અંજાર શહેર ખાતે આવેલી સાઈ હોસ્પિટલમાં અન્ય હોસ્પિટલની જેમ વિવિધ બીમારી અને રોગ ધરાવતા દર્દીઓના સારવાર અને નિદાન કરવામાં આવે છે. જોકે, આ હોસ્પિટલની એક એક પદ્ધતિ અન્ય હોસ્પિટલો કરતા તદ્દન જુદી છે. અહીં આવતા દર્દીઓની સર્જરી વખતે ઓપરેશન થિયેટરમાં તબીબી સ્ટાફ દ્વારા મરીજને હિંમત પુરી પાડવા તેમના કુળદેવતાના નામ સાથે પ્રાર્થના કરવામાં આવે છે. આમ તો દરેક દર્દીની સર્જરી પૂર્વે તેમના પરિજનો ઓપરેશન થિયેટર બહાર અચૂક પ્રાર્થના કરતા જોવા મળતા હોય છે પરંતુ આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની અંદર પ્રાર્થના થતી જોવા મળે છે. ત્યારે અહીં કહેવું ઘટે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
અંજાર શહેર ખાતે આવેલી સાઈ હોસ્પિટલના સ્થાપક અને સાદગી સાથે ગ્રામીણ જીવન દ્વારા સંસ્કૃતિમાં જીવતા ડો. હિતેશ ઠકકર તેમની ભાતીગળ જીવનશૈલીથી તો જાણીતા છે જ પરંતુ તેમના ક્લિનિકમાં વર્ષોથી દરેક દર્દીની સર્જરી પૂર્વે તેની સાથે લાગણીપૂર્વક સંવેદના પુરી પાડવા અને હિંમત વધારવા હેતું ડો. સાહેબ અને તેમનો સ્ટાફ દર્દીના કુળદેવતાનું નામ પૂછી ઓપરેશન પૂર્વે અને ઓપરેશન દરમિયાન પ્રાર્થના કરે છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી હવે મેડિકલ ડ્રેસમાં આ પ્રકારની પ્રાર્થના કરવામાં આવી રહી છે.
આ વિશે ડો. ઠક્કરે જણાવ્યું હતું કે, આ પ્રકારની પદ્ધતિ દ્વારા ઓટીમાં રહેલા દર્દીની હિંમતમાં વધારો થાય છે. તેની સાથે તેને આત્મીયપણાનો પણ અનુભવ થાય છે. જોકે, તાકીદના સમયે સીધુજ ઓપરેશન કરવું પડતું હોઈ પ્રાર્થના મોટેથી નથી બોલાતી. બાકીની દરેક સર્જરી વખતે અમો અચૂક પ્રાર્થના કરીએ છીએ અને દર્દીને પણ તેમના ભગવાન ખુદાનું સ્મરણ કરવા જમાવીએ છીએ, જે ખૂબ સારું પરિણામ લાવે છે. આ પ્રક્રિયામાં મારા પત્ની યામિની ઠકકર પણ સાથ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.