કોવિડની નહિ પણ ચિંતાની લહેર:ઋતુજન્ય બીમારીના ભરડામાં સપડાયું કચ્છ, દીપોત્સવ પૂર્વે દવાખાના દર્દીઓથી ઉભરાય છે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભચાઉની હોસ્પિટલમાં દર્દીઓની કતાર - Divya Bhaskar
ભચાઉની હોસ્પિટલમાં દર્દીઓની કતાર
  • કોરોના મહામારીમાંથી લોકોને રાહત મળી પણ તહેવાર ટાંકણે તાવના દર્દીઓમાં આવેલો ઉછાળો બેકાબુ
  • શહેરોથી માંડી છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ ફિવરના ઓચિંતા વધેલા કેસથી ફેલાયો ફફડાટ

કચ્છમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે જોકે ઋતુજન્ય બીમારીએ કચ્છ જિલ્લાને રિતસરમાં ભરડામાં લઇ લીધું છે કારણકે, શહેરોથી માંડીને છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ ફિવરના ઓચિંતા કેસો વધી ગયા છે.મોટાભાગના ઘરોમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે જેથી એકાએક તાવ,શરદી અને ઉધરસ ના કેસો વધી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હાલ જિલ્લામાં કોવિડની નહિ પણ વાયરલ ફિવરના કારણે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. કોરોનામાંથી લોકોને રાહત મળી પણ દિવાળીના તહેવાર ટાંકણે તાવના દર્દીઓમાં આવેલો ઉછાળો બેકાબુ બનતા તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.હાલના સંજોગોમાં લોકો સમજદારી રાખે અને જરા સહેજ પણ લક્ષણો જણાઈ આવે તો નજીકના સરકારી દવાખાનામાં ઉપચાર કરાવે તે જરૂરી બની ગયું છે.

ભુજના દરેક વિસ્તારોમાં બીમારીનો પેસારો
ભુજ શહેરમાં આવેલા મોટાભાગના તમામ રહેણાંક વિસ્તારોમાં વાયરલ બીમારીએ પેસારો કરી લીધો છે જેને પગલે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે સાથે જ ખાનગી લેબોરેટરીમાં પણ તપાસણી માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.ઘર દીઠ તાવ અને શરદીના કેસો સામે આવી રહ્યા છે જે ઘણી ચિંતાજનક બાબત છે ન માત્ર સામાન્ય તાવ પરંતુ ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો પણ નોંધાયા છે.જિલ્લામથકનું આ શહેર બીમારીમાં સપડાઈ ગયું છે તો તાલુકાના ખાવડા, બન્ની સહિત પાવરપટ્ટી તેમજ પટેલ ચોવીસીના ગામડાઓમાં પણ કેસો આવી રહ્યા છે.દરમ્યાન તાલુકાના દેશલપર વાંઢાય ગામે ડેન્ગ્યુનો 1 કેસ આવ્યો હોવાનું સરકારી દવાખાનાના અજિતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું.ખાનગી દવાખાનામાં પણ 40 થી 50 ની ઓપીડી આવી રહી છે.

ગાંધીધામમાં વાઈરલનો પ્રકોપ, રામબાગમાં રોજની 400 ઓપીડી
ગાંધીધામ આદિપુરમાં વાઈરલ સાથે ડેંગ્યુ અને ચીકનગુનીયા જેવા લક્ષણો ધરાવતા કેસોમાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે. સરકારી રામબાગ હોસ્પિટલમાં રોજની ઓપીડી બમણી થઈને 400 થઈ ગઈ છે તો સતાવાર રીતે ડેંગ્યુના 4 કેસ નોંધાયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. શહેરમાં તાવ, શરદી, ખાંસી, ગળું જકડાઈ જવું, શરીર દુખાવો જેવા લક્ષણો ધરાવતા ઘણા કેસોથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. રામબાગ સીવાયના પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં પણ રોજના 100 દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. આદિપુરમાં ડો. અંજુરાણી અને ગાંધીધામના ડો. ચેતન વોરાએ વાઈરલ ફીવર, ડેંગ્યુ અને ચીકનગુનીયાના લક્ષણો ધરાવતા ઘણા કેસો રોજ આવી રહ્યાનું જણાવ્યું હતું.

