"માત્ર અમુક લોકોના બેસીને વિચાર કરવાથી લોકશાહી ચરિતાર્થ નથી થતી પરંતુ ગામના દરેક નાગરિકોની સહભાગીતાથી થાય છે!” ભુજ તાલુકાની કુનરિયા પંચાયતે મહાત્માગાંધીના આ વાક્યને સાર્થક કરતી પ્રક્રિયાઓ કરી વર્ષ 2020-21 માટેનો "નાનાજી દેશમુખ રાષ્ટ્રિય ગૌરવ પુરસ્કાર" મેળવી કચ્છને રાષ્ટ્રિય સ્તરનું ગૌરવ અપાવ્યું છે. અંજાર તાલુકાના ભીમાસર ગ્રામ પંચાયતને દિન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અપાયો છે.
2010ની 24મી અેપ્રિલે ભારત સરકાર દ્વારા પ્રથમ પંચાયતી રાજ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી દર વર્ષે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્ર સ્તરે પંચાયતો દ્વારા થતી ઉત્કૃષ્ટ કામગીરી બદલ 24મી એપ્રિલના પંચાયતી રાજ દિવસ નિમિત્તે વિવિધ પંચાયતોને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે. વર્ષ 2020-21 માટે પંચાયતી રાજના વિવિધ એવોર્ડસની કેટેગરીમાંથી ભુજ તાલુકાની કુનરીયા ગ્રામ પંચાયતે ગ્રામસભાની કેટેગરી માટે 15મી જાન્યુઆરીના દિવસે ઓનલાઇન એપ્લિકેશન નોંધાવી હતી.
આ માટેની પ્રક્રિયામાં બહુસ્તરીય ચકાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ રાષ્ટ્રિય સ્તરની કમિટી દ્વારા પંચાયતોની પસંદગી કરવામાં આવતી હોય છે. ગુજરાત રાજ્યની કુલ્લ 217 ગ્રામ પંચાયતોએ આ વર્ષે આ કેટેગરીમાં એવોર્ડ માટે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું જેમાંથી કચ્છની કુનરીયા ગ્રામ પંચાયતને વર્ષ 2020-21 માટે "નાનાજી દેશમુખ રાષ્ટ્રિય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર" ફાળવવામાં આવ્યો છે.
કુનરિયા પંચાયતના નામાંકન સમયે સરપંચ પદે રહેલા વર્તમાન ઉપ સરપંચ સુરેશભાઇ છાંગાએ આ એવોર્ડ મેળવવાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ગ્રામસભા લોકશાહીને પ્રોત્સાહન પુરૂં પાડવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું છે, કોઇપણ પંચાયતોના પારદર્શક વહીવટ અને વિકાસકાર્યોમાં સ્થાનિકોની સહભાગીતા લાવવા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે.
મને ખુશી છે કે કુનરીયા પંચાયતની સ્તુત્ય ગ્રામસભા પ્રક્રિયાની પંચાયતી રાજ મંત્રાલય દ્વારા નોંધ લઇ આ સન્માન પુરૂં પાડ્યું છે.” વર્તમાનમાં રશ્મિબેન સુરેશભાઇ છાંગા ખૂબ જ સક્રિય સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય વિકાસકાર્યોને આગળ ધપાવી રહ્યાં છે.
આગામી 24મી એપ્રિલે "પંચાયતી રાજ દિવસ" નિમિત્તે કુનરીયા ગ્રામ પંચાયતને ગ્રામસભા માટેનો આ ગૌરવવંતો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કુનરીયા પંચાયતના નામાંકન માટેની ઓનલાઇન પ્રક્રિયામાં કચ્છની સ્થાનિક સ્વશાસનના સશક્તિકરણ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા સેતુ અભિયાનનો નોંધપાત્ર સહયોગ મળ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.