છેલા કેટલાક સમયથી કચ્છમાં પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થઇ રહ્યાં છે, છતાં તંત્ર જાગ્યું નથી. તેવામાં નખત્રાણા તાલુકાના ‘મોરઝર’માંથી ‘મોર’ બચાવો અભિયાનનો પ્રારંભ કરાયો છે. મોરને બચાવવા માટે મોરઝરમાં બેઠક મળી હતી. જેમા એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. એકલા વિથોન પંથકમાં અંદાજીત 50 જેટલી પવનચક્કીઓ આવેલી છે અને 2015ની વસ્તી ગણતરી પ્રમાણે વન વિભાગના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અંદાજીત 50 થી 60 જેટલા મોર પરિવાર વસવાટ કરે છે, જે આ પવનચક્કીઓનો ભોગ ના બને એ માટે પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓની ભોંયડ નદી કાંઠે શિવ મંદિરે બેઠક બોલાવામાં આવી હતી.
જેમાં પવનચક્કીના વાયરો અન્ડર ગ્રાઉન્ડ થાય અથવા પ્લાસ્ટિક ગ્રીપ લાગે તેવુ નકકી કરવામાં આવ્યું હતું. પવનચક્કીની કંપનીઓ નિયમો પાળતી નથી, જેના કારણે રાષ્ટ્રીય પક્ષી હણાઈ રહ્યા છે. નખત્રાણા તાલુકાના મોરઝર અને આસપાસના ગામો ચાવડકા, ભડલી, થરાવડા અને રાણારા ગામના સભ્યો દ્વારા રાષ્ટ્રીય પક્ષી અને પર્યાવરણને બચાવવાના અભિયાન માટેની વિચારણા કરાઈ હતી.
બેઠકમાં પર્યાવરણવાદી ડો.પંકજભાઈ જોશી, વાઇલ્ડલાઇફ વોર્ડન અખિલેશભાઈ અંતાણી, ઉર્મિશ ભાઈ સચદે, વિથોનના પૂર્વ સરપંચ રતિલાલભાઇ ખેતણી, સાંગનારાના સરપંચ નરેશભાઈ મહેશ્વરી, ખેતુભા જાડેજા સહિતના બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મિટિંગને સફળ બનાવવવા જગદીશભાઈ, તુષારભાઈ, પવનભાઇ વગેરેઅે જહેમત ઉઠાવી હતી. સંચાલન મેહુલદાન ગઢવી તેમજ આભાર દર્શન ખીમજી જેપાર દ્વારા કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.