તંત્ર નિદ્રાંધિન:કચ્છની એકમાત્ર માનસિક આરોગ્યની હોસ્પિટલ દસ મહિનાથી નિષ્ણાંત મનોચિકિત્સક વિહોણી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનોરોગીને હોસ્પિટલમાં દાખલ કરવો હોય તો જી.કે.જનરલમાંથી રેફરન્સ લેવું પડે તેવી સ્થિતિ

આમ તો દરેક બાબતોમાં સરહદી જિલ્લા કચ્છને અન્યાય થતો આવ્યો છે ત્યારે વધુ એક વખત આરોગ્ય ક્ષેત્રે જિલ્લાને અન્યાય થયો છે. કારણકે જિલ્લાની એકમાત્ર ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સ્ટાફ તો પૂર્ણ છે પણ લીડર જ નથી. દરેક ક્ષેત્રમાં કર્મચારીઓ પર નિગરાની અને વહીવટી બાબતો બાબતે મુખ્ય અધિકારી કે બોસ હોય છે પણ ભુજની મેન્ટલ હોસ્પિટલમાં લીડર એટલે કે કલાસ 1 સાયકીયાટ્રીસ તબીબની જગ્યા છેલ્લા 10 મહિનાથી ખાલી છે.જેના કારણે માનસિક બીમારી ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં પરેશાની ભોગવવી પડે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત મનોચિકિત્સક ડો. ટીલવાણીએ ફેબ્રુઆરી મહિનામાં નિવૃત્તિ લઈ લીધી ત્યારથી હોસ્પિટલમાં MD મનોચિકિત્સકની જગ્યા ખાલી છે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સોમવાર થી બુધવાર સુધી સુરેન્દ્રનગરના તબીબને અને ગુરુવાર થી શનિવાર સુધી રાજકોટના તબીબને જવાબદારી સોંપાઈ હતી.જેમાં રાજકોટના ડોકટર નિયમિત હાજરી આપે છે પણ સુરેન્દ્રનગરના તબીબ સરકારી ખાતામાંથી છુટા થઈ ગયા છે. જેથી આ ત્રણ દિવસોમાં કોઈ તજજ્ઞ મનોચિકિત્સક નથી.જેથી કોઈ દર્દી આવે અને તેને દાખલ કરવો હોય તો મનોચિકિત્સકની પરવાનગી માટે દર્દીના સગાને જી.કે.જનરલ હોસ્પિટલમાં જવું પડે અને સાયકીયાટ્રીસ તબીબ પાસેથી સહી સિક્કા કરાવવા પડે બાદમાં દાખલ કરવાની પ્રક્રિયા થાય છે.

કલાસ 1 એમડી તબીબ સહિત રેસિડેન્સ મેડિકલ ઓફિસરની જગ્યા પણ હોસ્પિટલમાં ખાલી હોવાનું જાણવા મળ્યું છે ખરેખર સરકાર દ્વારા કાયમી મનોચિકિત્સકની નિમણુક કરી દેવામાં આવે તો આ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી જાય તેમ છે

5 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બની પણ ઉદ્ઘાટન નેતાઓને સમય મળશે ત્યારે થશે
હાલમાં કેમ્પ એરિયામાં જે માનસિક આરોગ્યની હોસ્પિટલ આવેલી છે તેનું બાંધકામ જૂનું છે.આ હોસ્પિટલની સામે જ લોકો કચરો ફેંકતા હોવાથી છાપ પણ ખરડાઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા રૂ.5 કરોડના ખર્ચે જૂની હોસ્પિટલની બાજુમાં જ રામકૃષ્ણ નગરમાં નવી અદ્યતન ઇમારત બનાવવામાં આવી છે.ટીબી હોસ્પિટલની બાજુમાં જિલ્લા માનસિક આરોગ્યની હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે.રંગરોગાન પણ થઈ ગયું છે બસ હવે ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. ચૂંટણી પૂર્ણ થાય પછી કોઈ નેતાઓને સમય મળે ત્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

3 થી 4 તબીબના ઓર્ડર થયા પણ કોઈ હાજર નથી થતું
વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં મનોચિકિત્સકની ખાલી જગ્યા પુરવા માટે અત્યારસુધીમાં 3 થી 4 ઓર્ડર થઈ ગયા છે.જેમાં મહિલા તબીબોને પણ ફરજ બજાવવાના ઓર્ડર અપાયા હતા પણ કચ્છ જિલ્લો દૂર લાગતો હોવાથી આ તબીબો જિલ્લામાં ફરજ પર હાજર થયા નથી જેથી જગ્યા ખાલી ને ખાલી રહે છે.

હાલમાં 30 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં છે દાખલ
હાલમાં આ હોસ્પિટલમાં 30 દર્દીઓ દાખલ છે જેમાં 11 મહિલાઓ અને 19 પુરુષ દર્દીનો સમાવેશ થાય છે.એક દર્દીની સંભાળ માટે એક સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા છે.જેથી 30 વ્યક્તિનો નર્સીગ સ્ટાફ દર્દીઓની સેવામાં ખડેપગે રહે છે.

રોજની 80 થી 100 ની OPD
જિલ્લાભરમાંથી મનોરોગીઓ અહીં રોગનું નિદાન અને સારવાર લેવા માટે આવતા હોય છે.એકમાત્ર સરકારી હોસ્પિટલ હોવાથી ધસારો વધુ હોય છે.હોસ્પિટલમાં દરરોજ 80 થી 100 દર્દીઓની સરેરાશ ઓપીડી હોય છે.

રાજ્યમાં માત્ર 4 જ હોસ્પિટલ,તેમાં એક ભુજમાં
આખા ગુજરાત રાજ્યમાં સરકારી માનસિક આરોગ્યની કુલ 4 જ હોસ્પિટલ છે જે અમદાવાદ, વડોદરા ,જામનગર અને ભુજમાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...