સુવિધા:કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી નીકળશે હૈયાતી પ્રમાણપત્ર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીવન પ્રમાણપત્ર માટે માત્ર પેપરલેસ પ્રક્રિયા
  • કચ્છના પેન્શનરોને હવે ઘરબેઠા સેવાનો લાભ મળશે

પેન્શનરોને ઘર બેઠા હૈયાતીનું પ્રમાણપત્ર એટલે કે, જીવન પ્રમાણ ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા સેવા શરૂ કરાઇ છે. પેન્શનરોએ સમયાંતરે હયાતીનું પ્રમાણપત્ર આપવું પડતું હોય છે. બેંકોમાંથી આ પ્રમાણપત્ર મેળવવા માટે મોટી લાઇનો લાગતી હોય છે ત્યારે કચ્છના પેન્શનરો માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ (જીવન પ્રમાણ પત્ર) ઘર બેઠા મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી સેવા શરૂ કરાઇ છે. આ સેવા પેપર લેસ છે અને પેન્શનરોએ આધાર નંબર, મોબાઇલ નંબર, પેન્શન ઓર્ડર નંબર, ખાતા નંબર સહિતની વિગતો આપવાની રહે છે.

પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, બેંક, રેલવે, જી.ઇ.બી. સહિત સરકારની વિવિધ કચેરીઓના પેન્શરોને હવે હૈયાતીના પ્રમાણપત્ર માટે લાઇનમાં ઉભું નહીં રહેવું પડે. ભુજની હેડ ઓફિસ, સબ ઓફિસ, ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં પણ આ સેવાનો પ્રારંભ કરાયો છે. કોઇપણ પેન્શનરે સેવાનો લાભ લેવા 02832 222952 નંબર પર ફોન કરવાનો રહેશે, જેથી જે-તે વિસ્તારના પોસ્ટમેન પેન્શનરના ઘરે જઇ ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ કાઢી આપશે. પોસ્ટમેનના મોબાઇલ ફોનમાં જ આ માટેની તમામ પ્રક્રિયા કરવામાં આવશે અને પ્રક્રિયા સંપન્ન થયા બાદ તે અંગેનો મેસેજ સંબંધિત પેન્શનરને તેમના મોબાઇલ પર મળી જશે. આ માટેનો ચાર્જ રૂ.70 નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...