હવામાન:સૌથી શીત નલિયામાં પારો ગગડ્યો, 13.4 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છભરમાં ન્યૂનતમ તાપમાન 1થી 4 ડિગ્રી ઘટ્યું હતું. રાજ્યમાં સૌથી શીત રહેલા નલિયા ખાતે પારો એક ઝાટકે 4 ડિગ્રી ગગડીને 13.4 થઇ જતાં ફરી ઠંડી જોર પકડતી જણાઇ હતી. આગામી બે-ત્રણ દિવસ સુધી હજુ પણ લધુતમ ઉષ્ણતામાન બેથી ચાર ડિગ્રી નીચું જવાનો વર્તારો વ્યક્ત કરાયો છે.

દર શિયાળે ઠંડાગાર રહેતાં નલિયામાં નીચું તાપમાન સરકીને 13.4 ડિગ્રી થઇ જતાં ફરી નગરજનોએ રાત્રિથી ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો અને ગરમવસ્ત્રોના સહારે જોવા મળ્યા હતા. બીજી બાજુ મહત્તમ 33.4 ડિગ્રી સાથે રહેલા વિષમ હવામાને લોકોને અકળાવ્યા હતા. ભુજમાં ન્યૂનતમ એક આંક ઘટીને 19 ડિગ્રી થયું હતું પણ મહત્તમ ઉંચકાઇને 34.8 ડિગ્રી થતાં દિવસે ઉકળાટ જારી રહ્યો હતો. આવી જ રીતે કંડલા એરપોર્ટ મથકે પણ ઉંચા તાપમાનનો પારો દોઢ આંક જેટલો વધીને 34.5 થતાં ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં ગરમીનું જોર જણાયું હતું બીજી બાજુ લઘુતમ 2 આંક ઘટીને 18.5 ડિગ્રી થતાં મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલા બંદરે વધુમાં વધુ 33.6 જ્યારે ન્યૂનતમ 18.6 ડિગ્રી નોંધાયું હતું.

દરમિયાન હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં આગામી બે-ત્રણ દિવસ સુધી હજુ પણ લધુતમ ઉષ્ણતામાન બેથી ચાર ડિગ્રી નીચું જવાની શક્યતા દર્શાવી છેે.

અન્ય સમાચારો પણ છે...