુટ, કોમન ટીલ, પોર્ચાડ, કોરમોરન્ટ, મોરહેન, પલપલ મોરહેન, ગોડવીટ, બ્લેક વિન્ગ સ્ટીલ, કોમન પોચાર્ડ, વગેરે જાતના સેંકડો પક્ષીઓ તેમજ સ્ટેપી ઈગલ, ગ્રે સ્પોટ ઇગલ તથા અન્ય પ્રકારના શિકારી પક્ષીઓ પણ ઠેકઠેકાણે નજરે પડે છે. અમુક પક્ષીઓ ખાસ પ્રકારના ઘાસના બીજ તો કેટલાક માછલી અથવા શેવાળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

માત્ર 7 ધોરણ પાસ યુવાન ગાઇડ તરીકે સેવા આપે છે
આ સ્થળે આવતા પર્યટકોને ફુલાયના માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલા મુકીમ મુતવા ગાઈડ તરીકે સેવા આપે છે. અવલોકન શક્તિ અને આગવી સૂઝબૂઝના કારણે તમામ પક્ષીઓને ઓળખીને તેમના નામ અંગ્રેજીમાં બોલી જાય છે. દર વર્ષે સંખ્યાબંધ પ્રવાસીઓ આવે છે તેમને આ યુવાન પક્ષીઓના નિવાસ્થાન સહિતની જગ્યાઓ નિદર્શન કરીને માહિતી પૂરી પાડે છે. આ ભોમિયાને આખા દિવસના 2000 અને અડધા દિવસના 1000 રૂપિયા જેટલું મહેનતાણું મળે છે. દર વર્ષે 20 થી 25 પ્રવાસી જૂથ તેમનો સંપર્ક કરે છે પણ આ વખતે કોરોના કહેરના કારણે એક પણ વિદેશી પ્રવાસી આવ્યો ન હોવાથી મંદીના કારણે આર્થિક માર પડ્યો છે.

આનંદનો અતિેરેક પક્ષીઓને ભયમાં મૂકે છે
એક પ્રબુદ્ધ નાગરિકના જણાવ્યા મુજબ છારીઢંઢ માનવ વસ્તીથી દૂર હોવાથી પક્ષીઓના રહેઠાણ માટે અનુકૂળ જગ્યા છે. વળી રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોવાથી પક્ષીઓ નિર્ભિક રીતે હરે ફરે છે. યાયાવર પક્ષીઓને નિહાળવા માટે સ્થાનિક પ્રવાસીઓની ચહલ-પહલ વધી છે ત્યારે આનંદના અતિરેકમાં કેટલાક સહેલાણીઓ દ્વારા ફોટા પાડવા માટે પક્ષીની નજીક જવાનો પ્રયત્ન કરાય છે જેથી ભયના કારણે બધા પક્ષીઓ એક સાથે ઉડી જાય છે. ગામના અગ્રણી ઇલમખાન મુત્વાના જણાવ્યા મુજબ પક્ષીઓને અમુક જાતના અવાજ અને પ્રવૃત્તિઓથી ખલેલ પહોંચે છે.

ખખડધજ માર્ગ અને દિશા સૂચક બોર્ડ ન હોતાં પરેશાની
દોલતખાન મૂત્વાએ જણાવ્યું હતું કે, છારીઢંઢ જવા માટે ખખડધજ રસ્તાના કારણે લોકોનો સમય અને ઇંધણનો વ્યય થાય છે. આ માર્ગના સમારકામની ખાસ જરૂર છે. એક પ્રવાસીના જણાવ્યા મુજબ તેઓ યાયાવર પક્ષીઓને નિહાળવા માટે ફુલાય ગામના સીમાડા ને પાર કરીને અંદર સુધી આવ્યા હતા પણ ત્યારબાદ મુખ્ય વિસ્તારમાં જવા માટે કોઈ દિશાસૂચક બોર્ડ ન હોતાં એક તબક્કે ભૂલા પડી ગયા હતા. ટેકનોલોજીના સમયમાં “ ગુગલમેપ” તેમજ અન્ય એપ્લિકેશનના માધ્યમથી કોઈપણ સ્થળ શોધીને ત્યાં જઈ શકાય છે.પણ દરેક પ્રવાસીને તેનું જ્ઞાન હોતું નથી. આ સંજોગોમાં માર્ગ અને વળાંકો પર ચોક્કસ સંકેતો, દિશાસૂચક બોર્ડ હોવા જરૂરી છે.

શિકારી પ્રવૃત્તિ સામે તકેદારી આવશ્યક
થોડા સમય અગાઉ આ વિસ્તારમાં થયેલી શિકારી પ્રવૃતિઓના કારણે ખ્યાતિને ઝાંખપ લાગી હતી. આ બનાવમાં બંદૂકના ભડાકે પક્ષીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે, વનવિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આરોપીઓ સામે કાયદેસર નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત વિભાગો દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેમજ ધાક બેસાડતી કામગીરી હાથ ધરવામાં આવે તે ખાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો