વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ:કચ્છ જિલ્લો કિશોરોના વેક્સિનેશન કાર્યમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ, વિદ્યાર્થીઓની અન્ય લોકોને પણ વેક્સિન લેવા અપીલ

ભુજ17 દિવસ પહેલા
  • ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં રસીકરણની ટકાવારી વધુ
  • વાગડથી પ્રાથળ સુધીના વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ વિભાગની પ્રશંસનીય કામગીરી
  • ભુજની સરકારી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રસી મુકાવવા માટે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

દેશની પશ્ચિમ દિશાએ આવેલા છેવાડાના કચ્છ જિલ્લામાં કિશોર વેક્સિનેશન કાર્ય આજે સોમવારે પ્રથમ દિવસે બપોરના 1 વાગ્યા સુધીમાં 19 હજાર 973 બાળકો સાથે સમગ્ર ગુજરાતમાં અગ્રિમ સ્તરે નોંધાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં હવે 15થી 18 વયજૂથના બાળકો માટે અમલમાં લવાયેલી કોરોના વિરૂદ્ધની રસીકરણનું આજથી શરૂ થયેલું કાર્ય જિલ્લાની સરકારી અને ખાનગી એમ 526 શાળાઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારમાં તેની ટકાવારી વિશેષ હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લાના દસ તાલુકામાં કિશોર વેક્સિનેશનની કામગીરી આજે સોમવારે સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જેમાં આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 19 હજાર 973 બાળકોએ પોતાની શાળાઓમાં જઈ કોરોના વિરૂદ્ધની રસી મુકાવી હતી. જિલ્લામાં શાળાએ જતા વેક્સિનેશન અંતર્ગત આવતા 90 હજાર ભણતા અને 59 હજાર શાળાએ ન આવતા કિશોરો પૈકી 75 હજાર જેટલા કિશોરોને બે દિવસ દરમિયાન રસી મુકવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં આજે બપોર સુધીમાં રસી મુકાવેલા એક પણ છાત્ર કે છાત્રાઓએ કોઈ પ્રકારની આડ અસરની ફરિયાદ કરી હોય એવું સામે આવ્યું નથી.

જિલ્લા મથક ભુજમાં વિવિધ શાળાઓમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકોના રસીકરણ માટે ખૂબ જ સીફતપૂર્વક કામગીરી ચાલી રહી છે. શહેરની મધ્યમાં આવેલી સરકારી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રસી મુકાવવા માટે વિદ્યાર્થીઓમાં સારો ઉત્સાહ દેખાતો હતો. શિક્ષકગણ દ્વારા છાત્રોને સામાજિક અંતરની સાથે અલગ અલગ બેસાડવામાં અને કતારમાં ઉભા રાખવામાં આવ્યા હતા. રજીસ્ટ્રેશન માટે બાળકો મોબાઈલ ફોન અને આધાર કાર્ડ સાથે લાવ્યા હતા. જ્યાં શાળાના કર્મચારી તેમની નોંધ કરી કોવીન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવતા હતા. જેમાં આરોગ્ય વિભાગનો મેડિકલ સ્ટાફ કોવિડ ગાઈડલાઈનની સાથે બાળકોને વેક્સિન આપતા નજરે ચડ્યો હતો.

આલ્ફ્રેડ હાઈસ્કૂલના ઈંગ્લીશ ટીચર અક્ષય દવેએ જણાવ્યું હતું કે રસીકરણ માટે બાળકોનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડી રહ્યો છે. શાળાનો સ્ટાફ અને આરોગ્ય કર્મીઓના સારા સહયોગથી વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે. 80 ટકા જેટલા બાળકો વાલીની સંમતિ સાથે આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહ્યા છે. અત્યાર સુધી કોઈજ બાળકને તેની આડ અસર થઈ નથી. રસી લીધા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમ ખાતે અડધો કલાક સુધી બેસાડવામાં પણ આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા અનિરુદ્ધ સોઢાએ કહ્યું હતું કે, "મેં આજે કોરોના વિરૂદ્ધની રસી મુકાવી છે. મને જરા પણ તકલીફ નથી થઈ રહી. મારું માનવું છે કે દેશના તમામ લોકોએ અચૂક રસી મુકાવવી જોઈએ." અત્રે નોંધનીય છે કે કચ્છના સિંધોડી મોટી ગામમાં દિવ્યાંગ બાળક સ્કૂલમાં આવી શકે તેમ ન હોવાથી તેના ઘરે જઈને તેને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...