તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:ચાલુ વરસાદી મોસમમાં અષાઢ બાદ શ્રાવણ પણ કોરોકટ,ખેડૂત-પશુપાલકોની ચિંતા વધી

નાના‌ અંગિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છીઓની એક જ પુકાર, ‘વ્હાલીડા મેઘરાજા હવે તો વરસ’

વરસાદ પર આધારિત કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે કારણકે કમોસમી વરસાદ તો આ જિલ્લામાં પડ્યો પણ વરસાદની મોસમમાં જ વર્ષારાણી આ સૂકા મુલકની ધરતી પર રિસાઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે વરસાદી સીઝનના જેઠ અને અષાઢ મહિના તો માત્ર ઝરમર વરસાદમાં વીતી ગયા જેથી લોકોને શ્રાવણમાં આશ હતી પણ આ મહિને શરૂઆતના સમયમાં વરસાદના કોઈ વાવડ નથી હવામાન વિભાગના મતે આગામી 18 મી જુલાઈ સુધી વરસાદની કોઈ આગાહી પણ નથી જેથી ખેડૂતો અને માલધારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે આ કારણોથી કચ્છમાં હવે દુષ્કાળના વર્ષોની જેમ હિજરતનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે હવે સૌ કચ્છીઓની એક જ પુકાર છે કે,વ્હાલીડા હવે તો મન મૂકીને વરસ.....

લખપતમાં 3 હજારથી વધુ પશુઓ સાથે માલધારીઓએ વતનને કરી અલવિદા

દુષ્કાળના દિન નજરે પડતા બેખડા, ચામરા, ચકરાઈ, મીંઢિયારી, છેલાવાંઢ સહિતના ગામોમાંથી હિજરતનો દોર શરૂ
અષાઢ માસ કોરો ગયા બાદ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે,પરંતુ કાયમી દુષ્કાળનો સામનો કરતા પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર લખપતમાં મેઘરાજાની હજી સુધી મહેર થઈ નથી જેથી પશુપાલકોને પોતાના અબોલા પશુઓના ઘાસચારા અને ચરિયાણની ચિંતા સતાવી રહી છે,વરસાદ ન પડતા માલધારીઓને હવે આ પંથકમાં દુષ્કાળના દિવસ નજીક દેખાઈ રહ્યા હોવાથી હિજરતનો દોર શરૂ કરી દેવાયો છે. બેખડા ગામના માલધારી આરબ જતે જણાવ્યું કે,એકાદ અઠવાડિયામાં બેખડા,ચામરા,ચકરાઈ, છેલાવાંઢ, મીંઢીયારી સહિતના ગામોમાંથી લગભગ ત્રણ હજાર પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી ગયા છે.

આ વિસ્તારમાં હજી સુધી વરસાદ પડ્યો ન હોવાથી સીમાડામાં ઘાસ ઊગ્યું નથી તો બીજી તરફ ઘાસચારો ન હોવાથી માલધારીઓને પશુઓના ચરિયાણનો પ્રશ્ન સતાવી રહ્યો છે.જેથી માલધારીઓ ઢોર ઢાંખર સાથે પગપાળા અને વાહનોમાં ઘર વખરી ભરી અહીંથી જઈ રહ્યા છે જેના કારણે અહીંના અમુક ગામો ખાલી થતા જાય છે કચ્છમાં હજી સુધી વરસાદ ન પડતા માલધારીઓની હિંમત હવે તૂટી રહી છે ત્યારે સ્થાનિકે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.

લીલુડી ધરતી પર ઉગી નીકળેલા કુંપણ ઘાસમાં ચરિયાણ કરતા ઘેટા - બકરા નજરે પડે છે.
લીલુડી ધરતી પર ઉગી નીકળેલા કુંપણ ઘાસમાં ચરિયાણ કરતા ઘેટા - બકરા નજરે પડે છે.

અબોલા ઢોરોના નિભાવ માટે પશુપાલકો પૂર્વ કચ્છથી સીમાડો ખૂંદતા પશ્ચિમ કચ્છ સુધી આવી પહોંચ્યા

અંગિયા, વિથોણ, નાગલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભચાઉના 500 ઘેટા બકરાઓએ નાખ્યો પડાવ
જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે ઘાસચારાની શોધમાં અને પશુઓના નિભાવ માટે માલધારીઓ પોતાના માદરે વતન છોડી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છના માલધારીઓ પશુની નિભાવણી માટે પશ્ચિમ કચ્છ તરફ પહોંચ્યા હતા. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો પશુઓની હાલત હજી પણ કફોડી બનશે. ભચાઉના માલધારી ખેતાભાઈ રબારી પાસે નાના-મોટા અંદાજિત પાંચસો જેટલા ઘેટાં બકરાં છે વરસાદ ન પડતા દસેક દિવસ પૂર્વે તેઓ ભચાઉ મૂકીને વિવિધ વિસ્તારોમાં રઝળપાટ કરી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર છૂટા છવાયો વરસાદ પડતા માલધારીઓની હાલત કફોડી બની છે. જેથી મજબૂરીવશ પૂર્વ કચ્છમાંથી પશ્ચિમ કચ્છ સુધીનો સીમાડો ખૂંદી રહ્યા છે.ઝીણા માલ તરીકે ઓળખાતા ઘેટાં બકરાંની વધુ સંખ્યાના કારણે ઘાસચારાની અછત સર્જાતા માલધારી વર્ગ પોતાના પશુધન સાથે પૂર્વ કચ્છ થી ઠેઠ પશ્ચિમ કચ્છ સુધીનો સીમાડો ખુંદતા ખુંદતા નખત્રાણા તાલુકાના અંગિયા, વિથોણ, નાગલપર સહિત ના વિવિધ ગ્રામ્ય વિસ્તારના સીમાડા માં આવી પહોંચ્યા છે.

નખત્રાણા વિસ્તારમાં વરસાદથી ડુંગરાળ સીમાડામાં હાલ પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ છે પણ જો આવી જ પરિસ્થિતિ રહી અને વરસાદ લંબાશે તથા પશુઓની સંખ્યામાં વધારો થશે તો આગામી દિવસોમાં પશુઓના ચરિયાણ માટે ગંભીર મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સારો વરસાદ પડતા આ વર્ષે પણ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસે તેવી આશા હતી. પરંતુ વરસાદ ન પડતા હવે ચિંતાના વાદળો ઘેરાયા છે.

વરસાદીઆંકડા
ભુજ219
માંડવી100
મુન્દ્રા193
નખત્રાણા194
અબડાસા76
લખપત53
અંજાર189
ગાંધીધામ168
ભચાઉ126
રાપર86

અત્યારસુધી જિલ્લામાં સરેરાશ 34.76 ટકા વરસાદ
કચ્છ જિલ્લામાં છેલ્લા 30 વર્ષના વરસાદની એવરેજ 400 mm છે.જેમાં ચાલુ વર્ષે અત્યારસુધી 140 mm વરસાદ જિલ્લામાં નોંધાયો છે જે 34.76 ટકા વરસાદ કહી શકાય,હજી પણ જિલ્લામાં સારા વરસાદની આશા સૌ કોઈ સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...