તંત્ર:‘કચ્છમાં નર્મદા માટે અનેક આશ્વાસનો અપાયા, હવે સાર્થક થશે તેવી આશા છે’

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠક માટે પૂર્વ રાજ્યમંત્રીની પ્રતિક્રિયા

કચ્છને નર્મદાના નીર મળે તે માટે મુખ્યમંત્રીએ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠક માટે પૂર્વ રાજ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. સરકારે અગાઉ પણ કચ્છમાં આ છેલ્લો દુષ્કાળ છે તેવા આશ્વાસનો આપ્યા હતા ત્યારે  હવે સીએમ દ્વારા અપાયેલું આશ્વાસન સાર્થક ઠરશે તેવી આશા છે તેવી પ્રતિક્રિયા તેમણે સીએમને પાઠવેલા પત્રમાં આપી હતી. કચ્છને નર્મદાના પાણી મળે તે બાબતે બોલાવાયેલી બેઠકને ટાંકીને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે, અગાઉ રૂપાણી સરકાર સમક્ષ જ્યારે જ્યારે રજૂઆત કરાઇ હતી ત્યારે ‘આ છેલ્લો દુષ્કાળ છે, દુષ્કાળ પડશે પણ નડશે નહિ’ અને કચ્છના છેવાડાના વિસ્તાર સુધી નર્મદાના નીર પહોંચાડશું તેવા આશ્વાસનો અપાયા છે જે હવે સાર્થક ઠરશે તેવી આશા લોકોમાં જાગી છે.

તે બદલ છેડાએ આભારની લાગણી વ્યક્ત કરી 
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યાના 17 દિવસના ટૂંકા ગાળામાં કચ્છ કેનાલની મંજૂરી મળ્યા બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રાપરના ધારાસભ્ય સહિત સૌએ સાથે મળીને રજૂઆત કરી તેમજ સતત સમીક્ષા કરતા રહ્યા જેને પગલે નર્મદાનું બે વર્ષનું કામ માત્ર ચાર માસમાં પૂર્ણ થતાં વાગડ વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પહોંચ્યું હતું. કચ્છમાં ગત વર્ષે દુષ્કાળના સમયમાં દર મહિને મોનીટરિંગ કરીને સરકારે આફતને અવસરમાં પલટવાનું જે કામ કર્યું હતું તેવી જ રીતે નર્મદાના સિંચાઇના પાણી માટે દર મહિને ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કામોની સમીક્ષા કરવી પડશે અને માર્ગદર્શન આપવું પડશે. સિંચાઇના કામો માટે બજેટમાં ફાળવાયેલી રકમ, વધારાના પાણી માટે 100 કરોડના કામોની વહીવટી મંજૂરી, જમીન સંપાદન અધિકારીની નિમણૂક, ખેડૂતોને ખારેકના વળતર રૂપે ફક્ત 500 રૂપિયાની ફાળવાણી સહિતના મુદ્દે મુખ્યમંત્રીનું માર્ગદર્શન અને સતત ફોલોઅપ હશે તો જ પરિણામ લક્ષી કામગીરી થશે તેમ પૂર્વ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. છેલ્લા બે માસથી કચ્છના કિસાન સંગઠનો અને નર્મદા માટે વર્ષોથી કાર્યરત સંસ્થાઓએ કરેલી રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે તે બદલ છેડાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...