તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:અબડાસા પર મેઘાના આશીર્વાદ : તેરા-બારા પંથકમાં એકથી દોઢ ઇંચ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાખણિયા, બારા - Divya Bhaskar
લાખણિયા, બારા
  • પાંચમા દિવસે કચ્છમાં વરસાદની હાજરી : સચરાચરની આશ
  • ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી
  • રાપરના પ્રાગપર અને ગેડી વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા

કચ્છમાં સતત પાંચમા દિવસે મેઘરાજાઅે હાજરી પુરાવી હતી અને અબડાસા તાલુકાના બારા, તેરા, લાખણિયા પંથકમાં અેકથી દોઢ ઇંચ પાણી પડી જતાં નદીઅો બે કાંઠે અાવી ગઇ હતી. પાછોતરા વરસાદે પણ હજુ સમગ્ર કચ્છને ભીંજવ્યો નથી તેવામાં સતત પાંચમા દિવસે અેટલે કે, રવિવારે અબડાસા તાલુકામાં અેકથી દોઢ ઇંચ વરસાદને બાદ કરતાં કચ્છમાં અન્યત્ર મેઘરાજાઅે માત્ર ઝરમર ઝાપટાંરૂપે હાજરી પૂરાવી હતી.

સામખિયાળી
સામખિયાળી

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અબડાસાના મુખ્ય નલિયા ઉપરાંત તાલુકાના હમીરપર, લાખણિયા, પાટ, કરૈયા, કાળા તળાવ, કુણાઠિયા, તેરા, બારા, સુડધ્રો, બિટ્ટા, નાગિયા, નરાનગર, ગુડથર, અાશાપર સહિતના ગામોમાં મેઘરાજા મનમુકીને વરસતાં અેકથી દોઢ ઇંચ પાણી પડ્યું હતું અને ઉપરવાસમાં સારા વરસાદના પગલે તેરા-લાખણિયા, લાખણિયા-કરૈયા, જતવાંઢ-નરાનગર અને તેરા-બારા વચ્ચેની નદીઅો બે કાંઠે વહી હતી.

બારાની નદીમાં વધુ પડતા પાણીના પ્રવાહના કારણે વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જયારે સારો વરસાદ પડે છે ત્યારે બારા ગામ વિખુટું પડી જાય છે, જેથી અા નદી પર પુલ બાંધવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે. અા ઉપરાંત નખત્રાણા તાલુકાના સુખપર રોહા, ભચાઉ તાલુકાના સામખિયાળી, જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં ઝરમર ઝાંપટાથી કયાંક પાણી વહી નીકળ્યા હતા તો કયાંક માર્ગો ભીના થયા હતા.

ઉકળાટ વચ્ચે બપોર બાદ રાપર સહિત તાલુકાના સેલારી, ગેડી, ફતેગઢ, પ્રાગપર, ખાંડેક સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંથી ઉભા મોલને જીવંતદાન મળ્યું હતું. ભચાઉ તાલુકાના છાડવારા, આમલિયારા, જંગી, વાઢિયા, શિકારપુર સામખિયાળી લલિયાણા સહીત કાંઠાળપટ્ટાના ગામોમાં છેલ્લા આઠ દિવસથી આણંગ યથાવત છે અને વરસાદ આવશે તેવી અાશા વચ્ચે અમી છાટણા કરીને મેઘરાજાની સવારી જતી રહે છે.

જો કે, વરસાદી માહોલ વચ્ચે સમગ્ર કચ્છ પર મેઘરાજા સચરાચર હેત વરસાવે તેવી લોકોમાં અાશા જાગી છે.જો કે, રવિવારે સતાવાર રીતે અબડાસામાં 13 મિમિ, મુન્દ્રામાં 12 મિમિ, ગાંધીધામમાં 7 મિમિ અને રાપર તાલુકામાં 8 મિમિ અને નખત્રાણા તાલુકામાં સાત મિમિ વરસાદ પડ્યો હોવાનું જણાવાયું હતું.

શુક્રવાર સુધી હવામાન વિભાગની હજુ રાહતરૂપી અાગાહી
ભારે ઉકળાટ અને વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં હજુ સોમ, મંગળ અને ગુરુ, શુક્રવારના ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ દરમ્યાન પવનની ઝડપ વધી શકે છે. અા વચ્ચે બુધવારે જિલ્લામાં સુકા વાતાવરણની વકી પણ હવામાન વિભાગે દર્શાવી છે.

પાછોતરા વરસાદથી યાયાવર પક્ષીઅો નારાયણ સરોવર ખાડીના મહેમાન બનશે
અરબસાગરના કિનારે નારાયણ સરોવરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદી ઝાપટાંથી નારાયણ સરોવર ખાડીમાં પાંચ માસ સુધી ચાલે તેટલા નવા નીર અાવ્યા છે. વરસાદ ખેંચાતા ખાડીમાં શિયાળા દરમ્યાન યાયાવર પક્ષીઅો નહીં દેખાય તેવું લાગતું હતું પરંતુ પાછોતરો વરસાદ સારો પડી જતાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઅો નારાયણ સરોવર ખાડીના મહેમાન બનશે.

અન્ય સમાચારો પણ છે...