તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોફાની વરસાદનું આગમન:મેઘાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું, ભુજમાં 3 ઇંચ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર બફારા બાદ છ તાલુકામાં મોડી રાત્રિએ થયું તોફાની આગમન
  • કચ્છી નવા વર્ષની પૂર્વ રાત્રિએ જ વરસાદનું આગમન : નખત્રાણામાં ધીમી ધારે બે ઇંચ, રાપર અને નલિયામાં પોણો તો ભચાઉ તથા માંડવીમાં દોઢ જ્યારે મુન્દ્રામાં અડધો ઇંચ મેઘ મહેર થઇ : અષાઢી બીજે મોટા ભાગનો જિલ્લો કોરો રહ્યો

કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પડ્યા બાદ ગરમીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. અષાઢ માસ નજીક આવતો જતાં કિસાનો અને પશુ પાલકોના ચહેરે ચિંતા જોવા મળતી હતી તેવામાં અષાઢી બીજ પૂર્વે મોડી રાત્રે છ તાલુકામાં મેઘરાજાએ એન્ટ્રી મારી કચ્છી નૂતન વર્ષનું શુકન સાચવી લેતાં મોટા ભાગના જિલ્લામાં આનંદની લાગણી ફેલાઇ હતી.

ભુજમાં ગત મોડી રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં વીજળીના કડાકા ભડાકા તેમજ મીનિ વાવાઝોડા જેવા પવન સાથે 3 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. રાપર અને નલિયામાં પોણો તો ભચાઉ તથા માંડવીમાં દોઢ જ્યારે મુન્દ્રામાં અડધો ઇંચ મેઘ મહેર થઇ હતી. અષાઢી બીજે સોમવારે નખત્રાણામાં ધીમી ધારે બે ઇંચ જેટલી મહેર થઇ હતી તો છૂટા છવાયા સ્થળોએ સામાન્ય ઝાપટા પડ્યા હતા તેની સાથે બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું.

નખત્રાણામાં ધીમી ધારે મેઘરાજાની મહેર થઇ
નખત્રાણા પંથકમાં.ચાતક પક્ષી ની માફક ચાતક નજરે રાહ જોતા ખેડૂતો અને માલધારીની આશાને અષાઢી બીજે પરિપૂર્ણ કરતાં મેઘરાજાએ બે ઇંચ જેટલું હેત વરસાવ્યું હતું બપોરના 12 થી 2 વાગ્યા સુધી 33 મીલિ મીટર તેમજ બીજની પૂર્વ રાત્રિએ 7 મીમી સાથે 37 મીલિ મીટર વરસાદ નોંધાયો હતો.

નગરની મુખ્ય બજારમાં પાણી નીકળ્યા હતા તેમજ બસ સ્ટેશન પાસે મુખ્ય છેલ્લો જોવા લોકો નીકળ્યા હતાતાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અષાઢી બીજે મેઘરાજાએ હાજરી પુરાવી હતી જેમાં કોટડા, જડોદર, ભીમપુરા, વિરાણી મોટી, નાગલપુર, અંગિયા સહિતના ગામોમાં શુકનસચવાતા ધરતીપુત્રો અને માલધારીઓમાં હરખની હેલી જોવા મળી હતી.

ભુજમાં રૌદ્ર રૂપે ખાબક્યો, હમીરસરમાં નવા નીર આવ્યા
જિલ્લા મથક ભુજમાં દિવસભર અસહ્ય ઉકળાટ સાથે બફારો અનુભવાયો હતો. રાત્રે લોકો ઉંઘમાં હતા તેવામાં 1.15 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે વરસાદ શરૂ થયો હતો. વેગીલા વાયરા સાથે વરસેલા મેઘાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવા માહોલ વચ્ચે મોડી રાત્રે 2 વાગ્યા સુધી પોણો કલાકના ગાળામાં બે ઇંચ, ત્યાર બાદ મધરાત્રે 2થી 4ના અરસામાં વધુ એક ઇંચ અને બાદમાં ભારે ઝપટા સાથે 5 મીલિ મીટર મળીને સવારે છ વાગ્યા સુધીમાં 80 મીલિ મીટર પાણી વરસ્યું હતું. શહેરના હાર્દ સમા હમીરસર તળાવમાં નવા નીરની આવક થઇ હતી.

માંડવીમાં પવનથી કદાવર વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધાયો

માંડવી શહેરમાં ગતરાત્રીના વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ 69 મીમી જેવો વરસાદ પડતા માધવ નગર સોસાયટીમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે થોડા સમય માટે રસ્તો બંધ થઇ ગયો હતો. યોગાનુયોગ આજુ બાજુ જીવતા વીજતાર દૂર હોવાથી અજુગતી ઘટના ટળી ગઇ હતી.

માછીમારોને સાગર ન ખેડવા ચેતવણી
હવામાન વિભાગે જારી કરેલી યાદી મુજબ જખૌથી દિવ સુધીના દરિયામાં અઢી થી ચાર ફૂટ જેટલા ઉંચા મોજાં ઉછળવાની સાથે પ્રતિ કલાક સરેરાશ 45 કિલો મીટરની ગતિએ પવન ફૂંકાશે જે વધીને ક્યારેક 65 કિલો મીટર થાય તેમ જણાવતાં આગામી ત્રણ દિવસ સુધી સાગર ન ખેડવા માછીમારોને ચેતવણી આપી છે.

અબડાસામાં અષાઢી બીજે શુકન સચવાતાં ખુશી ફેલાઇ
પ્રિ-મોન્સૂન વરસાદમાં પણ મોટા ભાગે કોરા રહેલા અબડાસા પંથકમાં પણ મેહૂલિયાએ અષાઢી બીજે ઝરમરથી ઝાપટા રૂપે શુકન સાચવતાં ખુશી ફેલાઇ હતી. તાલુકા મથક નલિયામાં સોમવારે સામાન્ય ઝાપટા પડ્યા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાજરી પુરાવી હતી.

સામખિયાળીમાં સાંજે ગાજ્યા મેહ વરસ્યા નહીં, પ્રતિક્ષા લંબાઇ
સામખિયાળી વિસ્તારમાં આખો દિવસ ભારે ગરમી સાથે બફારો અનુભવાયો હતો જેથી લોકોએ વરસાદ તૂટી પડશે તેવી આશા સેવી હતી પણ સાંજે ફક્ત એક ઝાપટું આવીને બંધ થઇ જતા બફારાએ જોર પકડ્યું હતું. ઝાપટાની શરૂઆત ધમાકેદાર હોતાં મેઘરાજા તૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો પણ ગાજ્યો મેહ વરસ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...