‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે’, ચાણક્યની આ ઉક્તિને માંડવી તાલુકાના હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાએ યથાર્થ સાબિત કરી છે. કોરોનાકાળમાં પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે દીપકભાઈ મોતાએ સ્વખર્ચે ડિજિટલ મોબાઈલ સ્કૂલનો પ્રયોગ કરી બાળકોને શિક્ષણ આપવાનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ડિજિટલ મોબાઈલ સ્કૂલ માટે દીપકભાઈએ એક ઈ-બાઈસીકલ પણ તૈયાર કરી છે જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
વાડી વિસ્તારના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ
ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા દરમિયાન વાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી ક્યારેક મોટા વાહન લઈને પહોંચવું મુશ્કેલ હોય છે. ત્યારે દીપકભાઈએ વાડી વિસ્તારમાં રહેતા બાળકો શિક્ષકની વંચિત ના રહે અને તેઓ સુધી આસાનીથી પહોંચી શકાય તે માટે એક ઈ-બાઈસીકલ તૈયાર કરી છે. જેના માધ્યમથી તે આસાનીથી ગમે તે વિસ્તારમાં અવરજવર કરી શકે છે. કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને હાલ ચાલુ થયા છે પરંતુ હજી પણ કોરોનાના સંપૂર્ણપણે ગયો નથી આ કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો.
આધુનિક ફિચર્સ સાથે ebicycle બનાવવામાં આવી
શિક્ષક દીપકભાઈ મોતા દ્વારા સામાન્ય સાયકલમાંથી e-bicycle બનાવવામાં આવી છે, આ સાયકલ સોલારથી ચાલે છે તથા ચાર્જ થાય છે. ઉપરાંત પેંડલથી તો ચાલે જ છે અને વીજળીથી પણ ચાર્જ થઈ શકે છે. આ સાયકલમાં હોર્ન, સાઈડ સિગ્નલ, હેડ લાઈટ, લીવર, USB ચાર્જિંગ પોઇન્ટ, બેટરી ઇન્ડિકેશન, સ્પીડોમીટર સાથે સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડિજિટલ મોબાઇલ શાળા આ ebicycle મારફતે બનાવવામાં આવી છે. આ સાયકલ પાછળ તેમને 18000 થી 19000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ દીપકભાઈ મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવતું હતું, પરંતુ હાલ ચોમાસાની ઋતુમાં અનેક રસ્તાઓ પર ઝાડીઓ વધી જતાં અને રસ્તાઓ સાંકડા હોવાથી કાર દ્વારા બાળકોને શિક્ષણ આપવા પહોંચી શકાય તેમ ના હોવાથી આ e-bicycle વડે વાડી વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે.
વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પડી રહી છે મુશ્કેલી
કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. તેમજ જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર આ ડિજિટલ મોબાઇલ શાળા શરૂ કરવામાં આવી છે.
શાળા જાય છે બાળકો પાસે
બાળકો શાળામાં નથી જઈ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું છે. ડિજિટલ મોબાઇલ શાળાએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.