કચ્છ અસ્મિતા મંચનું સ્નેહ મિલન:કચ્છને વિવિધ મુદ્દે થતા અન્યાય માટે જાગૃત થઇ લડી લેવા હાકલ કરાઇ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં યોજાયું કચ્છ અસ્મિતા મંચનું સ્નેહ મિલન

કચ્છને નર્મદાના નીર, ભચાઉ અને ભુજોડી ઓવર બ્રિજ, મહેસૂલ, શિક્ષણ, આરોગ્ય, ખનીજના પ્રશ્નોને લઇને લાંબા સમયથી થઇ રહેલા અન્યાય માટે લોકોએ જાગૃત થઇને જરૂર પડે તો લડત ચલાવવા તૈયાર રહેવું પડશે તેવી હાકલ ભુજમાં કચ્છ અસ્મિતા મંચ દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં કરાઇ હતી.

સમારોહના અધ્યક્ષસ્થાનેથી રાજ્યના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ સાંસદ બાબુભાઇ શાહે લોક હિત માટે છેલ્લા 3 વર્ષથી કાર્યરત આયોજક સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવતાં કોરોના કાળ બાદ પૂર્વવત થઇ રહેલી સ્થિતિ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. કચ્છને છેલ્લા કેટલાક સમયથી નર્મદાના પાણી, મહેસૂલ, શિક્ષણ અને આરોગ્ય સહિતની સમસ્યાઓ સતાવે છે તેનું જવબાદારો દ્વારા સમાધાન ન લાવીને અન્યાય કરાઇ રહ્યો છે તેમ કહેતાં તેમણે જરૂર પડે તો લડ લેવા હાકલ કરી હતી.

હિન્દુસ્થાન નિર્માણ દલના પ્રદેશ પ્રમુખ શશિકાંત પટેલે નર્મદાના કામોમાં વિલંબ માટે ક્યાંકને ક્યાંક કચ્છનું નેતૃત્વ નબળું પડી રહ્યું છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. તેમણે આ તકે પૂર્વ સાંસદ ડો. મહિપતરાય મહેતાને યાદ કરતાં કહ્યું હતું કે, વર્તમાન સત્તાધારી સાંસદ અને ધારાસભ્યો શિસ્તના નામે નબળા પડતા હોય તેમ જણાઇ રહ્યું છે.

આ પ્રસંગે અમીરઅલી લોઢિયા, ડો. શૈલેશ જોશી, યોગેશ પોકાર, હસન સુમરા, નવિન ચોપડા, હરેશ પુરોહિત, કપિલ મહેતા,ગોરધન પટેલ, રાજેશ ગઢવી, દિપક સુથાર, જયવીરસિંહ જાડેજા, દિનેશ ગોહિલ, રસનિધિ અંતાણી, અનિલ ડાભી, તારાબેન રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રજ્ઞેશ ચોથાણીએ અને આભાર વિધિ અનિલ ડાભીએ કરી હતી. આયોવન વ્યવસ્થા ભવરલાલ સુથાર, અનિલ સુથાર અને ભૂપેન્દ્રસિંહ જાડેજાએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...