પૂર્વ કચ્છના ઔધોગિક શહેર ગાંધીધામ નજીકનાં કંડલા ખાતેના દિન દયાલ બંદરથી એક કિલોમીટર દૂર આવેલા ઇફકો કંપનીના બીજા એકમમાં આજે સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર ભયંકર આગ ફાટી નીકળતા અફરતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. વિકરાળ આગને કાબુમાં લેવા ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફકો એકમના 2 ફાયર વાહન આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. જોકે હજુ સુધી આગ કાબુમાં આવી શકી નથી.
આગની ગંભીરતા એ છે કે ખાતર નિર્માણ કરતી ઇફકો કંપનીમાં એમોનિયા વહન કરતી લાઈનના વાલ્વ તુરત બંધ કરી દેવામાં આવ્યા છે જો આગ વધુ પ્રસરી તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. કંડલાના દિન દયાળ બંદરના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આગનું કારણ હાલ ખ્યાલમાં આવ્યું નથી પરંતુ ઘટનાની જાણ થતાં 3 ફાયર ટીમ અગ્નિશામન વાહન સાથે આગને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાવ સ્થળની નજીક જ્વલનશીલ ઓઇલ ટેન્ક પણ આવેલા છે, તેથી આગને તાકીદના ધોરણે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ ઘટનામાં કોઈ વ્યક્તિના હતાહત થયાની જાણકારી મળી નથી અને ઇફકોના તમામ જવાબદારો હાલ આગને કાબુમાં લેવાના પ્રયાસમાં જોતરાયેલા હોવાથી માહિતી આપી શકે તેમ ના હોવાનું જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.