હવામાન:ભુજમાં પારો દોઢ આંક ઉંચકાયો, 35 ડિગ્રી સાથે કચ્છમાં સૌથી ગરમ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ઝડપ નહિવત રહેતાં ગરમીએ જોર પકડ્યું

આજે ગુરૂવારથી આસો માસ શરૂ થાય છે તે પૂર્વે ભાદરવાના અંતિમ દિને ભુજમાં તાપમાનનો પારો દોઢ આંક જેટલો ઉંચકાઇને 35 ડિગ્રી રહેતાં કચ્છમાં સૌથી ગરમ શહેર બન્યું હતું. દિવસભર પવનની ગતિ નહિવત રહેતાં ગરમીએ જોર પકડ્યું હતું. ચોમાસાની વિદાય સાથે હવે કચ્છમાં હવામાન સૂકું રહેશે.

જિલ્લા મથક ભુજમાં સવારે 89 અને સાંજે 58 ટકા ભેજની સાથે હવાની ઝડપ સરેરાશ 4 કિલો મીટર રહેતાં ગરમીની આણ વર્તાઇ હતી. 23.3 ડિગ્રી જેટલા ન્યૂનતમ તાપમાન સાથે મોડી રાત્રે પ્રસરેલી ઠંડકથી માતાના મઢ જતા પદયાત્રીઓને રાહત આપી હતી. મંગળવારે રાજ્યમાં બીજા ક્રમે ગરમ રહેલા કંડલા એરપોર્ટ મથકે તાપમાન અડધો ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રી થયું હતું પણ ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમા ગરમીની આણ યથાવત રહી હતી. કંડલા બંદરે મહત્તમ 33.5 જ્યારે નલિયા ખાતે 33.2 ડિગ્રી નોંધાયું હતું. આંકડાની રીતે ઉષ્ણતામાપક પારો થોડો નીચે સરક્યો હોવા છતાં મોટા ભાગના કચ્છમાં ગરમીનું જોર જારી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સાંજે 6.20 કલાકના અરસામાં સૂર્યાસ્ત થઇ જતો હોવાથી અંધારૂં વહેલું થઇ જાય છે. તેની સાથે પરોઢિયે શિયાળાની છડી પોકારતી હોય તેવી સામાન્ય ઠંડકની શરૂઆત થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...