તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:કચ્છમાં કાતિલ ઠંડી : નલિયા 3.2 અને કંડલા (એ)માં 5.5 ડિગ્રી સાથે ઠાર

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • બુધવાર સુધી ઠંડીનું મોજું જારી રહેશે, પછી થોડી રાહત
 • કંડલા પોર્ટમાં 9.1 સાથે પારો એક આંકડે, ભુજમાં 10.2 ડિગ્રીથી લોકો ઠુઠવાયા

રવિવારની રાતથી કચ્છભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું જેની અસર સોમવારે દિવસે પણ જોવા મળી હતી. નલિયામાં પારો ગગડીને 3.2 ડિગ્રી થતાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી તો કંડલા (એ) મથકે પારો એક આંકમાં જઇને 5.5 ડિગ્રીએ અટકતાં રાજ્યમાં બીજા ક્રમનો ટાઢોબોળ વિસ્તાર બન્યો હતો.

સમુદ્રી વિસ્તાર એવા કંડલા પોર્ટ ખાતે પ્રથમવાર 9.1 ડિગ્રી સાથે પારો એક આંકડામાં સરક્યો હતો જ્યારે ભુજમાં ન્યૂનતમ 10.2 રહ્યું હતું. દરમિયાન બુધવાર સુધી કચ્છભરમાં ઠંડીનું મોજું જારી રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. શીત નગર નલિયામાં આશ્ચર્યજનક રીતે પશ્ચિમ-દક્ષિણ દિશાએ પવન ફુંકાયો હતો તેમ છતાં ગાત્રો ગાળતી ઠંડી પડી હતી જેને લઇને લોકો દિવસે પણ તાપણા કરવા મજબૂર બન્યા હતા. સપ્તાહ પૂર્વે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે દાયકાની સૌથી વધુ ઠંડી સહન કરનારા નલિયાના નગરજનોને ફરી એકવા મારકણા ઠારે સકંજામાં લીધા હતા. સપ્તાહનો ઉઘડતો દિવસ હોવા છતાં સાંજ ઢળતાં જ લોકોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું જેને લઇને બજારો સૂમસામ બની હતી.

કંડલા એરપોર્ટ મથકે પણ 5.5 ડિગ્રી સાથે શિયાળાનો અસલી મિજાજ જોવા મળ્યો હતો જેને લઇને ગાંધીધામ, આદિપુર અને અંજારના શહેરીજનોએ ચાલુ મોસમમાં પ્રથમવાર કાતિલ ઠંડી અનુભવી હતી. બીજી બાજુ તટીય હોવા છતાં કંડલા પોર્ટ પર પણ પારો એક આંકડામાં જઇને 9.1 ડિગ્રી રહેતાં વર્તમાન શિયાળા દરમિયાન સૌથી વધુ ઠાર અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ તાપમાન 10.2 ડિગ્રી રહ્યું હતું. દરમિયાન બુધ-ગુરુવાર સુધી કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેશે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું હતું.

નલિયામાં 48 કલાકમાં પારો 9 ડિગ્રી ગગડ્યો
ચાલુ માસના મધ્ય ભાગથી ઠરી રહેલાં નલિયામાં તા. 26ના શનિવારે ન્યૂનતમ 12.1 રહ્યું હતું જેના 48 કલાકમાં પારો એકઝાટકે 9 ડિગ્રી જેટલો ગગડી જતાં અબડાસાનું મુખ્ય મથક જાણે કાશ્મીરમાં ફેરવાયું હતું. 10 દિવસ પહેલાં 2.5 ડિગ્રી સાથે ધ્રૂજેલા આ નગરના લોકો હજુ પણ ઠાર વધશે તો કેવી હાલત થશે તેમ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

મહત્તમ સરેરાશ 26 ડિગ્રીથી દિવસે પણ ટાઢક
રાજ્યભરમાં સૌથી મોખરે રહેલું નલિયા કચ્છમાં મહત્તમ તાપમાનની રીતે અવ્વલ રહ્યું હતું. અહીં ઉંચું ઉષ્ણતામાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં 26.2, કંડલા પોર્ટ 25.1 અને કંડલા એરપોર્ટ પર 24.7 રહેતાં દિવસે પણ શિયાળાએ હાજરી પૂરાવી હતી. આ મથકે પ્રતિ કલાક 10 કિલો મીટરની ગતિએ ઉત્તર દિશાએથી ફુંકાયેલા પવને દિવસને પણ ઠંડો બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો