કામગીરી:ભુજમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને અટકાવવા આજે ફરી મેગા ડ્રાઇવ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 118 સર્વેલન્સ અને 10 ફોગીંગ ટીમો દ્વારા રોગ અટકાયતની કામગીરી કરાશે

ભુજ શહેરની ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગના કેસો વધી રહ્યા છે ત્યારે આ બીમારીને અટકાવવા માટે આજે ફરી શહેરમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી છે.આજે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય તાલુકાઓમાંથી ફિલ્ડ સ્ટાફને પ્રતિનિયુક્ત કરી કુલ 118 સર્વેલન્સ ટીમો તથા 10 ફોગીંગ ટીમો દ્વારા ફીવર સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિ અટકાયત માટે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમજ મચ્છરના પોરા મળી આવશે તો વ્યક્તિ કે પેઢી સામે ગુજરાત વેક્ટર બોર્ન ડીસીઝ રેગ્યુલેશન 2017 એકટ મુજબ નોટીસ પાઠવી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું કે,ડેન્ગ્યુ/ચિકનગુનિયા રોગચાળા અટકાયતના સંદર્ભમાં લોકો પોતાના ઘર, દુકાન, ઓફીસ કે કારખાનામાં પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખે અને દર અઠવાડિયે એક દિવસ “સુકો દિવસ” તરીકે પાળે એટલે કે અઠવાડિયામાં એક દિવસ થોડો સમય ફાળવી પાણી ભરેલ તમામ પાત્રો ખાલી કરી, અંદરની સપાટી ઘસીને સાફ કરી, તડકે સુકવે અને પાણી ભરીને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખે અને પૂરેપૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરે તે માટે અપીલ કરી હતી.

આરોગ્ય વિભાગે સામાજીક સંસ્થાઓની મદદ માંગી
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની બીમારીએ માથું ઉંચકતા શહેરમાં સમયાંતરે તંત્ર દ્વારા ડ્રાઇવ રાખીને રોગ અટકાયતી કામગીરી કરવામાં આવે છે ત્યારે આજની ડ્રાઇવમાં વિભાગે સામાજિક સંસ્થાઓ ઝુંબેશમાં જોડાવવા માંગતી હોય તો નિમંત્રણ પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...