• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Kutch District Leads In Immunization Of Youth, 85% Beneficiaries Aged 15 To 18 Years Were Vaccinated In The District.

કચ્છ જો માભો:તરૂણોના વેક્સિનેશનમાં કચ્છ સિરમોર, એકસાથે 85 ટકા વિદ્યાર્થીઓનું રસીકરણ, ત્રણ દિવસમાં જ ટારગેટ પૂરો થશે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી તા. 7ના શાળાએ ના આવતાં બાળકો માટે રસીકરણ અભિયાન હાથ ધરાશે

ભૌગોલિક રીતે વિશાળ કચ્છ જિલ્લામાં કિશોર-કિશોરી વેક્સિનેશન કાર્ય 85 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં અગ્રિમ સ્તરે રહ્યું છે અને 15થી 18 વયજૂથનાં શાળાએ આવતાં 90 હજાર બાળકમાંથી 55 હજારથી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ અત્યારસુધી મહાનગરો કરતાં પણ વિશેષ સમજદારી બતાવી છે. છેવાડાના કચ્છને આ માટે સૌથી ઉપર લાવી દીધું છે. કિશોર-કિશોરી રસીકરણ અભિયાનની આંશિક સફળતા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી માઈક્રો આયોજન વ્યવસ્થા કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં શાળાએ આવતાં ભાઈ-બહેનોએ ગજબની સમજશક્તિનો પરચો બતાવી કિશોર-કિશોરી વેક્સિનેશન હેઠળ કોરોના વિરુદ્ધની રસી મુકાવી હતી. નખત્રાણા તાલુકના સાંગનારા, ભુજના ધાનેટી સહિત જિલ્લાનાં કુલ 924 ગામમાંથી 789 ગામમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. ખાસ કરીને લઘુમતી સમાજમાં રસીકરણ ઓછું થયું છે, તેમનાં સંતાનોએ રસી મુકાવી માતા-પિતાને પણ રસી લેવા સમજ આપી હતી. ત્યારે સારા રસીકરણ માટે કેવાં પગલાં લેવામાં આવ્યાં હતાં. આ વિશે કચ્છના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કિશોર વેક્સિનેશન પૂર્વે જિલ્લા સમહર્તા પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આયોજન વ્યવસ્થા અંતર્ગત બેઠક યોજાઇ હતી. બેઠકમાં માઈક્રો આયોજન વ્યવસ્થાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. એમાં બાળકોની કુલ સંખ્યા, તેમને શાળાએ આવવા માટે સમજ આપવી, કેવી રીતે લાવવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં કામ કરતા અધિકારીઓને અલગ અલગ તાલુકાની જવાબદારી સોંપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કામગીરી પર સતત નજર રાખવામાં આવી હતી.

રસીકરણ કાર્યમાં આરોગ્ય વિભાગના આશા વર્કરો અને મેલ-ફિમેલ સુપરવાઈઝર અને આંગણવાડી બહેનો દ્વારા અગાઉથી જ રસીકરણની અગત્યતા સાથે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો અને સતત લોકોના સંપર્ક સાધી રસી લેવડાવવા સમજણ અપાઈ હતી. ગઈકાલે અને જે વિસ્તારમાં નબળું કાર્ય થતું હોય ત્યાં ઉપરી અધિકારી દ્વારા મોનિટરિંગ કેળવી શાળાએ ના આવેલાં બાળકોને ઘરે ઘરે જઈ સમજાવવામાં આવ્યાં હતાં. ભુજ અને ગાંધીધામ શહેરની સાથે અંતરિયાળ ગામોમાં પણ રસીકરણ સારું કરવા ગામના અગ્રણીઓ, સમજસેવકોને સાથે રાખી રસીકરણની અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના તમામ કર્મીઓ સાથે શિક્ષણ વિભાગના શિક્ષક ભાઈ-બહેનો કર્મચારીઓએ પણ પૂરતો સહયોગ આપ્યો છે અને આજે પણ સફળતાની ખુશી સાથે બન્ને વિભાગના કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 59 હજાર જેટલાં એવાં પણ કિશોર-કિશોરી વયનાં બાળકો છે, જે શાળાએ અભ્યાસ નથી કરતાં, આવાં બાળકો માટે આગામી તા. 7ના વિશેષ કેમ્પ યોજી રસીકરણ કરવામાં આવશે. તેના માટે આરોગ્યકર્મચારીઓ શહેર અને ગ્રામીણ વિસ્તારના શ્રમ એરિયા, વાંઢ કે કારખાનાં અગરિયાઓ સુધી પહોંચી પરિવાર સાથે કામ પર ચાલ્યા જતાં બાળકોને સમજ આપી રસી લેવા અનુરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...