તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:કચ્છમાં મેઘ મહેર જારી, છ તાલુકામાં અડધોથી બે ઇંચ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં દોઢ, અબડાસા પોણો, નખત્રાણામાં પોણા બે, મુન્દ્રા સવા, માંડવીમાં એક ઇંચ, લખપત તાલુકામાં અડધો ઇંચથી વધુ પાણી પડ્યું

કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર જારી રાખી હતી. ભુજ, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, અબડાસા અને લખપત પંથકમાં વહેલી સવારથી સાંજ સુધી સમયાંતરે વરસેલા વરસાદથી અડધોથી બે ઇંચ પાણી પડ્યું હતું. અષાઢના આરંભથી જ મેઘ મહેર શરૂ થતાં તળાવોમાં નવા નીર આવ્યા હતા તો કપિત ખેતી ધરાવતા કિસાનો વાવણીમાં જોતરાયા હતા.

વરસાદ બંધ પડતાં જ અસહ્ય ઉકળાટનું સામ્રાજ્ય ફરી છવાઇ જતું હોવાથી મેઘો મન મૂકીને વરસી પડે તેવી આશા લોકોએ સેવી હતી. જિલ્લાના અમુક વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ ગાજ્યા મેઘ ન વરસતાં લોકો નિરાશ થયા હતા. સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

વહેલી સવારથી ખાવડા વિસ્તારમાં મેઘરાજાની પધરામણી
મંગળવારે વહેલી સવારથી ખાવડા વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરતા માલધારીઓ તથા ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા. આ પંથક એવો છે જ્યાં માનવ વસતી કરતા પણ પશુધન વધુ છે તેવી પરિસ્થિતિ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકો ખુશાલ થયા હતા. જુણા, કાઢવાઢ, રબવીરી, તુગા, જામકુનરિયા, ધોરવર, ખાવડા, લુડિયા, પૈયા,સહિત ડુંગરાળ વિસ્તારમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરતા નદી નાળા વહી નીકળ્યા હતા તેમજ અનેક ડેમ અને સિમ તળાવોમાં નવા નીર આવ્યા

પાવરપટ્ટીમાં બપોર બાદ ધોધમાર વરસાદ
પાવરપટ્ટી પંથકના નિરોણા, હરીપુરા, અમરગઢ, ઓરીરા, મેડીસર સહિતના ગામોમા બપોરના 2 થી 4 વાગ્યા સુધીદોઢ ઇંચ જેટલો વરસ્યો હતો. વરસાદના કારણે આ ગામોમા ખરીફ પાકો સહિતનું વાવેતર થશે તેવો આશાવાદ ખેડૂત અગ્રણી જેશાભાઈ ચાડે વ્યક્ત કર્યો હતો. ખારડીયા, ડાડોર, વંગ સહિતના વિસ્તારોમા વરસાદનું પ્રમાણ ઓછું હોવાનુ આલાભાઈ આહીરે જણાવ્યું હતું.

નખત્રાણા પંથકમાં ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી
​​​​​​​નખત્રાણા તાલુકાના રવાપરમાવહેલી સવારે ઝાપટુ વરસ્યા બાદ ઉકળાટ રહેતા બપોરે 2:30 વાગ્યે પવન સાથે જોરદાર વરસાદ પડતા બજારોમા જોશભેર પાણી વહી નીકળ્યા. ઘડાણીમાં પણ બપોર બાદ ભારે ઝાપટુ પડ્યું હતું. નાગવીરી, નવાવાસ, વિગોડી, આમારા સહિતના ગામોમાં ઝાપટા રૂપે મેઘાએ હાજરી નોંધાવી હતી.

ગઢશીશામાં ગાજવીજ સાથે અડધો ઇંચ
ગઢશીશામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરે ઝાપટું આવ્યા બાદ સાંજે છ વાગે ગાજ વીજ સાથે શરૂ થયો હતો. 20 થી 25 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. અંદાજીત અડધા ઇંચ જેટલું પાણી પડ્યું હતું ખરા સમયે વરસાદ પડતા લોકો ખુશ થયા હતા અને ગરમી થી રાહત મળી હતી

ડુંગરાણીવાંઢમાં તળાવો છલકાઇ ગયા.
ખડીરના ડુંગરાણીવાંઢમાં ગત રાત્રિ દરમિયાના ધોધમાર વરસાદ પડતાં ગામના તળાવો છલકાઇ જતાં તેનું પાણી છેક ધોળાવીરા સુધી પહોંચ્યું હતું. હેમરાજ કોલીના જણાવ્યા મુજબ ચોમાસું સારૂં હોય તો છેક ભાદરવા કે આસો માસમાં ધોળાવીરાના તળાવમાં પાણી આવે છે પણ આ વખતે અષાઢ માસમાં જ પાણી આવતાં વરસાદનું જોર જણાઇ રહ્યું છે. ધોળાવીરાના પૂરજી રાઠોડે કહ્યું હતું કે, અષાઢી બીજના માત્ર વીજળીનો ચમકારો દેખાઇ જાય તો પણ સારા ચોમાસાની નિશાની ગણાય છે જ્યારે આ વખતે તો સરોવર ભરાઇ ગયા છે.

અબડાસા પંથકમાં કિસાનો વાવણીમાં જોતરાયા: ધૂફીના તળાવમાં નવા નીર આવ્યા
​​​​​​​અબડાસા પંથકમાં ક્યાંક ભારે ઝાપટા તો ક્યાંક ઝરમર રૂપે મેઘ મહેર થતાં કિસાનો વાવણીમાં જોતરાયા હતા. નલિયામાં પોણો ઇંચ જેટલો વરસાદ પડતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. મોટી ધૂફીના દોઢ ઇંચ જેટલી હેલી વરસતાં તળાવમાં નવા નીરની આવક થઇ હોવાનું રફીક લોહારે જણાવ્યું હતું તો તેરા અને આસપાસના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હોવાનું વાલજી બુધિયાએ કહ્યું હતું. જંગડિયા, ગોયલા, મોખરા, બુટા, છાડુરા, રામપર, હમીપરમાં મેઘ મહેર થતાં કિસાનો બીજ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે તેમ તેરાના વાલજી બુધિયાએ જણાવ્યું હતું.

ભુજમાં વહેલી સવારથી સાંજ સુધી ભારે ઝાપટાં પડ્યા
જિલ્લા મથક ભુજમાં સવારે 6 વાગ્યાના અરસામાં ભારે ઝાપટાથી પોણો ઇંચ પાણી વરસ્યા બાદ ભારે ઉકળાટ અનુભવાયો હતો. ફરી બપોરે 1.30 અને સાંજે 5.30 કલાકે ઝાપટા પડતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો મુજબ સવારે 6થી રાત્રિના 8 વાગ્યા સુધી 34 મીલિ મીટર પાણી વરસ્યું હતું.

મુન્દ્રા પંથકમાં ભયાનક ગાજ-વીજ સાથે વરસ્યો
મુન્દ્રા પંથકમાં ગત રાત્રે ભયંકર ગાજવીજ સાથે દહેશતના માહોલ વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું. મથક મુન્દ્રા ખાતે તથા ગ્રામ્યવિસ્તારોમાં સરેરાશ એક થી બે ઇંચ પાણી વરસી ગયું હતું. રાત્રીના પોણા બાર વાગ્યાથી ભારે ગગન ગડગડાટી સાથે સવારના આઠ વાગ્યા સુઘી નગરમાં છૂટી છવાઈ મેઘસવારી જારી રહેતા નગરના નિંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે સુધરાઈ પાણીના નિકાસની દિશામાં ઉચિત કામગીરી કરવામાં તદ્દન નિષ્ફ્ળ નીવડી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું.

મામલતદાર કચેરી ખાતે પરોઢિયે છ વાગ્યાથી આઠ સુધી ફક્ત 26 મિમી વરસાદ નોંધાતા સત્તાવાર આંકડાઓની પોલ પાધરી થઇ હતી. તાલુકાના પ્રાગપર, રાઘોઘા, બેરાજામાં સરેરાશ એક ઇંચ તથા બાબિયામાં નહિવત ઝાપટા પડ્યા હોવાનું બાબિયાના સરપંચ યુવરાજસિંહે જણાવ્યું હતું. પૂર્વીય પટાના મોખા, વડાલા, ભદ્રેશ્વર મુકામે છાંટાઓએ શુકન કર્યું હોવાનું રણજીતસિંહ જાડેજાએજણાવ્યું હતું. વિશેષમાં મામલતદાર કચેરી મધ્યે ધ્રબ, ઝરપરા, દેશલપર, ભુજપર વગેરે ગામોમાં રાત્રિ દરમ્યાન બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

લખપત તાલુકામાં કડાકા ભડાકા સાથે મેઘો આવ્યો
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં પરોઢિયે પાંચ વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ જેટલો વરસ્યો હતો. માતાના મઢ, દોલતપર, હરોડા, જુણાચાય, નરા, અમિયા, સિયોત, ગુનેરી, ઘડુલી, કોરિયાણી, લખપત સહિતના વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ પાણી પડ્યું હતું અને ગામની શેરીઓમાંથી વરસાદી પાણી જોશભેર વહી નીકળ્યા હતા. દિવસભર અસહ્ય ઉકળાટો વચ્ચે ક્યાંક માત્ર ઝરમર હાજરી રહી હતી. ભારે ઉકળાટના પગલે લોકો અકળાયા હતા અને મેઘરાજા મન મુકીને વરસી પડશે તેવી આશા ઠગારી નીવડી હતી.

દેશલપર અને આજુબાજુના ગામોમાં ઝાપટાં
​​​​​​​ભુજ તાલુકાના દેશલપર અને આજુબાજુના ગામોમાં વરસાદના ઝાપટાં પડતા ગામમાં પાણી વહી નીકળ્યાં હતાં. ધીમીધારે પડતાં ઝાપટાં ખેતી માટે ફાયદાકારક રહેશે એવું ખેડૂતોએ જણાવ્યું હતું. બપોર બાદ ભારે ગાજવીજ થઈ હતી પણ વરસાદ પાડ્યો નહોતો. ઝાપટાંથી ગરમીમાં થોડી રાહત થઈ હતી પણ બફારો વધી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...