તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દોઢ વર્ષના કોરોનાકાળમાં કચ્છ બીજી વાર કોરોના મુક્ત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આનંદના સમાચાર પણ હરખની વધુ પડતી ઉજવણી આ સિદ્ધિને ભરખી જશે
  • ફેબ્રુઆરીથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરે એપ્રિલ અને મેં મહિનામાં હાહાકાર મચાવ્યા બાદ અંતે ઓગસ્ટમાં જિલ્લો કોવિડ મુક્ત જાહેર
  • 52 દિવસમાં એક્ટિવ કેસ 3737 માંથી 6 જુલાઈના 11 પર પહોંચ્યા,પણ 11 દર્દીને સ્વસ્થ કરવામાં 37 દિવસનો સમય વીતી ગયો

હાશ,છેલ્લા કેટલાક સમયથી જેની આપણે રાહ જોતા હતા તે ઘડી હવે આવી ગઈ છે,કારણકે સતાવાર રીતે કચ્છ જિલ્લો હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યો છે,આમ તો જ્યારથી કેસો ઘટી ગયા છે ત્યારથી લોકો લાપરવાહ બની ફરી રહ્યા છે જોકે હવે કચ્છ જિલ્લો સતાવાર રીતે કોરોના મુક્ત બની ગયો છે જોકે આ ઘડી હવે કેટલા સમય સુધી ટકી રહે છે તે તો હવે સમય જ બતાવશે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 21 માર્ચ 2020 ના આવ્યો હતો લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો જેના બીજા જ દિવસે જનતા કરફ્યુ હતું કચ્છમાં એક કેસ દેખાતા હજારો કચ્છીઓ ગભરાઈ ગયા અને ઘરમાં બેસી ગયા હતા લોકોએ શરૂઆતના સમયમાં લોકડાઉનનું કડક પાલન કર્યું,તંત્ર માટે પણ આ નવી બીમારી હોવાથી પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવવામાં સમય લાગી ગયો હતો.

જોકે ચૂંટણી આવતા કોરોના ગાયબ થઈ ગયો હતો અને પછી શરૂઆત થઈ ઘાતક લહેરની,આપને જણાવી દઈએ કે, 16 ફેબ્રુઆરીથી કચ્છમાં ધીમે ધીમે બીજી લહેરના કેસો દેખાવાનું શરૂ થયું હતું શરૂઆતમાં લોકોએ આ લહેરને ગંભીરતાથી ન લીધી પરિણામે આ ઘાતક લહેરમાં લોકો સપડાતા ગયા જોત જોતામાં માર્ચ મહિના પછી એપ્રિલ અને મેં મહિનામાં તો કોરોના બીમારીએ લોકોની જિંદગી બરબાદ કરી નાખી કારણકે દરરોજ 200 ની આસપાસ કેસ,રોજ 50 થી 60 લોકોના મોત થતા હતા

હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવો હોય પણ ભલામણ કરવી પડે તેવી સ્થિતિ હતી હોસ્પિટલમાં બેડ ન મળે,ઓકિસજનની કમી વચ્ચે ,રેમડેસીવીર માટે લોકો જી.કે.માં કતારો લગાવતા હતા જીવન મરણ નો ખરો જંગ આ બીજી લહેરમાં હતો કારણકે આજે આપણી વચ્ચે ઉભેલો સ્વજન આવતીકાલે હયાત જ નથી તેવા સમાચાર સાંભળવા મળતા હતા. અનેક પરિવારો નોંધારા બન્યા,માસુમોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી હોસ્પિટલમાં હૈયાફાટ રુદન વચ્ચે મૃતકનું મોઢું પણ જોવા ન મળે,સ્મશાનોમાં અંતિમવિધિ માટે પણ લાઈનો લાગતી હતી

જોકે આ કપરો સમય વીતતો ગયો,ધીમીધીમે પરિસ્થિતિ કાબુમાં આવી હતી. મેં મહિનાની મધ્યમાં એટલે કે 16 મેં ના ઘાતક બીજી લહેરનો પિક આવી ગયો હતો આ દિવસે કચ્છમાં સર્વાધિક 3737 કેસ સરકારી ચોપડે એક્ટિવ બતાવાયા હતા. કેસો ઘટવાની શરૂઆત 17 મેં થી થઈ હતી આ દિવસે નવા કેસ 133 નોંધાયા અને 134 દર્દી સાજા થયા હતા બસ ત્યારથી જ જિલ્લામાં કેસો ઘટવાની શરૂઆત થઈ હતી નવાઈની વાત એ છે કે,આ સમયગાળામાં દરરોજ 100 થી વધુ લોકો સાજા થતા હતા જેથી જોત જોતામાં એટલે કે,39 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 3737 માંથી ઘટીને 24 જુલાઈના 104 પર આવી ગઈ હતી.

39 દિવસોમાં 3633 લોકો સાજા થઈ ગયા હતા જોકે જેમ કેસો વધ્યા બાદમાં રિકવરી રેટ વધ્યો તેવી રીતે હવે કેસો ઘટવાની રફતાર ધીમી પડી ગઈ હતી 24 જુલાઈના 104 કેસો એક્ટિવ હતા જેથી 13 જ દિવસોમાં 93 દર્દી સાજા થઈ જતા ગત 6 જુલાઈના કચ્છમાં 11 કેસ એક્ટિવ રહ્યા હતા પરંતુ ખરો ખેલ તો હવે શરૂ થયો કારણકે આ દર્દીઓને સાજા થવામાં એક બે નહિ પરંતુ પુરા 37 દિવસ લાગ્યા હતા એટલે કે 11 ઓગસ્ટના એકમાત્ર એક્ટિવ દર્દીને પણ રજા મળી જતા કચ્છ જિલ્લો કોરોના મુક્ત જાહેર થયો હતો.

મુંબઇનો યાતાયાત શરૂ થતાં કોરોના મુક્ત જિલ્લો આવ્યો હતો ઝપેટમાં
પ્રથમ લહેરમાં કચ્છ જિલ્લો 29 એપ્રિલ 2020ના કોરોના મુક્ત બન્યો હતો. જોકે કેસો ઘટી જતાં મુંબઇનો યાતાયાત કચ્છમાં ફરી શરૂ થયો હતો મુંબઈથી કચ્છીઓ કચ્છમાં આવતા જિલ્લામાં ફરી કેસો વધવા લાગ્યા હતા અને તહેવારોની ઉજવણી પણ છીનવાઈ ગઈ હતી.

ત્રીજી લહેર ન આવે તે માટેની જવાબદારી આપણા સૌની
જિલ્લો બીજી વાર કોરોના મુકત જાહેર થયો છે. કોરોના બીમારીથી બચાવનારા સૌ આરોગ્ય અને કોરોના વોરિયર્સને અભિનંદન સાથે આપણે સૌ રસી મુકાવી કોરોના સામે લડાઈ લડીએ. હા માસ્ક તો અચૂક પહેરીને જ રાખીએ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. પણ કોરોના ગયો નથી એ સૂત્રને યાદ રાખી આપણે સૌ કોવિડ નિયમોનું પાલન કરીએ અન્યથા બેદરકારી ફરી ત્રીજી લહેરને જન્મ આપે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...