માંડવી તાલુકામાં બે દિવસમાં 776 દર્દીઓ તાવની બીમારીમાં સપડાયા
બંદરિય માંડવી શહેર અને તાલુકામાં પણ તાવની બીમારીએ ભરડો લઈ લીધો છે.તાલુકામાં બે દિવસમાં જ 776 જેટલા સીઝનલ વાયરલ ફીવરના કેસો આવ્યા છે તમામને એકસમાન લક્ષણો જોવા મળ્યા છે જોકે રાહત વચ્ચે ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનો એકપણ કેસ આવ્યો નથી.તાલુકાના તલવાણા, ગોધરા,લાયજા,ગુંદિયાળી,કોડાય,નાના આસંબીયા, દરશડી,ભાડઇ,સલાયા સહિતના સેન્ટરમાં પણ ડબલ સદીમાં કેસો આવ્યા છે.માંડવીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં પણ તાવના 94 કેસ બે દિવસમાં આવ્યા છે.છેલ્લા 1 માસમાં જ 1011 દર્દીઓ તાવની બીમારીમાં સપડાયા છે. દરમિયાન તલવાણા પીએચસીના ડો અમિષાબેને જણાવ્યુ કે, બિદડા, તલવાણા ,પીપરી, ફરાદી વગેરે વિસ્તારોમાં ડેન્ગ્યુ,મલેરિયા અને ચીકનગુનિયાનો એકેય કેસ નથી આવ્યો પરંતુ વાયરલ તાવને લીધે શરદી ઉધરસના રોજ ઘણા કેસ આવે છે.બિદડાના ડો.મયુર મોતાએ જણાવ્યું કે,છેલ્લા એક મહિનાથી દરરોજ ૫૦ થી ૬૦ વાયરલ તાવના કેસ આવે છે.ઘરમાં એકને આ વાયરલ તાવ આવે તો બધાને ઝપેટમાં લઇ લે છે.એક મહિનામાં જ ડેન્ગયુના 10 અને મલેરિયાના 4 કેસ શંકાસ્પદ આવ્યા હતા તેવું ડો.મહાવીર સિંહ જાડેજાએ કહ્યું હતું.બિદડા સર્વોદય હોસ્પિટલના ડો.ભરત ધરોડે 1 માસમાં 8 જેટલા ડેન્ગયુ તથા 4 મલેરિયાના શંકાસ્પદ કેસ આવ્યા હોવાનું ઉમેર્યું હતું.

મુન્દ્રામાં સ્થિતિ બની વિકટ, દૈનિક 300 જેટલા દર્દીને સારવાર, ઘરોઘર સર્વેલન્સ
ઔધોગિક પંથક મુન્દ્રામાં ઋતુજન્ય બીમારીએ રીતસરનો ભરડો લઈ લેતા અહીં સરકારી દવાખાનામાં દરરોજ 300 દર્દીઓની ઓપીડી આવી રહી છે જે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે.તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તો પરિસ્થિતિ વિકટ બની ગઈ છે જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા ઘરોધર સર્વેલન્સ કરાઈ રહ્યું છે જ્યારે નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા ફોગીંગ પણ કરવામાં આવી રહ્યું છે.અહીં સૌથી પહેલા આ વાયરલ બીમારીએ પગપેસારો કર્યો હતો જ્યાં આજે પણ સૌથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે.

નખત્રાણા નગરમાં બીમારીએ માથું ઊંચક્યું,વિથોણમાં પરિસ્થિતિ નિયંત્રણમાં
​​​​​​​પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકને રોગચાળાએ ભરડામાં લઈ લીધું છે.હાલમાં નખત્રાણાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દરરોજ 50 જેટલા કેસો સામે આવી રહ્યા છે.જેમાં મેંલેરિયા તેમજ સિઝનલ તાવના વધુ કેસો આવતા હોવાનું ડો.પાંડેએ કહ્યું હતું.તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રસાદે કહ્યું કે, તાલુકામાં અમારી પાસે ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનો કોઈ કેસ આવ્યો નથી. વાયરલ ફિવરના કેસો વધુ પડતા આવતા હોવાનું જણાવ્યું હતું.તો દેવઆશિષ હોસ્પિટલના ડોક્ટર બીપીન પટેલે જણાવ્યું કે,ચોમાસા બાદ અત્યાર સુધીમાં 25 થી 30 કેસો ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.નખત્રાણાની માકાણી હોસ્પિટલના ડોક્ટર રસિક માકાણીના જણાવ્યા મુજબ,તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેલેરિયા, ડેન્ગ્યુ અને સિઝનલ તાવનો કહેર જોવા મળી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે,નખત્રાણાની ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના નોંધપાત્ર કેસો આવી રહ્યા છે પણ સરકારી આરોગ્ય તંત્ર અજાણ છે.દરમ્યાન નાના મોટા આંગીયા, નાના મોટા ધાવડા , સાંગનારા, દેવપર, વિથોણ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી ખાસ કેસ જોવા મળ્યા નથી. વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામમાંથી હજી સુધી ડેન્ગ્યુ કે ચિકન ગુનિયાના કોઈ ખાસ કેસ આવ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

