અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વખતે ભારે હિમ વર્ષાને કારણે ગાંધીનગરના કલોલના ડિંગુચા ગામના વતની એવા પટેલ પરિવારના ચાર સભ્યોનું બરફ નીચે દટાઈને મૃત્યુ થતા શોકનું મોજું ફરી વળ્યુ છે. કેનેડા અને ભારત સરકાર આ અંગે વધુ તપાસ અને કાર્યવાહી કરશે. જેથી કેનેડામાં વસતા કચ્છી ઉદ્યોગપતિ હેમંત શાહે મૃતકોની શાંતિ માટે આજે મંગળવારે ઝૂમ મારફતે શોકસભાનું આયોજન કર્યુ હતું.
વધુમાં કેનેડાથી હેમંતભાઈએ જણાવ્યું હતું કે, કેનેડા અને અમેરિકા વચ્ચે આવેલી સરહદ એટલે કે વિનીપેગની સરહદ પર આ ઘટના બનતા ત્યાં વસતા દરેક ભારતીય આઘાતમાં છે. આ બનાવની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેમજ ફરીથી ઘટના ન બને તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તેમણે માંગ કરી હતી.
અડતાલીસ વર્ષથી કેનેડા વસતા કચ્છી ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, અમે પણ આટલી વેધક ઠંડી અને માઈનસ ચાલીસ ડિગ્રીમાં દસ મિનિટ બહાર ઊભા નથી રહી શકતા. તેવામાં આ પરિવાર મળતી માહિતી મુજબ અગિયાર કલાક કેવી રીતે બરફ વચ્ચે રહ્યો હશે? વિનીપેગમાં સ્થાયી ગુજરાતીઓ હેમંતભાઈ, એશ પટેલ અને અનિલભાઈ થાનકીએ ઝૂમ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. માનવીય અભિગમ સાથે મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે આખી દુનિયાના લોકોને આ કરુણામાં જોડાવા તેમણે અપીલ કરી હતી.
ભારતીય સમય મુજબ આજે મંગળવારે સવારે આઠ વાગ્યે ઝૂમ પ્લેટફોર્મ પરથી શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. આ શોકસભામાં દેશ વિદેશ વસતા ગુજરાતી સમાજના પરિવારો જોડાયા હતા અને હતભાગી લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.