શિક્ષણ:કચ્છમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં શાળા પુન: પસંદગીની આખરી તક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી 1938 છાત્રોઅે પ્રવેશ મેળવી લીધો, હજુ 562 બાકી
  • ધોરણ 1થી સરકારી ખર્ચે ખાનગી શાળામાં અભ્યાસની જોગવાઈ

રાઈટ ટુ અેજ્યુકેશન હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઅોમાં 25 ટકા અનામત લેખે ધોરણ 1થી અાર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ અાપવાની જોગવાઈ છે, જેમાં કચ્છમાં ત્રીજા રાઉન્ડ માટે બાકી રહેતી 562 બેઠક ઉપર પુન:પસંદગી માટે 15થી 17મી તારીખ સુધી તક અાપવામાં અાવી છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું હતું કે, અાર.ટી.ઈ. હેઠળ ધોરણ 1થી સરકારી ખર્ચે ખાનગી શાળામાં અભ્યાસની જોગવાઈ છે. કચ્છમાં અાર.ટી.ઈ. હેઠળ કુલ 2500 બેઠકમાંથી પ્રથમ રાઉન્ડમાં 1818 અને બીજા રાઉન્ડમાં 120 મળી કુલ 1938 છાત્રોને પ્રવેશ અપાયો.

બંને રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શક્યા હોય અેમને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ અાપવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં શાળા પસંદગી ફેરફાર કરવા માંગતા હોય અેમણે 15થી 17મી તારીખ અેમ ત્રણ દિવસ તક અાપવામાં અાવી છે. જોકે, હવે ગ્રામ્ય સ્તરે બેઠકો ખાલી છે, જેથી અેમાં બહુ અોછા વાલીઅો રસ રુચિ દાખવતા હોય છે.

લોક પ્રતિનિધિઅોની ભલામણો
અાર.ટી.ઈ. હેઠળ સરકારી ખર્ચે ધોરણ 1થી ખાનગી શાળામાં અભ્યાસ જોગવાઈનો લાભ લેવા પ્રથમ અને બીજા રાઉન્ડમાં ભારે ધસારો રહેતો હોય છે. કેટલાક લોકો લોક પ્રતિનિધિઅો મારફતે ભલામણ કરાવતા હોય છે. અામ તો અોન લાઈન પ્રક્રિયા થતી હોઈ છે. પરંતુ, લોક પ્રતિનિધિઅો પણ ભલામણ કરાવતા હોય છે અને ભલામણ કરાવનારાના બાળકોને પ્રવેશ પણ મળી જતો હોય છે, જેથી સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં અાવી ગઈ છે. હકીકતમાં પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઅોની અાર્થિક સધ્ધરતા અને યોગ્યતાની તપાસ થવી જોઈઅે. અેવું દહેશત વ્યક્ત કરનારા ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...