તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કચ્છમાં માવઠાંનો માર જારી , હવે ખેડૂતોમાં કેરીના ઉભેલા પાકમાં નુકસાનીની ચિંતા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં સતત બીજા દિવસ કમોસમી ઝાપટાં પડ્યા હતાં. ભુજ અને નખત્રાણામાં વરસાદના લીધે હવે ખેડૂતોને નુકસાનીની દહેશત વ્યક્ત કરાઇ રહી છે. ભુજમાં શનિવારે બપોરે ભારે ઉકળાટ બાદ વાવાવરણમાં પલ્ટો અાવ્યો હતો. વાદળ બંધાયા બાદ ઝાપટાં પડ્યા હતાં. જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે પડ્યો હતો. તો નખત્રાણા તાલુકામાં પણ માવઠાંની હાજરી જોવા મળી હતી.

તાલુકાના ચાવડકા, નાના અંગિયા, મંજલ, મંગવાણા, જીયાપર સહિતના વિસ્તારોમાં આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ વરસાદી વાતાવરણના માહોલ વચ્ચે ઝાપટું વરસ્યું હતું. ચાવડકા વિસ્તારમાં નીચાણ વાળા ખેતરોમાંથી પાણી વહી નીકળ્યાં હતાં તેવું ચાવડકાના વાઘજીભાઇ જાડેજાએ જણાવ્યું હતું. તો નાના અંગીયા ગામના ખેડૂત અગ્રણી મોહનભાઈ પટેલ જણાવ્યું હતું કે, કેસર કેરીનો ફાલ થોડા દિવસમાં તૈયાર થવાની અણી ઉપર છે.

ત્યારે આ કમોસમી છાંટા કેરીના ઉત્પાદન પર અસર કરશે. જો કે હજી સુધી કોઈ ખાસ નુકસાન થયું નથી. પણ ઝાપટું પડતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા છે. તો નખત્રાણાના મંજલ તરા, લક્ષમીપર કલ્યાણપર વિસ્તારમાં બપોરના અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતાં મંજલના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તો મંગવાણા, જિયાપર, નારણનગર વિસ્તારના ગામોમાં પણ ઝાપટાં વરસ્યા હતા એવું રવિલાલ ગરવાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...