ભચાઉ શહેર - તાલુકાના દવાખાનામાં દર્દીઓની​​​​​​​ સંખ્યામાં 30 ટકાનો વધારો
વાતાવરણમાં થતા ફેરફારને લઇને ભચાઉ શહેર અને તાલુકામાં પણ શરદી, તાવ, ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાં સરકારી હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના 25 થી 30 ટકા દર્દીઓ વધ્યા હોવાનું અહીંના ડોક્ટર કે. કુમારે જણાવ્યું હતું.મેલેરિયા,ડેન્ગ્યૂ જેવા કેસો ન આવ્યા હોવાનું જણાવી સામાન્ય તાવનો વાયરો હોવાનું કહ્યું હતું.ભચાઉ શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ગયો છે ત્યારે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

અંજારમાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દૈનિક 5 જેટલા કેસ આવે છે, જો કે સરકારી આરોગ્ય કેન્દ્રમાં આંકડો શૂન્ય
અંજારમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 100થી વધુ તાવના કેસો સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દરરોજના 5 કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે.અંજાર તાલુકામાં રતનાલ, સંઘડ, ભીમાસર,ચાંદરાણી, મેઘપર-બોરીચી, માથક, ખેડોઈ એમ 7 પી.એચ.સી. સેન્ટરો છે, જ્યાં દરરોજ સરેરાશ 10 કેસો વાયરલ ફીવર, શરદી, ઉધરસના આવી રહ્યા છે. આ ઉપરાંત દુધઈ સી.એચ.સી અને અર્બન હેલ્થ સેન્ટર અંજારમાં પણ 10થી 15 કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે અંજારની મુખ્ય સરકારી હોસ્પિટલમાં પણ 20થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે.ખાનગી હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો છેલ્લા1 મહિનામાં 500થી વધુ કેસો નોંધાયા હોવાનો અંદાજ છે.નવાઈ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુનો એકપણ કેસ આવ્યો નથી.

અબડાસામાં નલિયા CHC ખાતે રોજના આવી રહ્યા છે 100 થી વધુ કેસ
અબડાસા તાલુકામાં પણ વાયરલ બીમારીનો ભરડો વધી રહ્યો છે.ગ્રામીણ વિસ્તારોમાં તાવના વધતા કેસોના કારણે નલિયા CHCમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે.તાવ, શરદી, ખાંસી સહિતના રોગોમાં વધારો થતા નલિયા સીએચસીમાં દૈનિક 100 થી વધુ ઓપીડી આવી રહી છે.તાજેતરમાં સપ્તાહમાં ડેન્ગ્યુનો 1 કેસ અને મેલેરિયાના 3 કેસ આવ્યા છે.દરમ્યાન જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 10 થી15 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તો ખાનગી ક્લિનિકમાં 15થી 20 દર્દીઓ સારવાર મેળવે છે.

રાપરમાં ચીકનગુનીયાના 400 અને ડેન્ગ્યુના 60 થી વધુ એક્ટિવ કેસ
રાપર : તાલુકામાં છેલ્લા એક મહિનાથી ચિકનગુનિયા,ડેન્ગ્યુ અને વાયરલ બીમારીઓનો રીતસરનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ સરકારી હોસ્પિટલમાં દૈનિક 100થી વધુ દર્દીઓ આવી રહ્યા છે.જેમાંથી તપાસણી દરમ્યાન ચિકનગુનિયાના કેસો પણ સામે આવ્યા છે.હાલ રાપર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 700 થી 800 વાયરલ બીમારીઓની ઓપીડી નોંધાઇ રહી છે જે અગાઉ 250 જેટલી હતી.વાગડનું મુખ્ય શહેર રાપર બીમારીના ભરડામાં સપડાઈ જતા આ વખતે લેબોરેટરીમાં ધસારો થતા તેઓની દિવાળી સુધરી હોવાનો કટાક્ષ પણ પ્રબુદ્ધ વર્ગના લોકોએ વ્યક્ત કર્યો હતો.જોકે,રાપરનું સરકારી તંત્ર આંકડા છુપાવતું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કારણકે,હાલ પંથકમાં 400 થી વધુ એક્ટિવ કેસો માત્ર ચિકન ગુનિયાના અને 60થી વધુ ડેન્ગ્યુના કેસો પણ એક્ટિવ છે છતાંય તંત્ર સબ સલામતની બૂમો પાડી રહ્યું છે તંત્રની આ લાપરવાહી રાપર વાસીઓની દિવાળી બગાડી શકે છે. જેથી લોકો હવે સતર્ક બની જાતે જ સમજદારી રાખે એ જરૂરી છે.

લખપતમાં ઝાકળભર્યા વાતાવરણના કારણે દર્દીઓની સંખ્યામાં ઉછાળો
લખપત તાલુકામાં એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ ઝાકળ ભર્યા માહોલના કારણે ઋતુજન્ય કેસો વધ્યા છે.ટીએચઓ ડો.રોહિત ભીલે જણાવ્યું કે,આ પંથકમાં વાતાવરણીય અસરોના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે તાવ,શરદીના કેસો વધ્યા છે.સંભવત એકાદ સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધશે એટલે આ રોગચાળો કાબુમાં આવી જશે તેવું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...