ભાસ્કર વિશેષ:67 વર્ષ પહેલાં 9 ભાવિકો સાથે મઢની પદયાત્રા શરૂ થઇ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે તે સમયે સેવા કેમ્પ તો ઠીક પણ ભુજથી માતાના મઢના માર્ગમાં પાણી પીવાની પણ સુવિધા ન હતી

ગત નવરાત્રિ વખતે કોરોનાના કારણે લદાયેલા નિયંત્રણોને પગલે માતાના મઢમાં મંદિરના દ્વાર બંધ રહેવાની સાથે ભાવિકોની પદયાત્રા પણ થંભી ગઇ હતી પણ આ સાલે આશાપુરા માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે તેવી જાહેરાત થતાં જ ભાવિકોએ પદયાત્રાની તૈયારી શરૂ કરી હતી. 67 વર્ષ પહેલાં ભુજથી માત્ર 9 માઇભક્તો અશ્વિની નવરાત્રિએ પગપાળા ચાલતા માતાના મઢ પહોંચ્યા હતા ત્યારથી પદયાત્રાનો સીલસીલો શરૂ થયો છે જેમાં ઉત્તરોતર યાત્રીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

પદયાત્રાની રોચક વિગતો જોઇએ તો વર્ષ 1954માં ભુજમાં 9 આદ્યશક્તિના ઉપાસકોને પદયાત્રાનો વિચાર આવ્યો અને અમલમાં પણ મૂક્યો. પદયાત્રા શરૂ કરાવનારા બહાદૂરસિંહ જાડેજાએ વિગતો આપતાં કહ્યું હતું કે, એ વખતે સેવા કેમ્પ તો દૂર રહ્યા પણ માર્ગમાં પીવાના પાણીની પણ સુવિધા ન હતી. ખાસ કરીને રાત્રે વધારે મુશ્કેલી પડતી. આસો મહિનાના પ્રખર તાપ વચ્ચે પદાયાત્રા કરતા હોવાથી તરસ બહુ લાગતી. ઘરેથી લીધેલું પાણી ખૂટી જાય અને જો કોઇ યાત્રી પાસે પાણી હોય તો સૌના ભાગે એકાદ ઘૂંટડો આવતો. પ્રથમ પદયાત્રામાં પડેલી મુશ્કેલીઓ આગામી સમયમાં કોઇને ન પડે તે માટે અમે એક સંઘ બનાવ્યો અને ત્યારથી સેવાની શરૂઆત થઇ જે હવે કેમ્પ રૂપે ઠેર ઠેર જોવા મળે છે.

જે તે સમયની યાદોને વાગોળતાં આ અગ્રણીએ જણાવ્યું હતું કે, ભુજમાં માંડવી ઓક્ટ્રોય પાસે પદયાત્રીઓ એકઠા થતા અને હાથ લારીમાં માતાજીનો ગરબો, આશાપુરા માતાજીની તસવીર અને હાથમાં ધજા લઇને માતાના મઢ તરફ પ્રયાણ કરતા. પ્રથમ રોકાણ દેશલપર વાંઢાયમાં કરવામા આવતું. ધીરે ધીરે શરૂ થયેલા સેવા કેમ્પોમાં સાદું ભોજન પીરસાતું, આજે સ્વાદિષ્ટ વ્યંજનો પદયાત્રીઓને પીરસાય છે.

વર્ષ 1962માં સેવા માટે સંઘ રચાયો
પગપાળા માતાના મઢ જતા ભક્તોને માર્ગમાં સુવિધા મળી રહે તે હેતુથી વર્ષ 1962માં ભુજના ધારાશાસ્ત્રી બહાદૂરસિંહ જાડેજા, જયરામભાઇ ગોહિલ, જયંતીભાઇ પુરોહિત, ઉમેદલાલ ઠક્કર, એલ. કે. બોરા, મંગલદાસ ઠક્કર, રાજેન્દ્ર પુરોહિત, મહેન્દ્રભાઇ જોશી, લાલજી મકવાણા તેમજ અન્ય સેવાભાવીઓએ સંઘની રચના કરી અને સ્વખર્ચે પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી. સંઘમાં પહેલી વખત 30 પદયાત્રીઓએ નામ નોંધાવ્યા હતા ત્યારથી સેવા યજ્ઞની શરૂઆત થઇ. તે સમયે ઓછી અવર જવરના કારણે ભુજથી સામત્રા સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે ઘોડેસવારો સાથે ચાલતા.

ST કર્મીઓ અને ગ્રામજનોનો સહયોગ ન ભૂલાય તેવો
ભુજથી નીકળતી બસમાં પદયાત્રીઓ પોતાના થેલા મૂકી દેતા અને જ્યાં રોકાણ કરવાનું હોય તે ગામમાં થેલા ઉતારી લેવાતા. આ માટે જે તે ગામના લોકો સહકાર આપતા અને એકપણ વસ્તુ થેલામાંથી ઓછી ન થતી. આ ઉપરાંત માર્ગમાં આવતા ગામના સેવાભાવીઓ ચાય-પાણી તેમજ અન્ય જરૂરી વસ્તુઓ વિશે પૂછા કરતા. તે વખતે ખેડોઇનું એક મોટું ગ્રુપ સેવામાં ખડે પગે રહેતું તેમ મહેન્દ્રભાઇ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...