તિબેટિયન પરંપરા આજે પણ જીવંત:કચ્છી યુવાને હિમાલયના 4000 મીટર ઉંચા શિખર પર માઇનસ 8 ડિગ્રીમાં રાત્રિના 5 કલાક પરસેવો પાડ્યો!

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિખિલ મહેશ્વરી - Divya Bhaskar
નિખિલ મહેશ્વરી
  • પ્રાચીન તિબેટિયન પરંપરા તુમ્મો ધ્યાનમાં ભાગ લીધો

હિન્દુ પરંપરામાં માઘસ્નાનનું અનેરૂ મહત્વ છે. જેમાં સવારે વહેલા ઉઠી નદી, તળાવના ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. બૌધ્ધ લામા પણ માઘમાસની બીજની રાત્રે હિમાલયના 4000 મીટર ઉંચા પર્વત પર -8 થી 10 ડિગ્રી તાપમાને શરીર પરના બધા વસ્ત્રો ઉતારી, લંગોટ પહેરી શરીરમાંથી પરસેવો બહાર પાડે છે. 1200 વર્ષથી ચાલી આવતી આ તિબેટિયન પરંપરા આજે પણ જીવંત છે.

ભુજમાં રહેતા નિખિલ ધરમશીભાઇ મહેશ્વરી નામના યુવાન છેલ્લા 25 વર્ષથી બૌધ્ધ લામા સાથે જોડાયેલા છે અને અનેક વખત તુમ્મો ધ્યાન પ્રયોગ કરી ચૂક્યા છે. દર 5 વર્ષે યોજાતી તુમ્મો ધ્યાનમાં તબીબ લામાઓને પ્રાણ શક્તિ પરીક્ષણમાંથી પસાર થવાનું હોય છે.

માઘમાસમાં તિબેટિયન તિથિ મુજબ બરફાચ્છાદીત કોઇ એક શિખર પર જઇ રાત્રિના 11 થી 4 વાગ્યા દરમિયાન બરફની શિલા પર બેસી શરીરની પ્રાણ ઉર્જાને ગતિશીલ કરી સાધક શરીરમાં એટલી ગરમી ઉત્પન્ન કરે છે કે માત્ર 30 મિનિટમાં બરફની ચટ્ટાન પિગળવા લાગે છે.

નિખિલે પણ આ વખતે આ પ્રયોગમાં ભાગ લઇ 19મી જાન્યુઆરીના રાત્રે 12 વાગ્યેથી 1:26 સુધી બરફની શીલા પર બેસી આઠ ઇંચ જેટલી બરફની ચટ્ટાનને પિઘળાવી પોતાની પ્રાણ શક્તિનું પરીક્ષણ કર્યુંં હતું. ત્યાર બાદ ગરમ પાણીથી કટી સ્નાન લામા ચોસુઇએ કરાવ્યું હતું. ચાર દિવસના નિર્જળા ઉપવાસ બાદ સરોપા લામાએ સવારે ઔષધી યુક્ત જળ પીવડાવી પારણા કરાવ્યા હતાં, ત્યાર બાદ 2 કલાક વિપશ્યના અધિષ્ઠાન ધ્યાનની બેઠક ચાલી હતી.

તુમ્મો તિબેટિયન ધ્યાન અનુશાસન
તુમ્મો ધ્યાન એ તિબેટિયન ધ્યાન પદ્ધતિ છે. જે દર પાંચ વર્ષે લામા તબીબો માટે યોજાતી પ્રાણ શક્તિ પરિચય પરીક્ષણ તિબેટમાં કોઇ પણ વ્યક્તિ બિમાર પડે ત્યારે તેની શુશ્રુષાનો ખર્ચ તબીબને ચૂકવવાનો રહેતો અને દર્દીને ચિકિત્સા કર્યા બાદ એક માસ સુધી નિર્વાહ ખર્ચ પણ તબીબ લામાને ચૂકવવાનું રહેતો. જો દર્દી મૃત્યુ પામે તો તબીબ લામાને દેશ નિકાલની સજા થતી.

કોરોના અંગે લામા શું કહે છે ?
કોઇ મહામારી કે બિમારી વ્યક્તિની પ્રાણ શક્તિ ક્ષીણ થવાથી ઉદભવે છે. જો કોઇ વ્યક્તિ આજીવન રાંધ્યા વગરનો કાચો ખોરાક લે તો તે 125 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય કોઇ પણ બિમારી વગર ભોગવી શકે છે. અગ્નિ પર ચડ્યા પછી ખોરાકમાં પ્રાણ નષ્ટ થઇ જાય છે. પોષણ મળે છે પણ પ્રાણ નથી મળતા જેથી બિમારી ઉદભવે છે.

કોરોના એ કફ પ્રકોપથી થનારો રોગ છે. જેને દૂર કરવા રસાહાર કરવો જોઇએ. નિખિલે પણ કોરોના કાળ દરમિયાન 260થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને વગર માસ્ક, વગર પીપીઇ કીટે સાજા કરેલા હોવાનો દાવો કર્યો છે, જે તુમ્મો ધ્યાનનું મોટું ઉદાહરણ પૂરૂ પાડે છે.

અન્ય સમાચારો પણ છે...