પૂછપરછ:સીએમને ડ્રેગન ફ્રૂટથી તોળવા પ્રકરણે વેપારીની પૂછપરછ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમલમ્ નહીં પણ કેળા નીકળતા એજન્સી પણ હરકતમાં

ભુજ શહેરમાં બુધવારે કચ્છ જિલ્લા ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ અાવ્યા હતા, જેથી તેમને કચ્છમાંથી ઉત્પાદિત ડ્રેગન ફ્રૂટથી તોળવાનો કાર્યક્રમ રખાયો રખાયો હતો. પરંતુ, બેચાર બોક્સમાં ડ્રેગન ફ્રૂટને બદલે કેળા નીકળ્યા હતા, જેથી મુખ્યમંત્રીના સમ્માન સાથે ચેડાના અાક્ષેપો થયા હતા અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જેના પગલે સુરક્ષા અેજન્સી મારફતે જેની પાસેથી ડ્રેગન ફ્રૂટ ખરીદાયા છે, અે વેપારીની પૂછપરછ કરાઈ છે. જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી.

સૂત્રોઅે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપમાં અાંતરિક ખટપટ ચરમસીમાઅે છે, જેમાં અેકબીજાના ટાંટિયા ખેંચની રમતના ભાગે રૂપે જવાબદાર વ્યક્તિનું ખરાબ લગાડવા કાવતરું રચાયાની અટકળો વહેતી થઈ હતી. જોકે, સમગ્ર ઘટના બાબતે બહારથી હળવાસથી લેવાય છે. પરંતુ, માધ્યમોમાં મારફતે જાહેર થઈ જતા પક્ષે ગંભીર નોંધ લીધી છે. જેના ભાગ રૂપે કાચુ ક્યાં કપાયું અથવા તો કોણે બદઈરાદો પાર પાડ્યો અે બાબતે તપાસ શરૂ થઈ હતી, જેમાં જેના પાસેથી ડ્રેગન ફ્રૂટ ખરીદાયા હતા અે ઉત્પાદક અને વિક્રેતાને પણ પૂછપરછ માટે બોલાવાયા હતા.

જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ, સમગ્ર ઘટનાને સુરક્ષા અેજન્સીઅોઅે પણ ગંભીરતાથી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગઠન લેવલે કાંઠુ કાઢતા હોદેદારોને નીચા બતાવવા રાઈનો પર્વત કરી દેવાય છે અથવા તો સમગ્ર ઘટના ઉપજાવી કાઢવામાં અાવે. જે પ્રવૃત્તિઅોથી અાખરે પક્ષની છાપ ખરડાઈ રહી છે, જેથી પક્ષે ગંભીરતા સમજી પક્ષને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ કરનારાને શોધવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...