સોશિયલ મિડીયાનું વળગણ:બાળકો પુસ્તક કરતા વધુ મોબાઈલનો કરે છે વપરાશ, સવારે ઉઠતાની સાથે રાત્રે સૂતી વખત સુધી સતત મોબાઈલનું ઘેલું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આજના ટેકનોલોજીના યુગમાં બાળકો અને વિદ્યાથીઓને મોબાઈલનું ઘેલું લાગી ગયું છે,બાળક હજી ઘૂંટણિયે ચાલતો હોય ત્યારથી લઈ ટીનેજર્સ સુધીની વયમાં મોબાઈલનો નશો થઈ ગયો છે.સવારે ઉઠતાની સાથે હાથમાં મોબાઈલ જોઈએ અને રાત્રે સૂતી વખત સુધી મોબાઈલ ફોન રાખતા થઈ ગયા છે.

ખાસ કરીને કોરોના સમયગાળા બાદ વિદ્યાર્થીઓમાં મોબાઈલનું એડિકટ વધી ગયું છે.જેમ વ્યસનીઓને ગુટખાનો નશો હોય તેમ શાળાએ જતા વિદ્યાર્થીઓમાં મોબાઈલનો નશો થઈ ગયો છે જો મોબાઈલ ન મળે તો છાત્રો નાસીપાસ અને હતાશ થઈ જાય છે અને ક્રોધિત થઈ જાય છે.જેના કારણે અનિચ્છનીય બનાવો બને છે ઘણી વખત ઘરેથી મોબાઈલ વપરાશ કરવાની ના કહેવામાં આવે તો ઉશ્કેરાટમાં આવીને ટીનેજર્સ ઘરેથી ભાગી જવું,તોડફોડ કરવી, હાથની નસ કાપી નાખવી સહિતના અનિચ્છનીય પગલાંઓ પણ ભરી લેતા હોવાથી વાલીઓમાં ચિંતા છે.

મોબાઈલના નશા પાછળ પહેલી ભૂલ માં - બાપની
શાળાએ જતા વિદ્યાર્થીઓને મોબાઇલની બુરી લત લાગી ગઈ છે.આખો દિવસ ગેમ્સ અને સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ,સ્નેપચેટ અને વોટ્સએપમાં રચ્યા પચ્યા રહેતા હોય છે તેમની આ આદત પાછળ સૌથી મોટા જવાબદાર હોય તો તે તેના માં - બાપ છે.કારણકે શરૂઆતમાં વાલીએ પોતાની સવલત ખાતર બાળકને હાથમાં મોબાઈલ પકડાવી દીધો પણ તેનો કેટલી માત્રામાં અને કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવાડયુ જ નહીં અને ઘરમાં જેવો માહોલ હોય તેવું વિદ્યાર્થીઓ શીખે,માં - બાપ ફોનમાં વ્યસ્ત હોય તો બાળકો પણ મોબાઈલમાં જ વ્યસ્ત રહેવાના છે. તેને મોબાઈલ મૂકી દેવાનું કહેશો તો ગમશે નહિ તે પણ હકીકત છે.

મનોચિકિત્સકોએ આદત છોડાવવા આપ્યા ઉપાય

ગ્રુપમાં નિયમિત યોગા કરાવો
મનોચિકિત્સક ડો.દેવજ્યોતિ શર્માએ જણાવ્યું કે, ટીનેજર્સમાં મસ્તિષ્કનો અલ્પવિકાસ થયો હોય છે 22 થી 25 વર્ષની આયુમાં તેઓ લાગણી સમજતા થાય છે જેથી હાલમાં તેઓને મોબાઈલ મુકવાનું કહેવામાં આવશે તો ગુસ્સામાં આવી જશે.ખરેખર વાલીઓ દ્વારા બાળકને સાથે રાખીને દિવસ દરમ્યાન મોબાઈલ વપરાશનો સમય નક્કી કરવામાં આવે તેમજ મોબાઈલ સિવાયની હોમવર્ક અને અન્ય પ્રવૃત્તિઓમાં તેનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટેના પ્રયાસો કરી ગ્રુપમાં યોગા કલાસ જોઈન કરાવવા જોઈએ.45 દિવસ સુધી આ પ્રયાસ કરવાથી આદત છોડાવી શકાય તેમ છે.

બાળકને પ્રવુતિમય રાખો
સતત મોબાઈલનો વપરાશ કરવાથી બાળકના ચિતની વૃત્તિ બગડી જાય છે,મોબાઇલની સાંસારિક ચમકધમક તેના મનમાં ઝબકતી હોય છે.જે ગેરમાર્ગે દોરી જાય છે જેથી બાળકને મોબાઈલની લતથી દુર રાખવા માટે પહેલા વાલીએ મોબાઈલનો વપરાશ ઓછો કરવાની જરૂરિયાત છે,જેવું જુએ તેવું બાળક શીખે છે જેથી બાળક સાથે વાતચીત કરો,ઘરમાં રમાતી લુડો સહિતની ગેમ રમો,સમય આપો અને પ્રવુતિમાં વ્યસ્ત રાખો જેથી મોબાઈલના વપરાશ પર કન્ટ્રોલ આવી જશે તેવું ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના મનોરોગના નિષ્ણાત તબીબ મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...