માર્ગદર્શન:રાજ્યમાં પ્રથમવાર કુનરિયામાં કાનૂની સહાયતા કેન્દ્ર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામ લોકો કાનૂની હકો અને કાયદાઅોથી વાકેફ થાય તે અંગે શિબિર યોજાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા કચ્છ મહિલા વિકાસ સંગઠન અને કુનરીયા જુથ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ હતી. સાથો સાથ ગામમાં અેક લીગલ હેલ્પ ડેસ્કની રચના કરવામાં અાવી હતી. ભારતમાં ન્યાય વ્યવસ્થાનો મુખ્ય હેતુ સમાજમાંની દરેક વ્યક્તિને જરૂરી ન્યાય પૂરો પાડવા અને દરેક વ્યક્તિ ગરિમાપૂર્ણ જીવી શકે તે છે. જે લોકો કાનૂની હક થી વંચિત રહી ગયેલા હોય એવા લોકોના કાયદાકીય અને માનવીય હક્કોનું રક્ષણ થાય તે જરૂરી છે.

ગ્રામ પંચાયતો સુધી આ જાણકારી અને સમજ ઊભી થાય એ હેતુથી અા કાર્યક્રમ યોજાયો હતો. સંયુક્ત પ્રયાસોથી કાનૂની સહાયતા કેન્દ્ર લીગલ હેલ્પ ડેસ્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આવા હેલ્પ ડેસ્કની આ પ્રથમ ઘટના છે. તેના સભ્યોમાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ વેજીબેન કાનજી કેરાસીયા, સમીબેન વિરમ વાણીયા, ભારતીબેન હરિલાલ ગરવા સરપંચ બાલિકા પંચાયત ઉપરાંત કાયદાના નિષ્ણાંત વકીલ અને તાલીમ પામેલા બહેનો હશે. ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ શિબિરનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

કચ્છ મહિલા વિકાસ સંગઠનના સેક્રેટરી અરૂણાબેને બહેનોની તમામ મોરચે ભાગીદારીની હિમાયત કરી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન બી.એન. પટેલે પોતાની આગવી શૈલીમાં ગામલોકોને કાયદાનું પાલન કરવા અવગત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલશ્રીબેન ગઢવીએ કર્યું હતું.

સમિતિ અાવી રીતે કાર્ય કરશે
આ સમિતિની દર 15 દિવસે બેઠક થશે જે ગામના નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ માટે ચિંતન કરશે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ સાથે પરામર્શ કરશે અને સુલેહ કરવાનો પ્રયાસ કરશે. સમાજનો દરેક વ્યકતિ કાયદાનું પાલન કરે એ માટે જાગૃતિના કાર્યક્રમો કરાશે. અરજદાર કે સંઘર્ષ માં આવેલ વ્યક્તિની વાતને ગોપનીય રાખવામાં આવશે. આ ઉપરાંત આ કેન્દ્રની આગળ એક સૂચન બોક્ષ પણ મુકવામાં આવશે જે લોકો પોતાના પ્રશ્નો કે સૂચનો મૂકી શકે જેની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...