તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છી માડુએ કે નયે વરેજી જજી જજી વધાઇયું:લાખા ફુલાણીએ હરિયાળું કચ્છ જોયું અને અષાઢી બીજની પરંપરા ચાલુ થઇ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સતત બીજા વર્ષે કોરોનાની મહામારી વચ્ચે કચ્છીઓ ઉજવશે નવુ વર્ષ
  • જો કે અષાઢી બીજને નવા વર્ષના સ્વીકાર તરીકે આ સિવાય પણ અનેક મતો

સમગ્ર ભારતમાં કચ્છ પોતાની અલગ સંસ્કૃતિથી અનોખી ભાત પાડે છે. કચ્છીઓનું નૂતન વર્ષ પણ આગવું છે. કચ્છમાં નૂતન વર્ષ આષાઢ સુદ બીજના રોજ ઉજવાય છે. સતત બીજા વર્ષે કોરોનાની મહામારી વચ્ચે કચ્છી નવું વર્ષ આવ્યું છે.

આષાઢી બીજને નૂતન વર્ષ કેમ માનવામાં આવે છે એ ચર્ચાથી માંડી આષાઢી બીજની પરંપરા, ઉજવણી વિગેરેમાં પણ આગવી અને વિશિષ્ટ છાપ કચ્છની અનોખી ઓળખ ઊભી કરે છે. આષાઢી બીજથી કચ્છી નવા વર્ષનો પ્રારંભ કયારથી થયો તે અંગે બે મતો પ્રવર્તે છે. જેમાં પ્રથમ કચ્છમાં રા”લાખો ફૂલાણી જ્યારે લાંબા સમય બાદ પોતાની રાજયનગરી અણગરકોટમાં લાવલશ્કર સાથે પ્રવેશ્યો તે સમયે વરસાદના દિવસો હતા. લાખા ફૂલાણીએ જોયું કે જંગલોમાં લીલાશ વ્યાપી ગઈ હતી, કવિ હૃદયના લાખાને ખૂબ જ આનંદ થયો. એ દિવસે આષાઢ સુદ એકમ હતી તેથી તેણે સમગ્ર કચ્છમાં બીજના દિવસે નૂતનવર્ષના પ્રારંભની ઉજવણીઓ કરાવી.

તો બીજીબાજુ અન્ય અેક માન્યતા અેવી છે કે કચ્છ દરિયા કિનારે અાવેલો પ્રદેશ છે. દરિયો ખેડતા માછિમારો પરત ઘરે ફરતા તેમ કચ્છના લડવૈયાઓ પણ લડાઇમાંથી વરસાદના દિવસો શરૂ થાય ત્યારે પાછા ફરતા એટલે સમગ્ર કચ્છ જિલ્લામાં કુટુંબમેળો ભરાયો હોય તેવું વાતાવરણ ખડું થતું. તેથી પણ આષાઢી બીજ નૂતનવર્ષ રૂપે ઉજવાતી. કચ્છીઓ વરસાદને જીવન માને છે. સૂકા મૂલક માટે વરસાદનું આગમન ઐશ્વર્યના આશીર્વાદ સમાન અને આનંદદાયક હોય છે.

વરસાદના દિવસોની શરૂઆત આષાઢથી થતી હોઈ એ કચ્છીઓ માટે નવું વર્ષ બન્યું. બીજી માન્યતા એ પણ છે કે સિંધમાંથી આવેલા રાપૂંજીરા પછી 168 વર્ષના અવકાશ બાદ લાખો જલાણી અને તેનો ભાઇ કચ્છ આવ્યા. તેમણે લાખિયા ગઢને કચ્છની રાજધાની બનાવી આષાઢી બીજે નવા વર્ષની શરૂઆત કરી. જો કે પ્રથમ માન્યતા લાખો ફૂલાણી સાથે જોડેલી છે તે વધુ સુસંગત હોવાથી આજે પણ કચ્છના માલધારીઓ લાખો ફૂલાણીના પાળિયા પાસે જઈ આષાઢી બીજે પૂજન-અર્ચન કરે છે.

અષાઢી પંચાંગનો પણ 118 વર્ષનો ઇતિહાસ
કચ્છમાંથી નિયમિત રીતે પ્રગટ થતું અષાઢી પંચાંગ પણ 118 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. વિક્રમ સંવત 1968માં(ઇ.સ. 1903) શાસ્ત્રી લક્ષ્મીદાસે સૌ પ્રથમ નક્ષત્રો આધારિત કચ્છી નવા વર્ષનાં પંચાંગ પ્રગટ કરવાની શરૂઆત કરાવી. ત્યારબાદ એક નાગર ગૃહસ્થ આ પરંપરા ચાલુ રાખી હતી. હાલે રાજયોતિષી હરિકૃષ્ણ ખીએરા આષાઢી પંચાંગ પ્રસિધ્ધ કરે છે. દર આષાઢી બીજે રાજાશાહીના સમયમાં કચ્છમાં નવો સિક્કો બહાર પડાતો.

મુખ્યમંત્રીઅે અષાઢી બીજની શુભેચ્છા આપી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજ ના પવિત્ર દિવસે કચ્છીઓના નૂતન વર્ષની કચ્છ અને કચ્છ બહાર વસતા હજારો કચ્છી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી એ સૌ કચ્છી પરિવારોની સુખ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ પણ કચ્છી નૂતન વર્ષ ના આ અવસરે પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...