કચ્છવાસીઓને દાયકાઓથી જે અદ્યતન આરોગ્ય સેવાની જરૂર હતી કે, ગંભીર બીમારી હ્રદય રોગ, કેન્સર કે ન્યુરો સર્જરી માટે રાજકોટ, અમદાવાદ કે મુંબઈ દોડી જવું પડતું, તેનો આજથી અંત આવશે એવા સંયોગ ઊભા થયા છે. ભુજમાં આજે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પિત કરશે એ કે કે.સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ગરીબથી શ્રીમંત લોકો માટે ન માત્ર આશીર્વાદરૂપ બનશે, પરંતુ સમયસર સેવા મળી જતા જીવનદાતા પણ બનશે. લેવા પટેલ સમાજ દ્વારા બે વર્ષના કોરોના કાળમાં પણ વણથંભી કામગીરી સાથે બસ્સો કરોડના ખર્ચે તથા અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલ આજે ખુલ્લી મુકાશે.
જે પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારથી કાર્યક્રમોમાં જોડાશે. સૌપ્રથમ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે. ત્યાંથી 9.30 વાગ્યે હોસ્પિટલના પ્રવેશદ્વારે થી કણબી પરંપરા મુજબ રોડ શો અને સામૈયું કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે દિલ્હીથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન જ આરોગ્ય મંત્રી, મુખ્ય મંત્રી, દાતાઓ, અગ્રણીઓનું સન્માન કરવામાં આવશે.
આ સગવડતાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ
રાજ્યમાં પ્રથમવાર 20 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાયેલા કેન્સર રેડિયેશન મશિન સાથે કેન્સરની સારવાર કરાશે. 4 કરોડના ખર્ચે વસાવાયેલા રાઇસ્ક્રોસ્કોપ ઉપકરણની મદદથી મગજના અંદરના ભાગે હેમરેજ, ટ્યૂમર, નસોની બારીક સર્જરી, લોહીની ગાંઠોની શાસ્ત્રક્રિયા સંભવ બનશે. હૃદયરોગની નિદાન માટે કેથ લેબ હોસ્પિટલમાં શરૂ કરાશે 7.50 કરોડના ખર્ચે બનાવાયેલી કેથલેબ ઉપરાંત 5 કરોડના ખર્ચે વસાવાયેલા કોરોનરી સીટીથી એન્જીયોગ્રાફી કર્યા વિના હૃદયમાં બ્લોકેજની તપાસ થઇ શકશે. હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, ન્યૂરોલોજી, નેફોલોજી, ટ્રોમા અને ક્રિટિક્લ કેર સહિતના વિભાગો શરૂ થશે.
કચ્છ મેડીકલ ટુરીઝમનું હબ બને એ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે : ડો. નીમાબેન
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટ, ભુજ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજના શુભ દિને લોકાર્પણ થવા જઇ રહયું છે, ત્યારે આ શુભપ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી જોડાઇ રહયાં છે. સૌ સંતો મહંતો, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ થઇ રહયું છે, જે આપણું સદ્નસીબ છે. આ પ્રસંગે હુ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું અને આયોજકોને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારુ એક સ્વપ્ન હતું કે કચ્છ એ મેડીકલ ટુરીઝમનું હબ બને અને આ, કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆતથી મારું સ્વપ્ન સાકાર થતુ દેખાઇ રહયું છે. કચ્છના લોકો જ નહિ, પરંતુ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાના લોકો પણ આ હોસ્પિટલનો લાભ લેશે. દેશ-વિદેશમાંવસતા આપણા કચ્છીઓએ પણ પોતાના વતનમાં આવીને આ હોસ્પિટલનો લાભ લઇ શકશે અને સારામાં સારી સારવાર મેળવી શકશે. કે.કે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જવાબદારી જયારે સીમ્સ હોસ્પિટલને સોંપવામાં આવી છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે, નિષ્ણાત ર્ડાકટરોની ટીમ દર્દીઓને નિદાન અને સારવારમાં ખૂબ જ ઉપયોગી થશે. દેશ-વિદેશમાં વસતા કચ્છી ભાઇ-બહેનો ખાસ કરીને લેવા પટેલ સમાજ એ આ નજરાણું ઉભુ કરવા પોતાની સંપત્તિનો ઉદારતાથી યોગદાન આપીને કચ્છને ભેટ ધર્યુ છે. કચ્છ હંમેશા લેવા પટેલ સમાજનો ઋણી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.