વર્તમાન સમયમાં સ્ટ્રેસ સાથેના જીવનમાં પ્રવાસનું મહત્વ વધી ગયું છે. બૌદ્ધિક મહેનત અને આર્થિક જોખમ ખેડીને સારું કમાઈ લેતો વર્ગ કુટુંબ માટે સમય નથી આપી શકતો, પણ વેકેશન માણવા દેશ કે વિદેશ જરૂર જાય છે. ગત બે વર્ષ કોરોનાની લહેરો આવવાથી અનેક પ્રકારના પ્રતિબંધ અને સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોને કારણે ઘરે બંધાઈ ગયેલો કચ્છી આ વર્ષે કોઈપણ ભોગે ક્યાંક તો ફરવા જવું જ એવું નક્કી કરી લીધું છે. ટ્રાવેલિંગ વ્યવસાયીઓને પૂછતા જાણવા મળ્યું કે, 1લી મે થી 15 જૂન સુધી કચ્છ અને અમદાવાદથી ભારતભર જતી બધી ટ્રેન ફૂલ છે, તો વિમાનના ભાડા પણ દોઢથી બે ગણા વધી ગયા છે.
અગાઉ પરંપરાગત ટુરિસ્ટ ડેસ્ટીનેશન માઉન્ટ આબુ, ગોવા, દીવ, દમણ કે ઉત્તર ભારતના કુલુ મનાલી અને મસૂરી હતા તેને બદલે હવે કાશ્મીર, ઉત્તરાંચલ, પૂર્વાંચલ બાજુ કચ્છીઓ વળ્યા છે. તો વિદેશમાં પણ દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર હોટ ફેવરિટ છે. ટુંકમાં એમ કહી શકાય કે, બે વર્ષના વિરામ બાદ કચ્છીઓ આર્થિક અને શારીરિક રીતે સક્ષમ બનતા મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળી પડશે એ નક્કી છે.
રોડની કનેક્ટિવિટીના કારણે ફરવાના સ્થળ સાથે ધાર્મિક યાત્રા પણ વધી છે
રોડની સારી કનેક્ટિવિટીને કારણે લોકો માટે મુસાફરી કરવી સરળ બની છે. ચારધામ યાત્રા એક સમયે માત્ર ધાર્મિક ઉદ્દેશથી મોટી ઉંમરનાં લોકો નીકળતા. જ્યારે આજે યુવાઓ પણ જાય છે, તેવું જણાવતાં બાલાજી એર ટ્રાવેલ્સના સંજય ગઢવી જણાવે છે કે, આજકાલ નવદંપતી પણ તે તરફના પેકેજ પસંદ કરે છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, રૂદ્રપ્રયાગ વગેરે હવે ફરવાના સ્થળ જેવા રમણીય આકર્ષક બનતા માત્ર ધાર્મિક યાત્રા નથી રહી. વારાણસી, કાશીનું મંદિર લોકાર્પણ બાદ પૂછપરછમાં મુખ્ય રહ્યું છે.
વિમાની ભાડું બમણું થવા છતાં પણ લોકોમાં ફરવાનો ઉત્સાહ
અમદાવાદ દિલ્હી વિમાની ભાડું આઠ હજાર હતું, તે બાર હજાર પહોંચ્યું છે, તો કાશ્મીર માટે અઢાર હજાર હતા તે પચ્ચીસ હજાર થઈ ગયું છે, એમ જણાવતાં એન.એકસ. ટ્રાંઝીટના રાજેન જોશી જણાવે છે કે, બે વર્ષનો બ્રેક મળતા લોકો કોઈપણ ભોગે ફરવા જવાના મૂડમાં છે. મોટેભાગે પૂર્વના છેવાડાના રાજ્યો અને ઉત્તરાખંડ રાજ્યમાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળો જવા માટેનું બુકિંગ ઘણું છે. જોકે, આ બધા સ્થળોએ પણ ધસારાને કારણે હોટેલ પેક છે.
વર્ષો બાદ કાશ્મીર પ્રવાસીઓના ધસારાને કારણે સંપૂર્ણ પેક
ચાર દાયકા અગાઉ અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે અને ધરતીનું સ્વર્ગ કહેવાય છે એ કાશ્મીર આતંકવાદી હુમલાઓને કારણે પ્રવાસી વિહોણું બન્યું હતું. જોખમી પ્રવાસ લોકો ટાળતા હતા. છેલા બે વર્ષમાં 370મી કલમ હટ્યા બાદ નાગરિકો પર હુમલાનો બનાવ નથી બન્યો અને સરકારના પ્રયાસોને કારણે લોકો કાશ્મીર તરફ વળ્યા છે. એકોએક હાઉસ બોટ ફૂલ છે. કચ્છથી પણ અનેક પરિવારોએ આ વખતે કાશ્મીર પર પસંદગી ઉતારી છે.
ઇન્ટરનેટ યુગમાં નવા સ્થળની શોધમાં ઉતર-પૂર્વ તરફ આકર્ષણ
રોજબરોજની દિનચર્યાને એકબાજુ મૂકી આરામના ઉદ્દેશ સાથે ફરવા જતો પરિવાર આજના ઇન્ટરનેટ યુગમાં નવા જ સ્થળની શોધ કરે છે. આજકાલ ઉત્તર પૂર્વ ભારત બાજુ લોકો ખૂબ વળ્યા છે. તેમાં પણ મુખ્યત્વે કઝીરાંગા નેશનલ પાર્ક-આસામ, નથુલા પાસ-સિક્કિમ, ઝીરો વેલી-અરુણાચલ પ્રદેશ, લોક્ટક લેક-મણિપુર, કાંચનજંગા, ગેંગટોક, દિબ્રુગઢ, કામાખ્યા મંદિર વગેરે જોવા જવાના સ્થળોમાં પ્રથમ હરોળમાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.