તંત્ર નિદ્રાંધિન:કચ્છની આરોગ્ય સેવાને લાગ્યો લૂણો, દર્દીઓને પડતી મુશ્કેલી, બે મહત્વના નગરોના આરોગ્ય કેન્દ્રની સેવાઓ લાંબા સમયથી બંધ

નખત્રાણા/માંડવી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિંદગી કે સાથ ભી નહીં, જિંદગી કે બાદ ભી નહીં !

કોરોનાના કપરા કાળની કચ્છને કળ વળી રહી છે, હજુ પણ લોકોને સાવચેત રહેવા જણાવાઇ રહ્યું છે તેવામાં જિલ્લાના બે મહત્વના નગરોના આરોગ્ય કેન્દ્રની જાહેર સેવા મામૂલી કારણસર લાંબા સમયથી બંધ હોતાં લોકો હાલાકી વેઠી રહ્યા છે. નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યૂલન્સ છે પણ તેમાં ડિઝલ ભરવાની વ્યવસ્થાના અભાવે ધોળા હાથી જેમ પડી છે પરિણામે ઇમરજન્સી હોય તેવા કિસ્સામાં દર્દીને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. આમ જિંદગીનો સાથ નિભાવવો હોય ત્યારે જ આરોગ્ય સેવા મળતી નથી. બીજી બાજુ માંડવીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહ સાચવવા બોકસની વ્યવસ્થા ઉભી કરાઇ છે તેમાં જરૂરી તાપમાન જાળવવા માટેની મશિનરીમાં ખામી સર્જાતાં લાંબા સમયથી આ સેવા બંધ પડી છે જેને કારણે જિંદગી બાદ પણ સમસ્યા સર્જાઇ રહી છે.

જિંદગી કે સાથ... ? નખત્રાણા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યૂલન્સ ડિઝલ વિના ધોળા હાથી જેમ ઉભી છે
પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અંતરિયાળ ગામોમાંથી લોકો સારવાર માટે આવે છે. દર્દીની હાલત ગંભીર હોય તેવા કિસ્સામાં વધુ સારવાર માટે ભુજ રીફર કરવામાં આવે છે. કેન્દ્રમાં ડ્રાઇવર સાથે એમ્બ્યૂલન્સ તો ફાળવાઇ છે પણ છેલ્લા કેટલાક સમયથી એમ્બ્યૂલન્સમાં ડિઝલ ભરવાની વ્યવસ્થા ન હોતાં દર્દીને નાછૂટકે ખાનગી વાહન કે 108માં ખસેડવાની નોબત આવે છે. અકસ્માતના બનાવમાં સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાય છે પણ જો હાલત ગંભીર હોય તો તબીબો ભુજ કે અન્ય સ્થળે ખસેડવાની સલાહ આપે છે તેવામાં ધોળા હાથી સમાન એમ્બ્યૂલન્સ ઉપયોગી બનતી નથી. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને બચાવવા મથતા પરિજનોની હાલત વધુ કફોડી બને છે અને નાછૂટકે ખાનગી વાહનનો આશરો લેવો પડે છે. એમ્બ્યૂલન્સને ચલાવવા ડ્રાઇવર તો છે પણ ડિઝલ ટેન્ક કોરી કટ હોતાં ખરે ટાંકણે જ લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાય છે. આ બાબતે ડોક્ટર પાંડેને પૂછતાં તેમણે કહ્યું કે પ્રસૂતિના કિસ્સામાં ભુજ જવા માટે જન શિશુ ગ્રાન્ટમાંથી વ્યવસ્થા થઈ જાય છે પણ અન્ય કેસો કે ઇમરજન્સી વખતે ડિઝલનો પ્રશ્ન રહે છે કારણ કે કોઈ પેટ્રોલ પમ્પ વાળા ઉધારમા ઇંધણ આપતા નથી. ઘણી વખત અમારા ગાંઠના રૂપિયા રોકી એમ્બ્યૂલન્સ ભુજ મુકતા હોઈએ છીએ પણ બિલો જલ્દી પાસ થતા નથી. બિલ પાસ થવામા બેથી અઢી મહિના લાગે છે. આટલો સમય કોઈ પેટ્રોલ પમ્પ વાળા રાહ જોવા તૈયાર નથી હોતા.

જિંદગી કે બાદ...? માંડવીની હોસ્પિ.માં મૃતદેહ સાચવવાની વ્યવસ્થા ખોરવાઇ
માંડવી તાલુકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહ સાચવા માટે કૂલિંગ સિસ્ટમ લાંબા સમયથી બંધ પડી છે. ચાર દિવસ પહેલા અસ્થિર મગજનાદર્દીની બિનવારસુ લાશ રખાઈ હતી તે અતિશય દુર્ગંધ મારતાં તેના નિકાલ માટે મુશ્કેલી સર્જાઇ હતી. હોસ્પિટલમાં બિનવારસુ અથવા પરિવારજનો રાજ્ય બહાર હોય તેવા મૃતકની લાશ સાચવવા માટે કોલ્ડ બોક્સની વ્યવસ્થા કરાઇ છે પણ તેનું કમ્પ્રેસર છેલ્લા ત્રણ માસથી બંધ હોવાનું બહાર આવ્યું છે. ચાર દિવસ પહેલા શહેરના અજાણ્યા મસ્તરામનું મૃત્યુ થતા મૃતદેહને કોલ્ડ બોક્સમાં મુકાયો હતો પણ કૂલિંગ સિસ્ટમ બંધ હોતાં અતિશય દુર્ગંધ મારતી લાશનો નિકાલ પોલીસ અને પંચોની હાજરીમાં કરાયા બાદ અંતિમ વિધિ આટોપવાની ફરજ પડી હતી. કમ્પ્રેસરમાં ખામી થતાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહ સાચવવાની સમસ્યા પેદા થઇ છે તેમ કહેતાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાવે બે-ત્રણ દિવસમાં તાંત્રિક ક્ષતિ દૂર કરીને સેવાને પુન: કાર્યરત કરાશે તેવી હૈયાધારણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...