કાર્યવાહી:બિનકાર્યક્ષમ પાવર પ્લાન્ટ બંધ કરવા ફોકીઆની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાની રજૂઆતને પગલે જીયુવીએનએલને એક્શન પ્લાન ઘડવા સૂચના

કચ્છમાં મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકીઆ)એ રાજ્યમાં બિન કાર્યક્ષમ પાવર પ્લાન્ટ બંધ કરવા માટે કરેલી રજૂઆતને પગલે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જીઇઆરસી) દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) ને એક એક્શન પ્લાન સબમિટ કરવા જણાવ્યું છે.

ફોકીઆએ જણાવ્યું હતું કે જે પાવર પ્લાન્ટ તદ્દન મૃતપાય થઈ ચૂક્યા છે તેને કારણે સરકારી તિજોરીને ભારે ખર્ચ થાય છે, તેનાથી પર્યાવરણને તો માઠી અસર પહોંચી જ રહી છે સાથોસાથ ગ્રાહકોના ખિસ્સા પર પણ ભાર પડી રહ્યો છે. રાજ્યમાં ઘણા પાવર પ્લાન્ટ્સ 25 વર્ષથી વધુ જૂના છે જે ઇચ્છિત માત્રામાં વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોવાથી કોલસાના ભક્ષક બની ગયા છે. અવ્યવહારુ પ્લાન્ટ્સને બંધ કરવામાં થઈ રહેલા અસાધારણ વિલંબથી ખર્ચ બોજ વધતા ગ્રાહકોને ભારે નુકસાન પહોંચાડે છે.

પાવર પ્લાન્ટને બંધ કરવા માટે નવી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરવામાં આવી છે. જેમાં પર્યાવરણ વ્યવસ્થાપન યોજના અને પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલ સહિત અનેક પગલાં સૂચવ્યા છે. ઉકાઈ, વણાકબોરી અને ગાંધીનગરમાં જે એકમોને તાત્કાલિક ધોરણે રદ કરવાની જરૂર છે તેમાંના કેટલાક એકમો બંધ કરવા લાયક છે. બંધ થર્મલ પાવર પ્લાન્ટની મશીનરી, ઇમારતો, રાખ તળાવો સહિતનો યોગ્ય નિકાલ કરવા ફોકીઆએ સૂચવ્યું હતું. સંસ્થાની આ રજૂઆતને પગલે GERC એ ગુજરાત રાજ્ય વિદ્યુત આયોગ (GSEC) ને બિન-કાર્યકારી પ્લાન્ટને ફરીથી શરૂ કરવા અને તેમને નાણાકીય રીતે સક્ષમ બનાવવા એક વિસ્તૃત યોજના સબમિટ કરવા પણ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...