વિરોધ:રાજ્યની સાથે કચ્છના આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2800 ગ્રેડ પેની માગ ન સંતોષાતાં લડવાના મૂડમાં

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી સહિતનાને 2800ના ગ્રેડ પેમાં સમાવવા વર્ષોથી માગણી થઇ રહી છે જે રાજ્ય સરકાર દ્વારા સંતોષાતી ન હોવાથી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા હડતાળનું એલાન કરવા આયોજન થઇ રહ્યું છે જેમાં કચ્છ એકમ પણ જોડાશે.

કોરોના જેવી મહામારીમાં પણ માર્ચ માસથી આરોગ્ય કર્મચારીઓ ખડે પગે સેવારત છે. વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી સહિતના 1400થી પણ વધુ કર્મીઓ કોવિડથી ચેપગ્રસ્ત બન્યા છે જેને લઇને તેમના પરિવારમાં પણ સંક્રમણ થયું છે. આ વિકટ સંજોગોમાં પણ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત મેલેરિયા નાબૂદી, વાહકજન્ય રોગોના નિયંત્રણ, રસીકરણ, ક્ષયરોગ નિર્મૂલન, મૃત્યુદર અટકાવ અને આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ છેવાડાના ગામો સુધી પહોંચે તેના માટે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

આ કર્મચારીઓએ ખંત પૂર્વક કામ કર્યું હોવા છતાં સરકાર અને અધિકારીઓ દ્વારા તેમને હાંસિયામાં જ રાખવામાં આવ્યા છે તેમ છતાં આવું અપમાન સહન કરીને પણ લોકોની સેવામાં ખડેપગે રહે છે તેમ જણાવતાં કચ્છ એકમના મુખ્ય કન્વીનર સાવદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા હડતાળનું એલાન અપાશે ત્યારે કચ્છ પણ તેમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...