વિરોધ:ખેડોઇ પાસે ફોરલેન માર્ગનું કામ સ્થાનિકોએ બંધ કરાવ્યું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોરીમાર્ગમાં રહેલી કમી લોકોના આવવા-જવાના હક્કો પર તરાપ સમાન
  • બે અન્ડર બ્રીજની માગણી ન સંતોષાતા વિરોધ

અંજાર-મુન્દ્રા હાઈવેને ફોર લેન કરવા માટે ખેડોઇ પાસે કામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે પરંતુ સ્થાનિકોની આ માર્ગ ઓળંગવા માટે બે અન્ડર બ્રીજ બનાવવાની માગણી ન સંતોષાતા લોકોએ વિરોધ સાથે કામ બંધ કરાવ્યું હતું. અંજાર તાલુકાનું ખેડોઇ ગામ વસ્તીની દ્રષ્ટિએ મોટું ગણાય છે અને લોકો ખેતીવાડી, પશુપાલન ઉપર વધારે આધાર રાખે છે. હાલે અંજાર-મુન્દ્રા હાઇવેને ફોરલેન કરવા ખેડોઇ પાસે એક જ અન્ડર બ્રીજ બનાવવામાં આવે છે. લોકોને નજીકમાં આવેલા ઔદ્યોગિક એકમો, ખેતર, વાડીએ જવા માટે આ માર્ગ અડચણરૂપ ન થાય તે માટે બે અન્ડર બ્રીજ બનાવવા માટે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, નાયબ કલેક્ટર, નેશનલ હાઈવે ઓથોરિટીને લેખિત, મૌખિક રજૂઆતો કરાઇ હતી. હાલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ઠેકેદારની મનમાની મુજબ રોડનું કામ ચાલુ છે. બે અન્ડર બ્રીજની માગણી ન સંતોષાતા ગુરુવારે બપોરે ગામલોકોએ રોડનું કામ બંધ કરાવ્યું હતું અને ઉપરી અધિકારીને ફોન દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું.

આ માર્ગ ઓળંગીને સરકારી દવાખાને, ગૌશાળા, મથડા, નાની ખેડોઇ, માધવ નગર તેમજ રોડની બીજી બાજુ આશરે 80થી 100 મકાન આવેલા છે તેમને આવવા-જવા માટે અને ગામમાંથી સીમ અને વાડીઓમાં જવા બે અન્ડર બ્રીજ ન બને તો આ માર્ગ લોકો માટે અડચણ થાય તેમ હોઇ તાત્કાલિક માગણી મુજબ કામગીરી કરવામાં આવે તેવી માગ સરપંચ બાપાલાલસિંહ, તાલુકા પંચાયતના મનુભા, ગામના અગ્રણી વિજયસિંહ, દિગ્વિજયસિંહ ટિલાટ, જિતેન્દ્રસિંહ, રાજુભા, સુરુભા, વિરેન્દ્ર સિંહ, વનરાજસિંહ, અમરશી પટેલ, ભરત પટેલ, વિજયસિંહ, જગદીશસિંહ, બળવતસિંહ, વિક્રમસિંહ, પ્રદ્યુમનસિંહ વગેરેએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...